News of Saturday, 21st December 2024
પૂરવઠા સલાહકાર સમિતિની બેઠકમાંથી ચેમ્બરના પ્રતિનિધી રાજુ ઝુંઝાને કલેકટરે કાઢી મૂકતા મોટો ઉહાપોહઃ ભારે દેકારો
ડાયરેકટર રાજુનો આક્ષેપ ગઇ વખતે મેં કાર્ડ હોલ્ડરોને સડેલૂ અનાજ અપાતું હોવાનો ઘટસ્ફોટ કરતા મીટીંગમાં બેસવા ન દેવાયો.. : કલેકટરે કીધુ તમે નહીં ચેમ્બરના પ્રમુખને મોકલોઃ ઝુંઝાએ વી. પી. વૈષ્ણવનું ધ્યાન દોર્યું: હવે ચેમ્બર પ્રમુખ ઉપર મીટ

રાજકોટ તા. ર૧: દર મહિને મળતી જીલ્લા પુરવઠા સલાહકાર સમિતિની બેઠકમાંથી રાજકોટ ચેમ્બરના પ્રતિનિધી તરીકે હાજર રહેલા ચેમ્બર ઓફ કોમર્સના ડાયરેકટર અને ભરવાડ સમાજના આગેવાન શ્રી રાજુ ઝુંઝાને ઉપસ્થિત મીટીંગના ચેરમેન અને કલેકટર શ્રી પ્રભવ જોષીએ બેસવા દેવાની ના પાડી મીટીંગમાંથી કાઢી મુકતા ભારે ઉહાપોહ ઉભો થયો છે, ચેમ્બરના અન્ય ડાયરેકટરોમાં પ્રચંડ રોષ ફાટી નીકળ્યો છે, અને આ બાબતે છેક ગાંધીનગર સુધી રજૂઆતો થયાનું બહાર આવતા સન્નાટો પ્રસરી ગયો છે.
કલેકટરે મીટીંગમાંથી બહાર કાઢી મુકતા રાજુભાઇએ દલીલો કરી હતી કે આ પહેલાની મીટીંગમાં હું ચેમ્બરના પ્રતિનિધી તરીકે હાજર હતો, આ સમયે કલેકટરે જણાવેલ કે તમે નહિ ચેમ્બરના પ્રમુખને મોકલો, પરિણામે મીટીંગમાં દેકારો મચી ગયો હતો, રાજુ ઝુંઝાએ દાખલો આપતા કલેકટરને જણાવેલ કે, તોલમાપના અધીકારી કયાં હાજર છે, તેમના પ્રતિનિધી આવ્યા છે, આ સમયે કલેકટરશ્રીએ રાજુ ઝુંઝાને ‘‘નો આરગ્યુમેન્ટ'' કહી મીટીંગમાંથી બહાર જવાનું જણાવી દીધું હતું. કલેકટરે રાજુ ઝુંઝાને બહાર કાઢી મુકતા ત્યાં હાજર સાંસદ શ્રી રામભાઇ મોકરીયા, મેયર નયનાબેન, ધારાસભ્ય ડો. દર્શિતાબેન શાહ પણ અવાચક બની ગયા હતા, જો કે આ લોકો કાંઇ બોલ્યા ન હતા.
બહાર નીકળ્યા બાદ રાજુ ઝુંઝાએ ‘‘અકિલા''ને જણાવેલ કે, ગઇ મીટીંગમાં મે અને સાંસદ રામભાઇ મોકરીયાએ કાર્ડ હોલ્ડરોને સડેલુ અનાજ અપાઇ રહ્યું છે તેના પુરાવા સહિત અનાજ રજૂ કરતા અને આ ઘટનાના ગાંધીનગર સુધી ગંભીર પડઘા પડતા આ વખતે મને પુરવઠા સલાહકાર સમિતિની મીટીંગમાંથી બહાર કઢાયો છે, હું આજે પણ સડેલા અનાજના નમુના દેખાડવા માટે લાવ્યો હતો, નમુના જે લેવાયા અને સેમ્પલ ઓકે આવ્યા તે તંત્રની કાગળ ઉપરની વાત છે, તેમ આક્ષેપ કરતા જણાવેલ કે, મે આજની ઘટના અંગે ચેમ્બરના પ્રમુખ શ્રી વી. પી. વૈષ્ણવનું પણ ધ્યાન દોર્યું છે, તેઓ હવે કલેકટર સાથે વાત કરશે.
દરમિયાન ચેમ્બરના પ્રમુખ શ્રી વી. પી. વૈષ્ણવનો સંપર્ક કરતા તેમણે ‘‘અકિલા''ને જણાવેલ કે પોતે આજે ગામડે આવેલ છે, આ બાબતે હું કલેકટર સાથે વાત કરી બાદમાં ઓફીશ્યલ નિવેદન આપું છું.
દરમિયાન આ બાબતે કલેકટરનો ‘‘અકિલા''એ સંપર્ક કરતા તેમનો મોબાઇલ સતત રીંગ વગાડતો હતો, તેમણે ફોન ઉપાડયો ન હોય, આ ઘટના અંગે અન્ય કોઇ વિગતો પ્રાપ્ય બની ન હતી.
(3:56 PM IST)










