<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th December 2024

રાજકોટ બાર એસો.ની ચૂંટણીમાં ત્રણેય પેનલો વચ્‍ચે આવતીકાલે ખરાખરીનો જંગઃ સાંજે ફેંસલો

પ્રમુખપદ માટે ત્રણ પેનલો સાથે કુલ છ ઉમેદવારો મેદાનમાં: ક્રોસ વોટીંગની પણ સંભાવનાઃ મતદાન માટે આઇડેન્‍ટી કાર્ડ જરૂરીઃ આજે જનરલ બોર્ડની બેઠક યોજાઇઃ કાલે સવારથી મતદાનઃ પરિણામ પ્રત્‍યે ભારે ઉત્તેજના

રાજકોટ તા.૧૯: રાજકોટ બાર એસો.ની આવતીકાલે ચુંટણી યોજાઇ છે. ત્‍યારે બકુલ રાજાણીની એકટીવ પેનલ, પરેશ મારૂની સમરસ પેનલ અને દિલીપભાઇ જોષીની કાર્યદક્ષ વચ્‍ચે ખરાખરીનો જંગ મંડાયો છે. પ્રમુખપદ માટે અન્‍ય ત્રણ ઉમેદવારો અતુલ જોષી, હરિસિંહ વાઘેલા અને કોૈશિક પંડયા પણ મેદાનમાં છે.ઉપપ્રમુખ માટે મંયક પંડયા, નિરવ પંડયા, સુમિત વોરા, તેમજ સેક્રેટરીની જગ્‍યા માટે સંદિપ વેકરીયા, વિનેશ છાયા અને કેતન દવે, પરેશ વ્‍યાસ વચ્‍ચે સ્‍પર્ધા છે. જોઇન્‍ટ સેક્રેટરીના પદ માટે ગીરીરાજસિંહ જાડેજા, જીતેન્‍દ્ર પારેખ, ટ્રેઝરર માટે રાજેશ ચાવડા, પંકજ દોૈગા, કૈલાશ જાની અને લાયબ્રેરી સેક્રેટરી માટે રવિ ધ્રુવ, કેતન મંડ, મહિલા અનામતમાં અલ્‍કાબેન પંડયા, હર્ષાબેન પંડયા, રક્ષાબેન ઉપાધ્‍યાય, રૂપલબેન થડેશ્વર વચ્‍ચે સ્‍પર્ધા છે.કારોબારીની ૯ જગ્‍યા માટે ર૬ ઉમેદવારો મેદાનમાં છે. કાલે સવારના ૯ વાગ્‍યાથી  મતદાન શરૂ થશે. બપોરના ૩ વાગે પુરૂ થશે. અને બપોરે ૪ વાગે મતગણતરી શરૂ થયા બાદ મોડી સાંજે પરિણામ જાહેર કરાશે.બાર એસો. ની ચૂંટણીમાં ત્રણ પેનલો વચ્‍ચે જબરો જંગ મંડાયો છે. ત્‍યારે સીનીયર વકીલોની પસંદગીનો કળશ કોના ઉપર ઢોળાશે તે જોવુ રહ્યું. બકુલ રાજાણીનું કામ બોલે છે. દિલીપભાઇ જોષીને ભાજપ લીગલ સેલનું આડકતરૂ સમર્થન છે, તો પરેશભાઇ મારૂનો જોમ-જુસ્‍સો અને કંઇક કરી બતાવવાની ધગશ છે. ત્‍યારે કાલે મતદાન કેટલું અને કેવું થાય છે. તેના ઉપર ત્રણેય પેનલોનું ભાવી મંડાયું છે. જો કે, બાર એસો. ની ચૂંટણીમાં પ્રથમ વખત ત્રણ પેનલો ઉપરાંત અન્‍ય ત્રણ પ્રમુખપદના ઉમેદવારો પણ મેદાનમાં હોય ખાસ કરીને ત્રણેય પેનલના ઉમેદવારોમાં ગાબડા પડવાની સંભાવના પણ વ્‍યકત થઇ રહી છે.બાર એસો.ની ચૂંટણીમાં જ્ઞાતિવાદના આધારે પણ મોટા પાયે મતદાન થાય છે. ત્‍યારે કાલે શું પરિણામ આવે છે. તેની ભારે ઉતેજના ફેલાઇ છે.

(3:57 PM IST)