News of Monday, 23rd December 2024
કણકોટમાં સીટી બસ કાળ બનીઃ હેતલબેન અને ૭ વર્ષના પુત્ર રાજવીરને ઠોકરે લીધાઃ પુત્રનું મોત
નાસ્તો લઇ પગપાળા ઘરે જતાં હતાં ત્યારે બનાવઃ અકસ્માત સર્જી ભાગી ગયેલો ચાલક બાદમાં હાજર થઇ ગયો : માથા-શરીરે વ્હીલ ફરી જતાં છૂંદો બોલી ગયોઃ માતાને પગમાં ગંભીર ઇજા

રાજકોટ તા. ૨૩: કાલાવડ રોડ પર કણકોટ ગામની લાભુભાઇ ત્રિવેદી એન્જિનીયરીંગ કોલેજ પાસે સીટી બસના ચાલકે માતા-પુત્રને ઠોકરે ચડાવતાં સાત વર્ષના પુત્રના મોઢા, શરીરે વ્હીલ ફરી વળતાં તેનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યુ મોત થયું હતું. જ્યારે માતાના પગ પર પણ વ્હીલ ફરી જતાં ગંભીર ઇજા થઇ હતી. એકના એક લાડકવાયાને ગુમાવતાં પરિવારમાં ગમગીની વ્યાપી ગઇ હતી. અકસ્માત સર્જી બસ ચાલક ભાગી ગયો હતો. બાદમાં પોલીસ આવતાં તે સામેથી આવી ગયો હતો અને પીસીઆરમાં બેસી જતાં કાર્યવાહી કરવામાં આવી હતી.
આ બનાવમાં તાલુકા પોલીસે મૃત્યુ પામનાર રાજવીર (ઉ.વ.૭)ના માતા હેતલબેન ભરતભાઇ ગોયલ (ઉ.વ.૩૩-રહે. કણકોટ ગામ, ક્રિષ્નાનગર પાસે)ની ફરિયાદ પરથી સીટી બસ નં. જીજે૦૩બીઝેડ-૦૫૮૮ના ચાલક વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે. હેતલબેન ગોયલે જણાવ્યું છે કે હું પતિ અને પુત્ર સાથે રહુ છું. રવિવારે હું પુત્ર રાજવીરને લઇને ઘરેથી કણકોટ ગાભ લાભુભાઇ ત્રિવેદી એન્જિનીયરીંગ કોલે પાસે ચાલીને રાજવીર માટે નાસ્તો લેવા ગઇ હતી. પરત અમે ઘર તરફ જતાં હતાં ત્યારે એન્જિનીયરીંગ કોલેજ પાસે અચાનક જ સીટી બસના ચાલકે અમને મા-દિકરા બંનેને ઠોકરે ચડાવી દેતાં બસનું આગળનું વ્હીલ મારા દિકરા પર ચડી ગયું હતું અને મારા જમણા પગ પર પણ વ્હીલ ફરી જતાં ઇજા થઇ હતી.આ બનાવને પગલે લોકો ભેગા થઇ ગયા હતાં. બસનું વ્હીલ મારા દિકરા પર ફરી ગયું હોઇ તેનું આખુ મોઢુ, શરીર છૂંદાઇ ગયા હતાં. કોઇએ ૧૦૮ બોલાવતાં તેના ડોક્ટરે મારા દિકરા રાજવીરને મૃત જાહેર કર્યો હતો. એ દરમિયાન જાણ થતાં મારા દિયર કલ્પેશભાઇ આવી ગયા હતાં. તેણે બસના નંબર નોંધી લીધા હતાં. મને પગમાં ગંભીર ઇજા થઇ હોઇ સારવાર માટે ખસેડવામાં આવી હતી. બનાવને પગલે પરિવારમાં ગમગીની વ્યાપી ગઇ હતી. એકના એક માસુમ દિકરાને પોતાની નજર સામે જ ગુમાવનાર જનેતા શોકમાં ગરક થઇ ગઇ હતી. રાજવીર પહેલા ધોરણમાં ભણતો હતો. તેના પિતા ભરતભાઇ રણછોડભાઇ ગોયલ સેન્ટીંગ કામ કરે છે. દિકરાને ગુમાવતાં તે પણ ઉંડા આઘાતમાં ગરક થઇ ગઇ ગયા હતાં. હેડકોન્સ. બી. જે. ખેરએ જરૂરી કાર્યવાહી કરી હતી.
(2:49 PM IST)










