<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th December 2024

આખરે મનપાને જ્ઞાન લાધ્‍યુઃ આધારકાર્ડ કેન્‍દ્રમાં લાં....બી કતારનો આવશે અંતઃ ટોકન સીસ્‍ટમ શરૂ

ત્રણેય ઝોનમાં ૨૦ કીટઃ દરરોજ ૧ કીટ દીઠ ૩૦થી ૪૦ ટોકન અપાશેઃ ડેપ્‍યુટી કમિશનરની સુચના

રાજકોટ તા. ૧૮: મ્‍યુની. કોર્પોરેશનની આધારકાર્ડ સેવા ઘણા સમયથી ખોરવાઈ ગઈ છે. તેમાં પણ રેશનકાર્ડનું ઈકેવાયસીનું ભારણ વધતા છેલ્લા એક સપ્તાહથી આધારકાર્ડ કેન્‍દ્ર ખાતે અરજદારોની લાંબી લાઈનો થતા માથાકુટ થતી જોવા મળી રહ્યી છે અને આ મુદ્દે ઉપર સુધી ફરિયાદો થતાં અંતે કોર્પોરેશને ત્રણેય ઝોન કચેરી ખાતે આધારકાર્ડ કાઢવાની તમામ પ્રકારની કામગીરી માટે ટોકન સિસ્‍ટમ શરૂ કરવા નીર્ણય કર્યો છે. ઝોન કચેરી ઓફિસ ખાતે એક સાથે ૨૦ કિટ ચાલુ કરવા અને દરરોજ એક કીટ દિઠ ૪૦ ટોકન આપવા  ડે.કમિશનરે સુચના આપી હોવાનું જાણવા મળેલ છે.

મનપાના આધારકાર્ડ કેન્‍દ્ર ખાતે છેલ્લા ઘણા સમયથી અરજદારોને લાઈનો લાગતા તેમજ રેશનકાર્ડ ઈકેવાયસીની કામગીરી માટે પણ અરજદારોનો ધસારો વધતા દરરોજ કેન્‍દ્ર ખાતે અફરાતફરી જોવા મળી રહી છે. જેના લીધે અરજદારોમાં ભારે રોષ સાથે ઉપર સુધી રજૂઆતો કરવામાં આવી હતી. જેના લીધે આજે ડે. કમિશનરે આ બાબતે અધિકારીઓ સાથે ચર્ચા હાથ ધરી સવારથી આધારકાર્ડ કેન્‍દ્ર ખાતે આવતા અરજદારોને સમય મુજબ લાભ મળી શકે તેવી વ્‍યવસ્‍થા ઉભી કરવાની સુચના આપી ટોકન સિસ્‍ટમ ચાલુ કરવાનો નિર્ણય લેવામાં આવ્‍યો હતો. આથી સેન્‍ટ્રલઝોન કચેરી ખાતે સાત કિટ તેમજ ઈસ્‍ટઝોન કચેરી ખાતે ૬ કિટ અને વેસ્‍ટઝોન કચેરી ખાતે સાત કિટ સહિત ૨૦ કિટ ઉપર ઓપરેટરો સાથે આધારકાર્ડની તમામ કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્‍યો છે. સાથો સાથ વહેલા તે પહેલાના ધોરણે ટોકન વ્‍યવસ્‍થા શરૂ કરવામાં આવી છે. ત્રણેય ઝોનમાં એક કિટ દીઠ ૩૦થી ૪૦ ટોકન આપવામાં આવશે.

આધારકાર્ડ કેન્‍દ્રની કાર્યવાહી સરળ બનાવવા માટે મહાનગરપાલિકાએ આજથી સેન્‍ટ્રલ, વેસ્‍ટ અને ઈસ્‍ટ ઝોન ખાતે એક સાથે ૨૦ કીટ ફાળવી ટોકન પદ્ધતિથી અરજદારોની સમસ્‍યા હળવી કરવાનો પ્રારંભ કર્યો છે. છેલ્લા થોડા સમયથી આધારકાર્ડ કેન્‍દ્ર ખાતે સમયસર કામો થતાં ન હોવાની અને કિટ કરતા વધુ અરજદારો આવતા હોવાની ફરિયાદો ઉઠવા પામી હતી. આથી ડેપ્‍યુટી કમિશનરે નિર્ણય લઈ આજથી ટોકન સિસ્‍ટમ ચાલુ કરી છે. તેવી જ રીતે ત્રણેય ઝોન કચેરી ખાતે તેમને ફાળવવામાં આવેલ કિટ કામ કરતી હોવી જોઈએ તેવો નિયમ અમલમાં મુકી કિટ ખરાબ થાય તો તેના સ્‍થાને વધારાની કીટ મુકવા માટેની પણ વ્‍યવસ્‍થા ઉભી કરવામાં આવી છે. આજથી તમામ કચેરી ખાતે ૨૦ કીટથી કામ શરૂ કરાયું છે. આધારકાર્ડ વિભાગના જણાવ્‍યા મુજબ એક કિટ દીઠ ૩૦થી ૪૦ અરજદારોનું કામ થઈ શકે છે. આથી જો ૨૦ કીટ આખો દિવસ કામ આપે તો ૬૦૦થી વધુ અરજદારોનું આધારકાર્ડનું તમામ કામ થઈ શકશે અને આટલા અરજદારો દરરોજ આવતા ન હોય ફક્‍ત સોમવાર અને બુધવાર તથા રજાના દિવસો બાદ કચેરી ખુલ્લે ત્‍યારે જ વધુ અરજદારો જોવા મળી રહ્યા છે.(

(2:57 PM IST)