News of Tuesday, 10th December 2024
રાજકોટના આજી જીઆઇડીસીમાં કારખાનામાંથી ડ્રાઇવર નથુ ઉર્ફે કાનો ભરવાડ કબાટમાંથી રોકડ ૧૫ લાખ ઉસેડી ગયો: કારખાના માલિક પારસ સોસાયટીના ધ્રુવભાઈ દવેની થોરાળા પોલીસમાં ફરિયાદ: પીઆઈ એન.જી.વાઘેલા, પીએસઆઇ ગોહિલ સહિતની ટીમની તપાસ

રાજકોટઃ શહેરના આજી જીઆઈડીસીમાં આવેલા ડીઝલ એન્જીનના પમ્પ બનાવવાના કારખાનામાંથી ડ્રાઇવર તરીકે નોકરી કરતો શખ્સ બીજા એક શખ્સ સાથે મળી રૂપિયા પંદર લાખની રોકડ ચોરી જતાં થોરાળા પોલીસે તપાસ શરૂ કરી છે. આરોપી પોલીસના હાથવેંતમાં હોવાનું જણાવાય રહ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર આજી જીઆઇડીસીમાં આવેલા રૂષી એકસપોર્ટ પ્રાઇવેટ લીમિટેડ નામના કારખાનામાં આ બનાવ બન્યો છે. આ અંગે થોરાળા પોલીસે કારખાના માલીક ધ્રુવભાઈ હરીશકુમાર દવે (ઉ.વ.૪૧ ધંધો વેપાર રહે.પારસ સોસાયટી શેરી નં.૦૨, મકાન નં.૩૦-એ “કેલા" નીર્મલા કોન્વેન્ટ સ્કુલની સામે, નીર્મલા કોન્વેન્ટ રોડ)ની ફરિયાદ પરથી નથુ ઉર્ફે કાનો ભીમભાઈ ભરવાડ સામે ફરિયાદ દાખલ કરી છે.તેમણે જણાવ્યું છે કે હું મારા પરીવાર સાથે રહુ છુ અને અમારે રાજકોટ શહેર આજી.જીઆઇડીસી ૮૦ ફુટ રોડ ખાતે ઋષિ એકસપોર્ટ પ્રાઇવેટ લીમીટેડ નામનુ કારખાનુ આવેલ છે અને આ કારખાનામાં ડિઝલ એન્જીન પંપ બનાવીએ છીએ અને એકસપોર્ટ કરીએ છીએ. આ કારખાનુ હુ તથા મારા પિતા બંન્ને છેલ્લા પાંત્રીસ વર્ષથી સંભાળીએ છીએ અને મે ઇન્ટરનેશનલ બીઝનેસમા પીએચડી કર્યું છે. ગઈ તા.૨૨/૧૦/૨૦૨૪ના રોજ હુ તથા મારા પિતા કારખાને ગયેલ હતા અને મારા પિતાએ તા.૦૫/૧૦/૨૦૨૪ના રોજ કારખાનાના શેડમા પડેલ લોખંડના કબાટમાં રૂપીયા ૧૫ લાખ રાખેલા હતા, અમારા ઘરે રૂપીયાની જરૂરીયાત હોઇ જેથી મારા પિતાએ આ લોખંડનો કબાટ ખોલેલ અને કબાટમા જોતા રૂપીયા જોવામા આવેલ ન હતા.
જેથી મારા પિતાએ આ બાબતે મને પુછતા મે મારા પિતાને જણાવેલ હતુ કે મે આ રૂપીયા લીધેલ નથી. અમોએ અમારા કારખાનામા ચેક કરતા કોઇ જગ્યાએ રૂપીયા મળી આવેલ ન હતા જેથી મારા પિતાએ મને જણાવેલ કે આપણે આપણી ફેકટરી વેચેલ છે અને તેની સુથી પેટે રૂપીયા ૨૫ લાખ આવેલ હતા અને તેમાથી મે રૂપીયા ૧૦ લાખ લીધેલ હતા અને બાકિના રૂપીયા ૧૫ લાખ આ કબાટમા રાખેલા હતા. મે જયારે કબાટમા આ રૂપીયા રાખેલા હતા ત્યારે આપણા કારખાનામાં ડ્રાઇવર તરીકે નોકરી કરતો નથુ ઉર્ફે કાનો ભરવાડ સાથે હતો.
