<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th December 2024

રાજકોટ એઇમ્‍સના કોન્‍ટ્રાકટર માહી બિલ્‍ડકોનના સંચાલકે મોરબીના પેટા કોન્‍ટ્રાકટરને બિલ ન ચુકવી ધમકી દીધી

લાદી લગાવવાના કામના ૧૫ લાખ સામે ૪.૩૦ લાખ ચુકવી બાકીના ૧૦.૭૦ લાખ ન ચુકવ્‍યાનો આરોપ : મોરબીના ધર્મેશ મકવાણાને માહી બિલ્‍ડકોનના તુષાર રાવલે વિરૂધ્‍ધ ગાંધીગ્રામ પોલીસમાં ફરિયાદઃ તુષાર રાવલે કહ્યું-મારા ડ્રાઇવરને ફોન કરીશ તો તું એઇમ્‍સની બહાર નહિ નીકળી શકે, તારા કટકા કરાવી નાખીશ, તારું બિલ નથી આપવું થાય તે કરી લે!

રાજકોટ તા. ૧૪: શહેરના જામનગર રોડ પર નિર્માણ પામેલી એઇમ્‍સ હોસ્‍પિટલનું વર્ષ ૨૦૨૩માં કામ ચાલુ હતું ત્‍યારે અહિના કોન્‍ટ્રાક્‍ટ રાખનાર નાગપુરના માહી બિલ્‍ડકોન કંપનીના સંચાલકે મોરબીના યુવાનને લાદી લગાડવાનો પેટા કોન્‍ટ્રાક્‍ટ આપી આ કોન્‍ટ્રાક્‍ટર અને તેના ભાગીદારે કરેલા કામના ૧૫ લાખ રૂપિયાનું બિલ ચુકવવાની સામે માત્ર ૪,૩૦,૦૦૦ ચુકવી બાકીના ૧૦.૭૦ લાખ ન ચુકવી માથે જતાં હવે તારા અપમાનીત કરી તારા જેવા કેટલાય આવી ગયા, તારા કટકા કરાવી નાખીશ, એઇમ્‍સની બહાર નહિ નીકળવા દઉં કહી ધમકી આપી હવે બીલ નથી આપવું તારાથી થાય તેમ કરી લે કહી ધમકવાતાં ફરિયાદ દાખલ કરાવવામાં આવી છે.

આ બનાવમાં ગાંધીગ્રામ પોલીસે મોરબીના રેલ્‍વે સ્‍ટેશન પાછળ રોહીદાસ પરા રોડ વિજયનગર-૧ નૃસિંહ કૃપા ખાતે  રહેતાં અને લેબર કોન્‍ટ્રાક્‍ટર તરીકે કામ કરતાં ધર્મેશ દેવજીભાઇ મકવાણા (ઉ.વ.૩૩) નામના યુવાનની ફરિયાદ પરથી મહારાષ્‍ટ્ર નાગપુરમાં વિહરી ગાંવ પર્લ હેરીટેઝ પ્‍લોટ નં. ૩ બંગલો નં. એફ-૪૨ ખાતે રહેતાં તુષાર હરીશભાઇ રાવલ વિરૂધ્‍ધ ગુનો દાખલ કર્યો છે.

ધર્મેશ મકવાણાએ જણાવ્‍યું છે કે હું પરિવાર સાથે રહુ છું અને ૨૦૧૭થી સિધ્‍ધી કોન્‍ટ્રક્‍શન નામથી લેબર કોન્‍ટ્રાક્‍ટર તરીકે બાંધકામ, રોડ વગેરેનું કામ કરુ છું. ચોૈદ મહિના પહેલા સપ્‍ટેમ્‍બર-૨૦૨૩ના છેલ્લા અઠવાડીયામાં હું અને મારો મિત્ર ભાગીદાર રમેશભાઇ ઉર્ફ રામભાઇ કમાભાઇ વઘોરા (રહે. જામનગર) માહી બિલ્‍ડકોન કંપનીના માલિક દરજ્જે તુષાર હરિશભાઇ રાવલ (રહે. નાગપુર મહારાષ્‍ટ્ર)ને રાજકોટ મોટી ટાંકી પાસે ચંદ્રમોૈલેશ્વર નામની ઓફિસ ખાતે મળ્‍યા હતાં. ત્‍યારે તુષાર રાવલે મને એઇમ્‍સ હોસ્‍પિટલના કામ અંગે વાતચીત કરી હતી. આશરે ૮૦ લાખનું બે લાખ સ્‍ક્‍વેર ફુટ જેટલુ વોલ ટાઇલ્‍સ અને ફલોર ટાઇલ્‍સ (મારબલ)નું કામ હોવાનું જણાવ્‍યું હતું. તેમજ તુષાર રાવલે પોતાને રાજકોટ એઇમ્‍સ પાસેથી તમામ કોન્‍ટ્રાક્‍ટ મળ્‍યો હોવાનું પણ કહ્યું હતું.

