<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th December 2024

૧૬ વર્ષના કુટુંબી ભાઇ-બહેનનો ઝાડવે લટકી આપઘાત

નવાગામ દિવેલીયાપરાની ઘટનાઃ મુળ એમપીનો સતિષ અને સુજીલા રાતે ગૂમ થઇ ગયા હતાં: જ્‍યાં કામ કરે છે ત્‍યાં નજીકમાં ઇંટોના ભઠ્ઠા પાસે આપઘાત કર્યો : બંને વચ્‍ચેના પ્રેમસંબંધનો પરિવારજનો સ્‍વીકાર કરશે નહિ તેવો ડર લાગતાં પગલુ ભરી લીધાની શક્‍યતા

બંનેના નિષ્‍પ્રાણ દેહ અને અને ઝાડમાં બંને લટકતાં હતાં તે દ્રશ્‍ય જોઇ શકાય છે

રાજકોટ તા. ૧૯: શહેરના કુવાડવા રોડ પર નવાગામમાં રહેતાં અને ઇંટોના ભઠ્ઠામાં મજૂરી કરતાં ૧૬-૧૬ વર્ષના કુટુંબી ભાઇ-બહેન રાતે ગૂમ થયા બાદ સવારે પોતે જ્‍યાં રહે છે અને કામ કરે છે તે ઇંટોના ભઠ્ઠા નજીક જ લીમડાના ઝાડ પર બંનેના મૃતદેહ લટકતાં મળતાં અરેરાટી વ્‍યાપી ગઇ હતી. બંને કુટુંબી ભાઇ-બહેન વચ્‍ચે પ્રેમસંબંધ બંધાઇ ગયા બાદ પરિવારજનો સ્‍વીકાર કરશે નહિ તેવો ભય લાગતાં આ પગલુ ભરી લીધાની શક્‍યતા છે.

જાણવા મળ્‍યા મુજબ નવાગામ દિવેલીયાપરામાં આવેલી બ્‍લેકસ્‍ટોન હોટલ પાછળ ઇંટોના ભઠ્ઠા નજીક લીમડાના ઝાડમાં દોરડુ બાંધી એક છોકરો અને છોકરી લટકી ગયાની જાણ થતાં લોકોના ટોળા ભેગા થઇ ગયા હતાં. ૧૦૮ને જાણ થતાં તેના તબિબે બંનેને મૃત જાહેર કર્યા હતાં. પોલીસને ઘટનાની જાણ થતાં કુવાડવા રોડ પોલીસ સ્‍ટેશનના એએસઆઇ એન. આર. વાણીયા, નિકુંજભાઇ સહિતના સ્‍ટાફે પહોંચી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્‍ટમોર્ટમ માટે ખસેડયા હતાં.પોલીસે તપાસ કરતાં આ બંનેના નામ સતિષ બાબુભાઇ બારીયા (ઉ.વ.૧૬) અને સજીલા રતનભાઇ બારીયા (ઉ.વ.૧૬) હોવાનું તથા બંને નવાગામમાં જ દિવેલીયાપરામાં રહી ઇંટોના ભઠ્ઠામાં કામ કરતાં હોવાનું ખુલ્‍યું હતું. આ બંને કુટુંબી ભાઇ બહેન થતાં હતાં અને રાતે ગૂમ થઇ ગયા હોઇ પરિવારજનો તેને શોધી રહ્યા હતાં. દરમિયાન સવારે બંનેના ઝાડ પર લટકતાં મૃતદેહ મળ્‍યા હતાં.

આપઘાત કરનાર સતિષ બે ભાઇમાં નાનો હતો અને તેના ભાઇ સાથે રહી ઇંટોની મજૂરી કરતો હતો. જ્‍યારે સુજીલા બે ભાઇ અને બે બહેનમાં નાની હતી. તે પરિવારજનો સાથે રહી ઇંટોના ભઠ્ઠામાં મજૂરી કરતી હતી. બંને પરિવાર એમપીથી અહિ બે મહિના પહેલા રહેવા આવ્‍યા છે અને મજૂરી કરે છે. આ બનાવથી મજૂર પરિવારમાં કલ્‍પાંત સર્જાયો હતો.

(3:15 PM IST)