News of Thursday, 19th December 2024
સૌરાષ્ટ્ર યુનિ.માં PhDની ૨૧૨માથી ૧૬૯ સીટ ખાલીઃ સતાધિસોની ઓવરસ્માર્ટનેસ જવાબદાર
પીએચ.ડી.મા પ્રવેશ પરીક્ષા પાસ કરેલ ઉમેદવારોને પ્રવેશ આપોઃ ૨૪ કલાકનુ કોંગ્રેસનુ અલ્ટીમેટમ

રાજકોટ, તા.૧૯: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમા પીએચ.ડી.ની પ્રવેશ પ્રક્રિયા એટલે વિવાદોનુ પર્યાય બની હોય તેમ દર વર્ષે કઈકને કઈક નવા નવા વિવાદો વકર્યા કરે છે તેમ પરંપરા જાળવતા આ વર્ષે પણ ૮૦% સીટો ખાલી રહેતા કોંગ્રેસના વિદ્યાર્થીનેતા આજે કુલપતિને રજૂઆત કરીને નિર્ણય બદલાવવા ચિમકી ઉચ્ચારી હતી.
રાજય સરકાર દ્વારા પીએચ.ડી.માં એડમિશન માટે જીકાસ મારફત ઓનલાઈન ફોર્મ ભરવાનું ૧ ઓક્ટોબરથી શરૂ થઈ ગયું હતુ. ત્યારે સૌરાષ્ટ્ર યુનિᅠવર્સિટી દ્વારા મોડે મોડેથી ૫ ઓક્ટોબરના પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો કે જે વિદ્યાર્થીઓએ NET એટલે કે નેશનલ એલીજીબીલીટી ટેસ્ટ પરીક્ષા પાસ કરી હશે તેવા વિદ્યાર્થીઓને જ પીએચ.ડી.માં એડમિશન મળશે. જેનાથી ભૂતકાળમાં પીએચ.ડી.ની પ્રવેશ પરીક્ષા પાસ કરી છે તેવા હજારો વિદ્યાર્થીઓએ પાસ કરેલી હતી તેઓની પરીક્ષા રદ થઈ ગઈ હતી અને આ રીતે વિદ્યાર્થીઓના ભવિષ્યને દાવ ઉપર મૂકી યુનિવર્સિટીના સતાધિસોએ ખેલ્યો હતો. તેવામાં NET ફરજિયાત હોવાને લીધે ૨૧૨ માંથી ૧૬૯ સીટ ખાલી રહી હતી અને ૫૫ સીટ જ ભરાઈ હતી.
ગુજરાતમાં સંભવતઃ એકમાત્ર સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા પીએચ.ડી.માં એડમિશન માટે પ્રવેશ પરીક્ષા લેવામાં આવી ન હતી અને માત્ર NET પરીક્ષા પાસ કરેલી હોય તેવા વિદ્યાર્થીઓને જ એડમિશન આપવાનો કઠોર નિર્ણય કરાયો હતો. પરંતુ આ નિર્ણયને કારણે યુનિવર્સિટીમાં ૨૬ ભવનમાં ૨૧૨ માંથી ૧૬૯ સીટ ખાલી રહી. જેથી હવે જીસેટ અને જે.આર.એફ ની પરીક્ષા પાસ કરેલી હોય તેવા વિદ્યાર્થીઓને પણ એડમિશન મળશે તેવો નિર્ણય કરી પોતાના જ નિર્ણયમા જ કેમ પાછીપાની કરવી પડી છે તે મોટો સવાલ છે!
યુનિવર્સિટીએ ગઈકાલે નવો પરિપત્ર કર્યો કે ખાલી સીટો રહેતા હવે GSET (ગુજરાત સ્ટેટ એલીજીબિલીટી ટેસ્ટ) અને JRF ( જુનિયર રિસર્ચ ફેલોસીપ)ની પરીક્ષા પાસ કરેલી છે અને અગાઉ નેટ પરીક્ષા પાસ કરેલી છે તેઓને પણ પ્રવેશ આપીશુ તો અગાઉ જેઓએ પીએચ.ડી.માં એડમિશન માટે પ્રવેશ પરીક્ષા પાસ કરેલી છે અને ગાઈડના અભાવે પીએચ.ડી. નથી કરી શક્યા તેઓને વંચિત કેમ રાખવામા આવ્યા? તેમની સાથે આ રીતે સીધો અન્યાય યુનિવર્સિટી દ્વારા કરવામા આવ્યો તે કદાપી ચલાવી લેવામા નહી આવે તેવુ વિદ્યાર્થી કાર્યકરોએ રજૂઆત કરી હતી.તેઓએ રજૂઆતની અંતમા જણાવ્યુ હતુ કે અમારી સ્પષ્ટ માંગ છે કે ગાઇડના અભાવે પીએચ.ડી. પ્રવેશ પરીક્ષા પાસ કરેલ ઉમેદવારો જે વર્ષોથી રાહ જોઈને બેઠા છે તેમને પ્રવેશમા સમાવવાનો નિર્ણય આવનારા ૨૪ કલાકમા કરવામા નહીં આવે વિદ્યાર્થીઓને સાથે રાખી ઉગ્ર આંદોલન કરવામા આવશે જેની તમામ જવાબદારી સતાધીસોની રહેશે.
(4:00 PM IST)










