News of Monday, 16th December 2024
ભાજપના વોર્ડ પ્રમુખ બનવા માટે ‘વિપુલ' ચેડા? ખોટા ડોકયુમેન્ટ બનાવ્યાની ચર્ચા
મામલો પ્રદેશ સુધી પહોંચ્યોઃ રાજકીય નવાજુનીની શકયતા

રાજકોટ તા.૧૬: શહેર ભાજપમાં સંગઠનપર્વ ચાલી રહયું છે ત્યારે શહેરની દક્ષિણ પંથકના એક વોર્ડમાં પ્રમુખ બનવા માટે દાવેદારે કેટલાક સાથીદારો સાથે મળીને પધ્ધતિમાં વિપુલ ચેડા કર્યાની ફરિયાદ થયાનું જાણવા મળે છે. પ્રમુખ બનવા માટેની વયમર્યાદાને ધ્યાને લઇને શંકાસ્પદ દસ્તાવેજ ઉભા કર્યાની ચર્ચા છે. વોર્ડ પ્રમુખોની પસંદગી બાબતે આજે ગાંધીનગરમાં નિર્ણાયક બેઠક છે. આ કળા કરનાર કાર્યકરનું નામ પસંદગી યાદીમાંથી બાકાત કરી દેવામાં આવ્યું છે.
શહેરના એક વોર્ડના પ્રમુખ બનવા માટે દાવેદારે ‘સંબંધિત' કોર્પોરેટર અને એક પ્રભારીની મદદ લઇને જન્મ તારીખને અનુકુળ દર્શાવવા અમુક ખોટા ડોકયુમેન્ટ ઉભા કર્યાનું ચર્ચાઇ રહયું છે. પ્રમુખપદ માટે પોતાના નામની સેન્સ આપવા પણ તેમણે અયોગ્ય પધ્ધતિ અપનાવ્યાનું કહેવાય છે. પાર્ટીના નિર્ણાયક અગ્રણીઓ સુધી વાત પહોંચતા સમગ્ર મામલે જન્મતારીખનો દાખલો, આધારકાર્ડ વગેરે આધારીત તપાસ હાથ ધરવામાં આવી છે. ચર્ચાતી માહિતી સાચી નીકળે તો જવાબદારને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવા સુધીના પગલા તોળાઇ રહયાનું ભાજપના વર્તુળો જણાવે છે.
(4:29 PM IST)