જેથી મેં આ ફલોર ટાઇલ્‍સ, વોલ ટાઇલ્‍સનું કામ પેટા કોન્‍ટ્રાક્‍ટમાં રાખવાની હા પાડી હતી અને કામ રાખી લીધુ હતું. પણ તુષાર રાવલે આ કામ આપતા પહેલા ૫૦ હજાર રૂપિયા માંગી આ રકમ આપ્‍યા પછી જ વર્ક ઓડર મળી શકે તેવું કહેતાં મેં તેને આરટીજીએસથી ૫૦ હજાર આપી દીધીા હતાં. એ પછી મને માહી બિલ્‍ડકોનના લેટરપેડવાળો વર્ક ઓડર તુષાર રાવલે મને વ્‍હોટ્‍સએપથી ૧/૧૦/૨૩ના રોજ મને મોકલ્‍યો હતો. તેના દસ દિવસ બાદ મેં રાજકોટ એઇમ્‍સ હોસ્‍પિટલ ખાતે ટાઇલ્‍સનું કામ ચાલુ કર્યુ હતું. ઓક્‍ટોબર-૨૦૨૩નું પહેલા મહિનાનું કામ પુરુ થતાં ૧૮ ટકા જીએસટી સાથેનું બીલ રૂા. ૪,૬૮,૨૨૧નું મેં તુષાર રાવલને તેના મોબાઇલ ફોનમાં વ્‍હોટ્‍સએપથી મોકલ્‍યું હતું. આ પછી તુષારે આ બીલની રકમ તમારા બેંક ખાતામાં આવી જશે તેવી ફોનમાં વાત કરી હતી.

આથી મેં આગળનું કામ પણ ચાલુ રાખ્‍યું હતું. એ પછી મેં નવેમ્‍બર-૨૦૨૩ તથા ડિસેમ્‍બર-૨૦૨૩ના બે મહિનાના કામનું બિલ તુષાર રાવલને મોકલ્‍યું હતું. આ સામે તેણે ૩૦ ટકા હોલ્‍ટ રાખી રૂા.૨,૪૧,૫૧૩ મંજુર કર્યા હતાં. જો કે ઓક્‍ટોબર મહિનામાં કરેલા કામના બિલના રૂપિયા તેણે મને ચુકવ્‍યા નહોતાં. એ પછી તા. ૧૪/૧૨/૨૩ના રોજ મેં તેને ફોન કરી મારા બિલના રૂપિયાની વાત કરત)ં તેણે ૧૫મીએ રાજકોટ એઇમ્‍સ હોસ્‍પિટલ ખાતે પોતે આવશે ત્‍યારે તમે આવી જજો તેવી વાત કરી હતી. ૧૫/૧૨ના રોજ રાજકોટ એઇમ્‍સ ખાતે મારુ કામ ચાલુ હોઇ મારા ભાગીદાર રમેશભાઇ ઉર્ફ રામભાઇ વઘોરા ત્‍યાં હાજર હતાં. બપોરના બે વાગ્‍યાથી સાંજના છ સાડા છ વચ્‍ચે અમે તુષાર રાવલને એઇમ્‍સ હોસ્‍પિટલની એનકેજી ઓફિસ બહાર તેને મળ્‍યા હતાં. ત્‍યારે મારા ભાગીદારની હાજરીમાં તુષાર રાવલે ઓક્‍ટોબર મહિનાના બીલની વાત કરી હતી અને કહેલુ કે-તમારુ રૂા. ૪,૬૮,૨૨૧ વાળુ બીલ ચુકતે કરી આપુ છું.

એ પછી સાંજે મેં તેની એનકેજી ઓફિસ બહાર રાહ જોઇ હતી. ત્‍યાં તુષાર રાવલ આવેલ અને મને જણાવેલ કે એઇમ્‍સમાં બીલ મુકી દીધુ છે તે મંજુર થશે ત્‍યારે આપીશ. મેં તેને કહેલુ કે હું નાનો કોન્‍ટ્રાક્‍ટર છું, મારે બીજા મજૂર કામ કરતાં હોઇ તેને પણ પગાર આપવાનો હોય છે, મારી પાસે મોટી મુડી નથી તેમ કહેતાં તેણે ઉશ્‍કેરાઇ જઇ મને જ્ઞાતિ પ્રત્‍યે અપમાનીત કરી ધમકી આપી કહેલુ કે મારા ડ્રાઇવર વિરૂધ્‍ધ ગંભીર ગુના દાખલ થયા છે, હું તેને એક ફોન કરીશ તો તમને એઇમ્‍સની બહાર નીકળવા નહિ દે તેમ કહી મારી નાખવાની ધમકી આપી હતી. તેમજ તારા જેવા કેટલાય આવ્‍યા અને ગયા હવે તને બીલ આપવું નથી, તારાથી થાય તે કરી લેજે તેમ કહી તે નીકળી ગયેલ.

આ પછી મેં મારા પેટા કોન્‍ટ્રાક્‍ટનું કામ બંધ કરી દીધુ હતું. મેં કુલ ૧૫ લાખનું કામ કર્યુ હતું. તે પૂૈકી મને ઓક્‍ટોબર મહિનાના બિલના ૯૦ હજાર તથા બીજા ૪૦ હજાર ચુકવાયા હતાં. બાકીની રકમ માટે મેં અરજી કરી હતી અને ૧૦ લાખનું બિલ તુષાર રાવલને મોકલ્‍યું હતું. તેની સામે તેણે ૩ લાખ રૂપિયા ચુકવ્‍યા હતાં. કુલ બિલના ૧૫ લાખ સામે મને ૪,૩૦,૦૦૦ જ ચુકવ્‍યા હોઇ બાકીના ૧૦,૭૦,૦૦૦ ન ચુકવતાં અને મેં ઉઘરાણી કરતાં ગાળો દઇ જ્ઞાતિ પ્રત્‍ય ેઅપમાનીત કરી ધમકી દીધી હોઇ અંતે ફરિયાદ કરવી પડી હતી. મને અગાઉ ૪.૩૦ લાખ ચુકવ્‍યા હોઇ બાકીની રકમ પણ આપી દેશે તેવુ લાગતાં મેં અત્‍યાર સુધી ફરિયાદ કરી નહોતી. તેમ વધુમાં ધર્મેશ મકવાણાએ જણાવતાં પીઆઇ કે. જે. કરપડાની રાહબરીમાં પીએસઆઇ એસ. બી. જાડેજાએ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

(10:58 AM IST)