News of Tuesday, 17th December 2024
સુભાષનગર વિસ્તારમાં અશાંતધારા સંદર્ભે પોલીસ કાફલા દ્વારા છાનબીનઃ પ્રોપર્ટી ખરીદીના એક કેસમાં જાહેરનામાના ભંગ બદલ ગુન્હો નોંધાયો
જુની આમ્રપાલી ટોકીઝ આસપાસ બહુમતી વસ્તીવાળા વિસ્તારમાં હિન્દુઓના નામે લઘુમતીઓ મિલ્કતો ખરીદતા હોવાથી અશાંતધારાનો અસરકારક અમલ નહિ થતો હોવાની ધારાસભ્ય ડો.દર્શીતાબેન શાહની રજુઆત બાદ કાર્યવાહી : ૧ર કેસો પૈકી ૧૧ માં કશુ વાંધાજનક નહિ મળ્યાનો પ્રાંત કચેરીનો દાવો : તપાસ દરમિયાન ફિરદોશબેન શેખ નામના મિલ્કત ધારકે પોતાના મકાનમાં પરપ્રાંતીયોને ભાડે આપી પોલીસને જાણ કરી ન હોવાથી જાહેરનામા ભંગનો ગુન્હો નોંધાયોઃ એક શંકાસ્પદ કેસ સંદર્ભે ઉંડી તપાસ

રાજકોટઃ આજે સવારથી વોર્ડ નં. રના જુની આમ્રપાલી ટોકીઝ આસપાસના વિસ્તારોમાં પોલીસ કાફલા દ્વારા અશાંત ધારાના ભંગ સંદર્ભે મળેલી ફરીયાદો અંગે વ્યાપક છાનબીન હાથ ધરવામાં આવી હતી. (ફોટોઃ સંદીપ બગથરીયા)
રાજકોટ, તા., ૧૭: જુની આમ્રપાલી ટોકીઝ આસપાસના બહુમતી વસ્તી ધરાવતા વિસ્તારમાં હિન્દુઓના નામે લઘુમતી દ્વારા મિલ્કત ખરીદાતી હોવાથી અશાંત ધારાનો અસરકારક રીતે અમલ થતો નહિ હોવાની ધારાસભ્ય ડો.દર્શીતાબેન શાહે કલેકટર પ્રભવ જોષી અને પોલીસ કમિશ્નર બ્રજેશ ઝા સમક્ષ રજુઆત કર્યા બાદ આજે સવારથી સુભાષનગર વિસ્તારમાં સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ અને ગાંધીગ્રામ પોલીસના કાફલો દ્વારા છાનબીન હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન એક કેસમાં અશાંતધારાનો ભંગ થતો હોવાનું સામે આવ્યાનું પ્રાથમીક રીતે જાણવા મળે છે.
દરમિયાન સુભાષનગર શેરી નં. ૮/બ માં રહેણાંક મકાન ધરાવતા ફિરદોશ શબ્બીર શેખ દ્વારા પરપ્રાંતીયોને મકાન ભાડે આપી પોલીસને જાણ કરવામાં નહિ આવ્યાનું સપાટી પર આવતા જાહેરનામા ભંગ બદલ ફિરદોશ શેખ સામે ગુન્હો નોંધવામાં આવ્યો છે.
આ પહેલા તા. ૯મીના ૧પ જેટલી મિલ્કતો અંગે લેખીતમાં ધારાસભ્ય દર્શીતાબેન શાહ દ્વારા રજુઆત કરવામાં આવી હતી. જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે કોઇને કોઇ કારણસર આ વિસ્તારમાં મુસ્લીમોના નામે દસ્તાવેજ થાય છે. અને હિન્દુ નામના દસ્તાવેજો હોવા છતા આવી મિલ્કતોમાં મુસ્લીમો રહે છે જેને લઇ કાયદાનો ભંગ થતો હોવાનું જણાવાયુ઼ હતું. અનેક સોદાઓમાં કાળા નાણાનો ભરપુર ઉપયોગ થતો હોવાનું અને સોદાઓમાં મની લોન્ડરીંગ થતું હોવાનું જણાયાનું પણ લેખીત રજુઆતમાં કહેવાયું હતું. આ ઉપરાંત લઘુમતી સમાજના ૩ જેટલા ધાર્મિક બાંધકામો ગેરકાયદે ઉભા થઇ ગયાનું પણ જણાવાયુ઼ હતું. આ સંદર્ભે શહેરના વોર્ડ નં. ર ના સુભાષનગર-નહેરૂનગર સહીતના વિસ્તારોમાં લાગુ કરાયેલ અશાંતધારા બાદ આ વિસ્તારમાં અશાંત ધારો અસરકારક રીતે અમલમાં નહિ હોવાની અને અમુક ૧૦ થી ૧ર જેટલા દસ્તાવેજો લઘુમતીઓ દ્વારા હિંદુઓના નામે કરી લીધાની તથા ગેરકાયદેસર ત્રણ ધાર્મિક સ્થળો બનાવી નાખ્યાની અને હજુ પણ આવી કાર્યવાહી ચાલુ હોવાની લતાવાસીઓએ તાજેતરમાં ધારાસભ્ય ડો.દર્શીતાબેન શાહને સાથે રાખી કલેકટર તથા પોલીસ કમિશનરને આવેદન પાઠવ્યું હતું.
આ પછી રાજકોટ કલેકટર દ્વારા ગઇકાલે આ બાબતે તપાસ કરી સમીક્ષા કરાઇ હતી અને રાજકોટ પોલીસ દ્વારા સુભાષનગરની શેરીઓમાં ઘરે-ઘરે દસ્તાવેજો તથા અન્ય બાબતે તપાસ હાથ ધરતા આ વિસ્તારમાં સોંપો પડી ગયો હતો.
આ ઉપરાંત રાજકોટ સીટી પ્રાંત-૧ દ્વારા ઉપરોકત વિસ્તારના ૧ર જેટલા શંકાસ્પદ દસ્તાવેજો અંગે આસામીઓને બોલાવી સુનાવણી રાખી હતી. તેમાંથી ૧૧ દસ્તાવેજોમાં-કેસોમાં કશુ વાંધાજનક નીકળ્યું ન હતું. જયારે એક કેસમાં દસ્તાવેજમાં શંકાસ્પદ જણાતા પોલીસને આ કેસમાં ગુન્હો દાખલ કરવા અંગે સીટી પ્રાંત-૧ ડો.ચાંદની પરમાર દ્વારા જાણ કરાઇ છે.
પોલીસ દ્વારા આજે સુભાષનગર અને અન્ય અશાંતધારા વિસ્તારમાં સવારથી ઘોંસ બોલાવાતા ત્યાં રહેતા લતાવાસીઓમાં સોંપો પડી ગયો છે.
(4:34 PM IST)










