News of Wednesday, 11th December 2024
ફેસબૂક હેક કરી વીમા એજન્સીના અધિકારી અને ગૃહિણીના નામે ખેડાના ગઠીયાનું ફ્રોડ
નાગેશ્વરના અભયભાઇ ભારદ્વાજ અને નિર્મલા રોડના ક્રિમીબેન વાગડીયાની સાયબર ક્રાઇમમાં ફરિયાદઃ હેડકોન્સ. દિપકભાઇ પંડીતે ગુના દાખલ કરતાં પીઆઇ આર. જી. પઢીયારે તપાસ આરંભી

રાજકોટ તા. ૧૧: વીમા એજન્સીમાં નોકરી કરતાં યુવાનના પત્નિનું ફેસબૂક એકાઉન્ટ કરી કરી યુવાનના મામાજી અને મિત્રને ખેડા જીલ્લાના નેનપુર ગામના હેકરે મેસેજ મોકલી પંદર અને બાર હજાર રૂપિયા ટ્રાન્સફર કરવાનું કહી ફ્રોડનો પ્રયાસ કરતાં સાયબર ક્રાઇમ પોલીસે ગુનો નોંધી તેને સકંજામાં લેવા તજવીજ આદરી છે. આ શખ્સે જ રાજકોટના નિર્મલા રોડ પર રહેતાં મહિલાનું ફેસબૂક એકાઉન્ટ પણ હેક કરી તેણીના પતિના મિત્રને મેસેજ કરી રૂપિયા ૨૫૦૦ મેળવી લીધા હતાં. આ અંગે અલગથી ગુનો નોંધાયો છે.
આ બનાવમાં સાયબર ક્રાઇમ પોલીસે જામનગર રોડ નાગેશ્વર જૈન દેરાસર પાછળ અજમેરા એપાર્ટમેન્ટ ભવાની ચોક ફલેટ નં. એ-૫૦૧માં રહેતાં અને વીમા એજન્સીમાં વીમા પોલીસી ચેકીંગ ઓફિસર તરીકે નોકરી કરતાં અભયભાઇ કિરીટભાઇ શાહ (ઉ.વ.૪૦)ની ફરિયાદ પરથી ખેડાના નૈનપુરની અજીત સોસાયટીમાં રહેતાં પ્રિતેશ મહેશભાઇ પ્રજાપતિ તથા તપાસમાં ખુલે તેના વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે.
અભયભાઇએ જણાવ્યું છે કે હું અને મારા પત્નિ ફેની શાહ બંને ફેસબૂક એકાઉન્ટ ધરાવીએ છીએ. ગત ૨૭/૧૧ના રાતે અગિયારેક વાગ્યે મારા મામાજી સસરા નયનભાઇ ફોફરીયાએ ફોન કરી જાણ કરી હતી કે ફેનીને શું પૈસાની જરૂર પડી ગઇ કે ફેસબૂક મારફત પૈસા માંગે છે? જેથી મે મારા પત્નિને પુછતાં તેણીએ કહેલુ કે મેં કોઇને મેસેજ કરી પૈસા માગ્યા નથી. તેણીનું એકાઉન્ટ હેક થયાનું લાગતાં મેં ૧૯૩૦માં ફરિયાદ કરી હતી. મામાજીએ કહ્યું હતું કે હેક થયેલા એકાઉન્ટમાંથી ફેનીના નામે ૧૩ હજાર રૂપિયા મંગાયા હતાં. બીજા દિવસે મારા મિત્ર બલદેવસિંહ જાડેજાનો પણ ફોન આવેલો કે તમારા પત્નિના એકાઉન્ટમાંથી મને ૧૨ હજાર મોકલવા મેસેજ આવ્યો છે. જેથી મેં તેને એકાઉન્ટ હેક થયાનું કહ્યું હતું.
સાયબર ક્રાઇમ પોલીસે મારી અરજીને આધારે તપાસ કરતાં આ એકાઉન્ટ ખેડાના નેનપુરના પ્રિતેશ પ્રજાપતિએ હેક કરી ફ્રોડ કરવાનો પ્રયાસ કર્યાનું જણાતાં હવે તેના વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી. તેમ વધુમાં અભયભાઇએ કહેતાં એએસઆઇ ડી. બી. કાકડીયાએ ફરિયાદ નોંધતા હેડકોન્સ. દિપકભાઇ પંડીતે ગુનો દાખલ કર્યો હતો. આગળની તપાસ પીઆઇ આર. જી. પઢીયારે હાથ ધરી છે.
બીજા બનાવમાં શહેરના નિર્મલા કોન્વેન્ટ રોડ પરના બાલમુકુંદ પ્લોટમાં રહેતા ક્રિમીબેન પંકજભાઈ વાગડિયા (ઉ.વ.૩૧) સાથે ફેસબૂકને આધારે ફ્રોડ થતાં તેમણે પણ નેનપુરના પ્રિતેશ મહેશભાઇ પ્રજાપતિ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે. ક્રિમીબેને જણાવ્યું હતું કે ૨૪/૩/૨૪ના રોજ મારા ફેસબૂક મેસેન્જરમાં મિત્ર મિતલ પાટડીયાનો મેસેજ આવ્યો હતો અને કહ્યું હતું કે તારા નોટીફિકેશનમાં આવેલો કોડ આપ તો. જેથી મેં તેને તારે શું જરૂર છે કહેતાં તેણે હમણા ખબર પડી જશે તેમ કહેતાં મેં તેને નોટીફિકેશન કોડ આપ્યો હતો. થોડીવારમાં જ મારુ ફેસબૂક એકાઉન્ટ ઓટોમેટીક લોગઆઉટ થઇ ગયુ હતું.
ફરી મેં લોગઇન થવા પ્રયાસ કરતાં થયું નહોતું. જેથી મને ફેસબૂક હેક થયાની ખબર પડતાં મેં સ્ટેટસમાં રાખ્યું હતું કે કોઇએ મારા નામે કોઇએ નાણાકીય વ્યહાર કરવો નહિ, ફેસબૂક હેક થયું છે તેવું લખાણ મુક્યું હતું. બીજી તરફ મારા પતિના ફોનમાં પુર્વૈશભાઇ શાહે ફોન કરી કહેલુ કે તમારા પત્નિના મેસેજને આધારે તેને રૂા. ૨૫૦૦ ટ્રાન્સફર કરી દીધા છે. જેથી મારા પતિએતેને કહેલુ કે કોઇએ મારા પત્નિના નમો ફ્રોડ કર્યુ છે. આ અંગે તપાસ થતાં ખેડાના પ્રિતેશ પ્રજાપતિએ ફ્રોડ કર્યાનું જણાયું હતું.
(4:06 PM IST)










