News of Wednesday, 18th December 2024
૧૧માં ધોરણમાં ઓછા માર્કસ આવતાં ધો-૧૨માં તકલીફ પડશે તેવી ચિંતામાં છાત્રાનો આપઘાત
એક વર્ષ પહેલા નવલનગરની જાહલ ચાવડાએ અમીન માર્ગ પર શાળાના પાર્કિંગમાં એસિડ પી લીધું હતું: લાંબી સારવારને અંતે દમ તોડતાં પરિવારમાં ગમગીની

રાજકોટ તા. ૧૮: શહેરના નવલનગરમાં રહેતી એક વિદ્યાર્થીનીએ એક વર્ષ પહેલા અમીન માર્ગ પર આવેલી શાળાના પાર્કિંગ પાસે એસિડ પી આપઘાતનો પ્રયાસ કરતાં ત્યારથી અમદાવાદ, રાજકોટ સારવારમાં હતી. બાદમાં ઘરે લઇ જવાઇ હતી. આજે ઘરેથી બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં તબિબે મૃત જાહેર કરતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. અભ્યાસના ટેન્શનમાં આ પગલુ ભર્યાનું ખુલ્યું હતું.
જાણવા મળ્યા મુજબ નવલનગર-૯માં વિશ્વેશ્વર મંદિર સામે રહેતી જાહલબેન વિપુલભાઇ ચાવડા (ઉ.વ.૧૭) નામની છાત્રાએ એક વર્ષ પહેલા અમિન માર્ગ પર આવેલી બારદાનાવાલા સ્કૂલ પાસે પાર્કિંગમાં એસિડ પી લેતાં રાજકોટ હોસ્પિટલમાં અને બાદમાં અમદાવાદ ખાતે સારવાર માટે ખસેડાઇ હતી. લાંબી સારવાર બાદ હાલ ઘરે હતી. દરમિયાન સવારે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. પરંતુ અહિ તબિબે મૃત જાહેર કરતાં સ્વજનોમાં શોક છવાઇ ગયો હતો. આપઘાત કરનાર જાહલબેન એક ભાઇથી મોટી હતી. તેના પિતા બોરવેલ પાર્ટસની દૂકાનમાં નોકરી કરે છે.પરિવારજનોએ કહ્યું હતું કે જાહલબેન જે તે વખતે બારદાનવાલામાં ધોરણ-૧૧માં ભણતી હતી. તેને ત્યારે પરિક્ષામાં ઓછા માર્કસ આવ્યા હોઇ આગળ જતાં ૧૨માં ધોરણમાં તકલીફ પડશે તેવી ચિંતામાં તે રહેતી હતી. આથી ઘરેથી શાળાએ જતી વખતે રસ્તામાં કોઇ દૂકાનેથી એસિડ લીધુ હતું અને બાદમાં શાળાના પાર્કિંગ પાસે પી લીધું હતું. એક વર્ષની સારવાર બાદ દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. હોસ્પિટલ પોલીસ ચોકીના એએસઆઇ રામશીભાઇ વરૂ, તોૈફિકભાઇ જુણાચ, ભાવેશભાઇ મકવાણા, ધર્મેન્દ્રભાઇ હુદડે માલવીયાનગર પોલીસને જાણ કરી હતી.
(2:57 PM IST)










