<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th December 2024

સૌ પ્રથમ વખત નાના ધંધાર્થીઓને વ્‍યવસાય વેરાની નોટીસઃ ઉહાપોહ

બ્‍યુટીપાર્લર-હેર સલૂન-દરજી સહિતને ૬પ હજાર વ્‍યવસાયીકોને બીલ ફટકારતું મનપા તંત્ર : ચાલુ નાણાકીય વર્ષમાં વ્‍યવસાયવેરાની ૩પ કરોડનાં લક્ષયાંક સામે ર૩ કરોડની આવક

રાજકોટ, તા. ૧૯: મહાપાલિકાની ટેક્‍સ બ્રાન્‍ચ દ્વારા પ્રોપર્ટી ટેક્‍સની સાથે હવે પ્રોફેશનલ ટેક્‍સ વસૂલવા પણ સઘન કાર્યવાહી હાથ ધરાઇ છે, ચાલુ નાણાંકીય વર્ષ અંતર્ગત રૂ.૩૫ કરોડની વસુલતના ટાર્ગેટ સામે હાલ સુધીમાં ૨૩ કરોડની વસુલાત થઇ હોય લક્ષ્યાંક પૂર્તિમાં હજુ ૧૨ કરોડનું છેટું રહેતા હવે ધડાધડ નોટિસો આપવામાં આવી રહી છે, નવા કરદાતાઓ શોધી તેનું રજિસ્‍ટ્રેશન કરવા તેમજ અગાઉથી રજિસ્‍ટર્ડ હોય અને બાકી વેરો ચુકવતા ન હોય તેવા કરદાતાઓ પાસેથી બાકીવેરો વસુલવાની કામગીરી સમાંતર રીતે ચાલી રહી છે. વોર્ડ વાઇઝ સર્વેના અંતે કુલ ૬૫,૦૦૦ વ્‍યવસાયિકોને નોટિસ ફટકારવામાં આવી હોવાનું જાણવા મળે છે.

હાલ સુધી ડોકટર, એડવોકેટ, ચાર્ટડ એકાઉન્‍ટ, કંપની સેક્રેટરી, કોન્‍ટ્રાકટર, બિલ્‍ડર, આર્કિટેક્‍ટ, કન્‍સલ્‍ટિંગ સિવિલ ઇજનેર, એડ એજન્‍સીઓ જેવા વ્‍યવસાયિકોને નોટિસ આપી રજિસ્‍ટ્રેશન કરાવવા અથવા તો રજિસ્‍ટર્ડ હોય તેને વેરો ચુકતે કરવા નોટિસો અપાતી હતી પરંતુ હવે વોર્ડ વાઇઝ ગ્રાઉન્‍ડ લેવલ સુધી ફિલ્‍ડવર્ક કરી બ્‍યુટી પાર્લર, હેર સલૂન, દરજીની દુકાન જેવા નાના વ્‍યવસાયિકોને નોટિસ આપવામાં આવતા ઉઠાપો મચી જવા પામ્‍યો છે.

થોડા સમય પૂર્વે રાજ્‍ય સરકાર વ્‍યવસાય વેરો નાબૂદ કરશે તેવી વાત હતી અને તે માટેની વ્‍યાપક રજુઆતો પણ થતી હતી જેના લીધે કોઇ વ્‍યવસાય વેરો ભરપાઇ કરતું ન હતું પરંતુ હવે વ્‍યવસાય વેરો નાબૂદ કરવાની વિચારણા નથી તે સુનિヘતિ થઇ જતા મહાપાલિકા તંત્રએ પુરજોશમાં વેરા વસુલાત શરૂ કરી છે જેના પગલે નાના વ્‍યવસાયિકોમાં હોબાળો મચી ગયો છે.

(4:51 PM IST)