ત્યારબાદ મારા પિતાએ મને કહેલ કે નથુ ઉર્ફે કાનો ભરવાડ આપણા કારખાને આવે ત્યારે તુ તેને પૈસા બાબતે પુછી લેજે એમ કહેલ હતુ. બાદ આ નથુ ઉર્ફે કાનો ભરવાડ ચાર-પાંચ દિવસ સુધી અમારા કારખાને આવેલ ન હોઇ જેથી અમારા કારખાનામા સીકયુરીટી તરીકે નોકરી કરતા કેશુભાઇ ચાવડાને પુછતા તેઓએ જણાવેલ હતુ કે તા.૨ ૦/૧૦ના રોજ રાત્રીના નવેક વાગ્યે નથુ ઉર્ફે કાનો ભરવાડ તથા તેની સાથે એક માણસ એક રીક્ષા લઇને આવેલ હતા અને મને જણાવેલ હતુ કે શેઠે અમોને એક પાર્સલ લેવાનુ જણાવેલ છે. એમ કહી તે કારખાનામા અંદર ગયેલ હતા અને થોડીવાર બાદ રીક્ષા લઇને જતા રહેલ હતા એમ જણાવેલ હતુ. બાદ મે નથુ ઉર્ફે કાના ભરવાડને ફોન કરતા તેનો મોબાઇલ ફોન બંધ આવતો હતો જેથી હુ તથા મારો મીત્ર પ્રશાંત આ નથુ ઉર્ફે કાનો ભરવાડ ની તપાસ કરવા માટે તેના ઘરે સોમનાથ સોસાયટી-૦૨, શેરી નં.૦૭ના ખૂણે રૈયા રોડ ખાતે ગયેલ હતા. પણ નથુ તેના ઘરે ન હતો અને તેના પરીવારના સભ્યો હાજર હતા અને તેઓએ અમોને કહેલ હતુ કે, નથુ ઉર્ફે કાનો બહારગામ ગયેલ છે અને તે થોડા દિવસમા આવી જશે અને આવીને તમારા રૂપીયા પાછા આપી દેશે એમ વાત કરતા અમો ત્યાથી નીકળી ગયેલ હતા. બાદ નથુ ઉર્ફે કાનો ભરવાડ અમારી પાસે અમારા રૂપીયા લઇ આવેલ ન હોઇ જેથી અંતે પોલીસને જાણ કરી હતી અને પોલીસે ફરીયાદ કરવાનુ જણાવેલ હતુ પરંતુ નથુ ઉર્ફે કાનાના પરીવારજનોએ નથુ રૂપીયા આપી દેશે તેવી વાત કરી હોઇ જેથી અમે આજ સુધી ફરીયાદ કરી ન હતી. અમારા કારખાનાના કબાટમા રૂપીયા ૧૫ લાખ ઉપરાંત મારા પીતાશ્રીએ અમારા કારખાનાના વહિવટના બીજા કેટલા રૂપીયા રાખેલા હતા તે કેટલા રૂપીયા હતા તેની મને ખબર નથી.અમારૂ કારખાનુ વેચ્યું હોઇ જેના સુથી પેટે આવેલ રૂપીયા ૨૫ લાખ મારા પિતાએ અમારા કારખાનામા લોખંડના કબાટમાં રાખેલ હોય અને જે રૂપીયામાંથી મારા પિતાએ રૂપીયા ૧૦ લાખ લીધા હતાં. બાકીના ૧૫ લાખ ડ્રાઇવર કાનો ઉર્ફ નથુ ચોરી ગયો હતો. તેમ ધ્રુવભાઈએ જણાવતા થોરાળા પીઆઇ એન.જી. વાઘેલા, પીઆઈએસ ચેતનસિંહ ગોહિલ, ભરતસિંહ પરમાર તથા ડી સ્ટાફ ટીમે ફરિયાદ દાખલ કરી આરોપીને શોધી કાઢવા મહેનત શરૂ કરી છે. આરોપી ઝડપથી પકડાઈ જવાની પોલીસે આશા વ્યક્ત કરી છે.
(7:21 PM IST)










