તા. ૧૭ જાન્યુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ પોષ વદ – ૧૪ શનિવાર
News of Thursday, 19th December 2024
ગોંડલ રોડના ઘરધંટીના કારખાનેદાર મનોજભાઇ ગજજર સાથે ૭૭ હજારની ઠગાઇ
‘ મુંબઇમાં ઘરઘંટીનો વેપાર કરૂ છું તમારી ઘરઘંટી જોવી છે' કહી વિશ્વાસમાં લઇ છેતરપીંડીઃ મુંબઇના સુશીલ અને પીપલાણાના વેપારી પ્રકાશ વોરા સામે માલવીયાનગર પોલીસમાં ફરિયાદ

રાજકોટ તા. ૧૯: ગોંડલ રોડ પર મારૂતિ ઇન્ડસ્ટ્રીઝ એરીયામાં ઘરધંટીનું કારખાનુ ધરાવતા કારખાનેદારને મુંબઇમાં ઘરઘંટીનો વેપાર કરૂ છું તમારી ઘરઘંટી જોવી છે વિશ્વાસમાં લઇ રૂા. ૭૭, ૮૮૦ ની સાત ઘરઘંટી મેળવી લઇ પૈસા ન આપી છેતરપીંડી આચરનાર મુંબઇના વેપારી તથા પીપલાણાના વેપારી સામે માલવીયાનગર પોલીસમાં ફરિયાદ થઇ છે.
મળતી વિગત મુજબ મવડી પ્લોટ ટેલીફોન એકસચેન્જ પાસે કૃષ્ણનગર શેરી નં. ૧૦ માં રહેતા મનોજભાઇ રતીભાઇ ગજજર (ઉવ. ૪૫) એ માલવીયાનગર પોલીસમાં મુંબઇમાં અંબીકા એન્ટર પ્રાઇઝ શોપ નં. ૭ લક્ષ્મીનારાયણ કૃપા બીલ્ડીંગ ગણપતી ચોક ડોમ્બીવલીના સુશીલ અને પીપલાણામાં શીવમ સ્ટીલ પાછળ ભગવતી હાર્ડવેર રોડ નં. ૩૩૯-ડી ના વેપારી પ્રકાશ વોરા વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે. જેમાં પોતે ગોંડલ રોડ પર મારૂતી ઇન્ડસ્ટ્રીઝ એરીયામાં ભગવતી મેન્યુફેકચરીંગ નામે ઘરઘંટી બનાવવાનું કારખાનું ધરાવે છે. તેમાં મોટાભાઇ , પિતા અને બે કારીગરો કામ કરે છે. ગત તા. ૨/૯/૨૪ ના રોજ પોતે તથા મોટાભાઇ સહિત કારખાને હતા ત્યારે પોતાના મોબાઇલમાં ફોન આવેલ અને ‘ સુશીલ બોલું છું મુંબઇમાં અંબીકા એન્ટરપ્રાઇઝ ધરાવું છું તમે ઘરઘંટી બનાવો છો' કહેતા પોતે હા પાડી હતી તેણે કહેલ કે હું અહી મુંબઇમાં ઘરઘંટી વેચવાનો વેપાર કરૂ છું અને મારે તમારી ઘરઘંટી જોવી છે. અને તમે તમારી ઘરઘંટીના ફોટા મોકલાવો કહી તેણે પોતાનું વીઝીટીંગ કાર્ડ મોકલ્યુ હતું. જેમાં સુશીલનું અંબીકા એન્ટરપ્રાઇઝ અને સરનામું લખેલું હતું બાદ પોતે તેના નંબર ઉપર ઘરઘંટીના ફોટા તથા ડીટેઇલ મોકલી હતી. બાદ સુશીલ કહેલ કે સાત ઘરઘંટી મોકલાવો જેથી પોતે તેની પાસે પહેલા પેમેન્ટ આપવાની વાત કરી હતી તેણે કહેલ કે માલ મળ્યા પછી હું તમને આઠ દિવસમાં પેમેન્ટ મોકલાવી આપીશ જેથી પોતે તેને ના પાડી હતી. બાદ સુશીલે પોતાને પ્રકાશ વોરાની ઓળખાણ આપી હતી. અને કહેલ કે પીપલાણા ગામ જે.કે. ઇન્ડસ્ટ્રીઝ ધરાવે છે. અને તે મને સારી રીતે ઓળખે છે તેની પાસેથી હું માલ મંગાવુ છું કહયું હતું. ત્યારબાદ પ્રકાશ વોરાનો પોતાના મોબાઇલમાં ફોન આવતા તેણે કહેલ કે મુંબઇ રહેતા સુશીલ ને તમારે ત્યાંથી ઘરઘંટી લેવી છે પોતે કહેલ કે હું તેને ઓળખતો નથી તેથી તેને શા માટે માલ આપુ બાદ પ્રકાશે કહેલ કે હું મારૂ વીઝીટીંગ કાર્ડ મોકલું છું કહી પ્રકાશે તેનું વીઝીટીંગ કાર્ડ મોકલ્યું હતું.
અને કહેલ કે હું તેને રેગ્યુલર માલ મોકલું છું અને તમને ભરોસો ન હોઇ તો મારા કારખાને આવીને જોઇ જ જો પાર્ટી રેગ્યુલર છે. અને તે પેમેન્ટ ન આપે તો હું તમને પેમેન્ટ કરી આપીશું તેમ કહેતા પોતે આ પ્રકાશ વોરાના કહેવાથી પોતે ગત તા. ૩/૯/૨૪ ના રોજ મુંબઇના સુશીલને કટરવાળી રૂા. ૭૭, ૮૮૦ ની કિંમતની સાત ઘરઘંટી મોકલી હતી આઠ દિવસ બાદ પોતે ઘરઘંટીના રૂપિયા માગતા સુશીલે કહેલ કે અત્યારે ગણેશ ઉત્સવ ચાલુ છે.
થોડો સમય રાહ જુવો હું તમારૂ પેમેન્ટ મોકલી આપીશ બાદ આ સુશીલે પેમેન્ટ ન મોકલતો હોઇ તેથી પોતે પ્રકાશ વોરાને ફોન કરી વાત કરતા પ્રકાશે કહેલ કે હું તેની સાથે વાત કરીને તમને કહુ ત્યારબાદ ત્રણેક દીવસ બાદ પોતે પ્રકાશને ફોન કરતા તેણે ફોન ઉપાડયો નહી અને પોતે અવારનવાર સુશીલને ફોન કરતા તેનો ફોન સ્વીચ ઓફ આવતા પોતાની સાથે છેતરપીંડી થઇ હોવાની ખબર પડી હતી. બાદ પોતે માલવીયાનગર પોલીસમાં આ બને વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતા પી.એસ.આઇ. પી.વી. ડોડીયાએ તપાસ હાથધરી છે.
(4:51 PM IST)










