News of Tuesday, 10th December 2024
ધાર્મિક સહિતના ૮ બાંધકામોનો બુકડોઃ ૩૧ લાખની જગ્યા ખુલ્લી
મનપાનું બુલડોઝર ધણધણ્યું : રેલનગર, માધાપર સહિતના વિસ્તારમાં તંત્રના પ્લોટમાં ખડકાયેલ રહેણાંક, ધર્મસ્થાનોના દબાણ ૭૦ ચો.મી.ની જમીનમાંથી દુર કરાયાઃ

રાજકોટ, તા., ૧૦: મ્યુનિ. કોર્પોરેશનની ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા આજે લાંબા સમય બાદ વોર્ડ નં. ર અને ૩ ના રેલનગર, માધાપર સહીતના વિસ્તારમાં તંત્રના અનામત પલોટમાં ખડકાયેલ બે ધર્મસ્થાનો, રહેણાંક મકાન સહીતના ૮ બાંધકામોનું ડિમોલીશન કરી ૭૧ ચો.મી. ૩૧ લાખની જમીન ખુલ્લી કરવામાં આવી હતી.
આ અંગે મનપા ની સતાવાર યાદીમાં જણાવ્યા મુજબ એડી.સીટી એન્જીનીયર એ.એ. રાવલના આદેશાનુસાર ટાઉન પ્લાનીંગ શાખા સેન્ટ્રલ ઝોન દ્વારા થયેલ અનઅધિકૃત બાંધકામ દુર કરવા ડીમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવેલ જેમાં ૭૦.૦૦ ચો.મી.ની અંદાજીત રૂા. ૩૧.૦૦ લાખની જમીન ખુલ્લી કરાવેલ છે. જેમાં વોર્ડ નં. ૩ રેલનગરમાં ટી.પી. સ્કીમ નં. ૨૩ (રાજકોટ) અનામત પ્લોટ નં. ૧૮/ એ (વાણીયાજય હેતું ) માંથી મંદિરનું દબાણ ૬.૦૦ લાખ ની કિંમતની વોર્ડ નં. ૨ ટી.પી. સ્કીમ નં. ૯ (રાજકોટ)ના અનામત પ્લોટ નં. એસ.આઇ/ ૬ (ડ્રેનેજ પમ્પીંગ) માંથી રહેણાક મકાનનું દબાણ દુર કરી ૨૫.૦૦ લાખ સહિત ૩૧ લાખની જગ્યા ખુલ્લી કરવામાં આવી હતી.
આ ઉપરાંત વોર્ડ નં. ૩ માધાપરમાં ટી. પી. સ્કીમ નં. ૩૮/૧ (માધાપર), ૧૮.૦૦ મીટર ટી. પી. રોડ પર દરગાહમાં આવેલ રૂમ તથા પાણીના ટાંકાનું દબાણ કરવામાં આવેલ છે. તેમજ વોર્ડ નં. ૩ માધાપરમાં ટી. પી. સ્કીમ નં. ૩૮/૧ (માધાપર), ૧૮.૦૦ મીટર ટી. પી. રોડ પર ચાર રહેણાંક મકાનનું દબાણ દુર કરવામાં આવેલ છે.આ કામગીરીમાં ટાઉન પ્લાનીંગ શાખાના સેન્ટ્રલ ઝોનનો તમામ સ્ટાફ, બાંધકામ શાખા, જગ્યા રોકાણ શાખા, ફાયર શાખા તથા રોશની શાખાનો સ્ટાફ સ્થળ પર હાજર રહેલ તથા આ કામગીરી દરમ્યાન સ્થાનિકે કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે માટે વિજીલન્સ શાખાનો સ્ટાફ પણ સ્થળ પર ઉપસ્થિત રહ્યો હતો.
(3:00 PM IST)










