News of Saturday, 21st December 2024
હરિદ્વાર સોસાયટીના શંભુભાઇ મોલીયાએ સવારે ઘરેથી નીકળી એસટી વર્કશોપ પાછળ વોંકળામાં જાત જલાવી આપઘાત કર્યો
૭૪ વર્ષિય વૃધ્ધ બિમારીથી કંટાળી ગયા હતાં: સવારે પરિવારજનો શોધવા નીકળતાં રાહદારી મારફત ઘટનાની જાણ થઇ

રાજકોટ તા. ૨૧: શહેરના ગોંડલ રોડ પર હરિદ્વાર સોસાયટીમાં રહેતાં શંભુભાઇ ગાંડુભાઇ મોલીયા (ઉ.વ.૭૪) નામના વૃધ્ધે વહેલી સવારે ઘરેથી નીકળી ગયા બાદ એસટી વર્કશોપ પાછળ આવેલા મહાદેવના મંદિર પાસેના વોંકળામાં જઇ શરીરે ડીઝલ કે કોઇ જ્વલનશીલ પ્રવાહી છાંટી અગ્નિસ્નાન કરી આપઘાત કરી લેતાં અરેરાટી વ્યાપી ગઇ હતી.
જાણવા મળ્યા મુજબ સવારે કોઇ રાહદારીએ એસટી વર્કશોપ પાછળ આવેલા વોંકળામાં બળેલી હાલતમાં માનવદેહ જોતાં પોલીસને જાણ કરતાં માલવીયાનગરના પીએસઆઇ એસ. એ. સિંધી તથા અરૂણભાઇ ચાવડા સહિતે પહોંચી તપાસ શરૂ કરી હતી. બળીને ભડથું થઇ ગયેલા પુરૂષના મૃતદેહ નજીક જ્વલનશીલ પ્રવાહીથી અડધુ ભરેલુ એક ડબલુ મળી આવ્યું હતું. મૃતક કોણ છે? તે જાણવા પોલીસે આસપાસમાં તપાસ શરૂ કરી હતી. બનાવને પગલે લોકોના ટોળા પણ એકઠા થઇ ગયા હતાં.
એ દરમિયાન બનાવ સ્થળ નજીક એક પરિવારના લોકો પોતાના સ્વજન શંભુભાઇ મોલીયાને શોધતા હોઇ કોઇ રાહદારીએ તેમને વોંકળામાં એક બળેલી લાશ મળી છે તેવુ કહેતાં પરિવારજનોએ ત્યાં જઇ તપાસ કરતાં મૃતદેહ નજીકથી ચપ્પલ મળી આવ્યા હોઇ તે શંભુભાઇના જ હોવાનું જણાયું હતું. તેમજ કપડાનો થોડો ભાગ બળ્યા વગરનો રહી ગયો હોઇ તેના આધારે પણ ઓળખ થઇ હતી. પરિવારજનોના કહેવા મુજબ શંભુભાઇને પેટ સહિતની બિમારીઓ હતી. આ કારણે કંટાળી ગયા હતાં અને વહેલી સવારે ઘરેથી નીકળી જતાં બધા તેને શોધવા નીકળ્યા હતાં. ત્યારે આ ઘટનાની જાણ થઇ હતી. મૃતકને સંતાનમાં એક પુત્રી અને બે પુત્ર છે. પોતે પાંચ બહેન અને ત્રણ ભાઇમાં વચેટ હતાં. બનાવને પગલે પરિવારમાં શોક છવાઇ ગયો હતો.
(4:01 PM IST)










