<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 11th December 2024

ગોંડલ એસ.ટી. બસ સ્‍ટેશનની હાલત બદતર

એસ.ટી.મુસાફર હિતરક્ષક સમિતિએ સ્‍થળ મુલાકાત લેતા બસસ્‍ટેશનમાં ઢોર, કુતરા પ્‍લેટફોર્મ પર આટાફેરા કરતા જોવા મળ્‍યાઃ ફરીયાદ બુકમાં નોંધ કરાવાઇ

રાજકોટ તા.11: ગુજરાત એસ.ટી મુસાફર હિતરક્ષક સમિતિના સ્‍થાપક ગજેન્‍દ્રસિંહ ઝાલા, એડવોકેટ ઈન્‍દુભા રાઓલ, દિલીપભાઈ આસવાણી, મેઘજીભાઈ રાઠોડ, પટેલ નાગજીભાઈ વિરાણી, પૂર્વ ફોજી નટુભા ઝાલા, એડવોકેટ ભાવનાબેન વાઘેલા, સોની દીપકભાઈ રાણપરા, પ્રફુલાબેન ચૌહાણ, જયંતીભાઈ હિરપરા, જીગ્નેશભાઈ બોરડ ની સંયુક્‍ત યાદી જણાવે છે કે રાજકોટ ડિવિઝન હેઠળ ના ગોંડલ એસ.ટી બસ સ્‍ટેશનની ગુજરાત એસ.ટી મુસાફર હિતરક્ષક સમિતિના સભ્‍યો દ્વારા સાઇટ વિઝીટ કરતા પ્‍લેટફોર્મ 2,3,4 અને 5 પર ઢોર, કુતરા, આખલાઓ અડીંગો જમાવી પડ્‍યા પાથર્યા જોવા મળ્‍યા હતાં.

બસ સ્‍ટેશનની અંદર ઠેર ઠેર કચરાના ગંજ ખડકાયેલા જોવા મળ્‍યા હતા તત્‍કાલીન સમયે માવઠું થતાં પાણીના ખાબોચિયા ભરાયેલા હતા પંખાઓ બંધ હાલતમાં હોવાથી અને કેટલીક લાઇટો પણ બંધ હોવાથી અંધારપટ જેવી સ્‍થિતિ હતી બસ સ્‍ટેશનની અંદર ખાનગી વાહનો ની અવરજવર જોવા મળી હતી. જે પગલે તત્‍કાલીન સમયે ગોંડલ એસ.ટી બસ સ્‍ટેશનમાં ગુજરાત રાજ્‍ય માર્ગ વાહન વ્‍યવહાર નિગમ મુસાફરોએ નોંધવાની પોથી (પરિશિષ્ટ અ) મુજબ ફરિયાદ નંબર 137689 થી લેખિત ફરિયાદ કરવામાં આવ્‍યા બાદ આખલાઓ અને કુતરાના પ્‍લેટફોર્મ પર ના ફોટાઓ સાથે વિભાગીય નિયામક શ્રી, મુખ્‍યમંત્રી શ્રી, વાહન વ્‍યવહાર મંત્રી શ્રી, અને એસ.ટીના એમ.ડી ને લેખિત રજૂઆત કરવામાં આવી હતી.

     જે રજૂઆતને લાંબા સમય થવાને પગલે ગોંડલ ડેપો મેનેજર ને આ અંગે પૂછપરછ કરતા ફરિયાદીને જવાબ આપવાને બદલે તોછડું વર્તન કર્યું હતું. આ અંગે ડિવિઝનના બાંધકામ વિભાગના નાયબ ઇજનેર અક્ષયકુમાર મહેતાને પણ સંતોષકારક જવાબ આપ્‍યો ન હતો. બંને અધિકારીઓ દ્વારા ચલક ચલાણુ રમી ખો આપવામાં આવતા ડિસેમ્‍બર 2024 ના મુખ્‍યમંત્રી સ્‍વાગત કાર્યક્રમમાં ગોંડલ એસ.ટી બસ સ્‍ટેશનની બદતર હાલત અંગે તત્‍કાલીન સમયના સીસી કેમેરા ચેક કરી કેમેરાની ફૂટેજ મગાવી જવાબદારો સામે દંડનીય કાર્યવાહી કરવા જિલ્લા કલેકટર કચેરી ખાતેના દર માસના ચોથા ગુરુવારે ભરવામાં આવતા મુખ્‍યમંત્રી સ્‍વાગત કાર્યક્રમમાં ગુજરાત એસટી મુસાફર હિતરક્ષક સમિતિ દ્વારા રાવ કરવામાં આવી હોવાનું ગજેન્‍દ્રસિંહ ઝાલા, એડવોકેટ ઇન્‍દુભા રાઓલ, દિલીપભાઇ આસવાણીએ યાદીના અંતમાં જણાવ્‍યુ છે.

(2:14 PM IST)