તા. ૧૦ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો વદ – ૩ બુધવાર
News of Wednesday, 25th December 2024
રાજકોટના અલ્પેશ દોંગાનું કાવત્રુઃ વાંકીયાના ખેડૂતને ૨૧ લાખ વ્યાજે આપી ૩૦ લાખ વસુલી બારોબાર જમીન વેંચી નાંખી વધુ ૭૦ લાખ માંગ્યા!
ખેડુત જયસુખભાઇ ભીમાણીએ સિક્યુરીટી પેટે અલ્પેશના કહેવાથી પોતાની કિંમતી જમીનના મનિષના નામે પેન્ડીંગ દસ્તાવેજ કરી આપવા હા કહી હતીઃ પણ છેતરીને વેંચાણ દસ્તાવેજ કરાવી લેવાયોઃ મોરબીના પુરીબેન ભરવાડ અને નારણને જમીન વેંચી દેવાઇઃ નારણ વતી ભુરા ભરવાડે હવાલો રાખી જમીન ખાલી કરવા ધમકીઓ દીધી : અગાઉ પણ અલ્પેશ દોંગા વિરૂધ્ધ અરજી-ફરિયાદ થઇ હતીઃ અલ્પેશ દોંગા, નૈમિષ રામાણી, ધ્રોલના ભુરા ભરવાડ, મોરબીના નારણ ભરવાડ અને પુરીબેન ભરવાડ વિરૂધ્ધ તાલુકા પોલીસમાં ગુનો દાખલ થયો

રાજકોટ તા. ૨૫: ધ્રોલના વાંકીયા ગામના ખેડુતે રાજકોટના અલ્પેશ દોંગા પાસેથી બે વર્ષ પહેલા પોતાની ખેતીની જમીન પર વ્યાજે લીધેલા ૨૧ લાખ વ્યાજે લીધા હતાં અને સિક્યુરીટી પેટે પેટ આ જમીનનો પેન્ડીંગ વેંચાણ દસ્તાવેજ અલ્પેશના સાથી નૈમિષ રામાણીના નામે કરી દીધો હોઇ પણ તેણે કાવત્રુ ઘડી આ દસ્તાવેજ પેન્ડીંગને બદલે વેંચાણનો કરાવી લઇ તેમજ અગિયાર માસના વાવણી કરારનું લખાણ કરાવી લઇ માથે જતાં ૨૧ લાખ સામે ૩૦ લાખ વસુલી લીધા હોવા છતાં વધુ ૭૦ લાખ માંગી બારોબાર આ જમીન બીજાને વેંચી નાખતાં જમીન લેનાર વતી એક શખ્સે હવાલો લઇ જમીન ખાલી કરવાની ધમકી આપતાં પાંચ જણા સામે ફરિયાદ દાખલ થઇ છે.
આ બનાવમાં તાલુકા પોલીસે ધ્રોલના વાંકીયા ગામે રહેતાં જયસુખભાઇ મોહનભાઇ ભીમાણી (ઉ.વ.૪૬)ની ફરિયાદ પરથી રાજકોટના અલ્પેશ દોંગા, નૈમિષ રામાણી, ધ્રોલના ભુરા ભરવાડ, મોરબીના નારણ ભરવાડ અને મોરબીના પુરીબેન ભરવાડ વિરૂધ્ધ આઇપીસી ૪૨૦, ૫૦૬ (૨), ૩૪, ૧૨૦-બી તેમજ મનીલેન્ડ અકે્ટ હેઠળ મુજબ કાવત્રુ ઘડી છેતરપીંડી કરી માથે જતાં ધમકી દીધાનો ગુનો નોંધ્યો છે.
જયસુખભાઇ ભીમાણી ખેતી કરી ગુજરાન ચલાવે છે. તેણે ફયિરાદમાં જણાવ્યું છે કે વર્ષ ૨૦૨૨માં મારે ધંધાકીય કામ માટે પૈસાની જરૂર પડતાં ૧૫/૭/૨૨ના રોજ રાજકોટના નાના મવા રોડ પર આવેલી મની પ્લસ શરાફી મંડળી ધરાવતાં અલ્પેશ પાસેથી રૂા. ૨૧ લાખ ૨ ટકા વ્યાજે લીધા હતાં. તેણે વ્યાજે આપેલી આ રકમ સામે મેં તેને સિક્યુરીટી પેટે જમીનનો પેન્ડીંગ દસ્તાવેજ કરી આપવાનું કહેતાં મેં હા પાડતાં તેણે મને પ્રથમ પાચ લાખ રોકડા આપ્યા હતાં. એ પછી મેં ૨૭/૭/૨૨ના રોજ મારી વાંકીયા ગામની જમીન રે.સ.નં. ૧૧૯ની ખેતની જમીનનો પેન્ડીંગ દસ્તાવેજ નૈમિષ બાબુભાઇ રામાણી-રાજકોટના નામે કરી આપ્યો હતો. જેમાં સાક્ષી તરીકે મારા દિકરા પ્રશાંત અને પાર્થએ સહીઓ કરી હતી. નૈમિષે દસ્તાવેજમાં જણાવેલી રકમ રૂા. ૬,૫૧,૦૦૦નો મને ચેક આપ્યો હતો.
દસેક દિવસ પછી અલ્પેશે મને પોતાની ઓફિસે બોલાવી રૂા. ૯,૪૯,૦૦૦ રોકડા આપ્યા હતાં. આ રીતે વ્યાજે લીધેલી રકમ ઉપર મેં ત્રણ મહિના સુધી બે ટકા લેખે વ્યાજ ચુકવ્યું હતું. એ પછી હું વ્યાજની રકમ ચુકવી શકતો નહોતો. એકાદ વર્ષ બાદ અલ્પેશે મને વ્યાજે આપેલી રકમ મને પાછી આપવાનું કહેતાં મેં ૧૬/૧૦/૨૨ના રોજ તેને રોકડા રૂા. ૧૫ લાખ અને ૧૯/૧૦/૨૩ના રોજ બીજા રોકડા ૧૫ લાખ મળી કુલ ૩૦ લાખ ચુકવી દીધા હતાં. તે વખતે મારી સાથે મારા દિકરાઓ, તેમજ કરસનભાઇ જાવીયા, મહેશભાઇ સંતોકી, રાજેશભાઇ ગડારા, જેન્તીભાઇ ભીમાણી સહિતના હાજર હતાં. આ બધાની હાજરીમાં મેં અલ્પેશને ત્રીસ લાખ દીધા હતાં.
પરંતુ અલ્પેશ અને નૈમિષે મને ૨૧ લાખ વ્યાજે આપવાના બહાને વિશ્વાસમાં લઇ સિક્યુરીટી પેટે મારી પાસે પેન્ડીંગ દસ્તાવેજને બદલે રજીસ્ટર્ડ વેંચાણ દસ્તાવેજ કરાવી લીધો હોઇ અને બદલામાં મારી પાસેથી ૯ લાખ જેટલુ ઉંચુ વ્યાજ પણ વસુલ કર્યુ હોઇ મેં તેને કુલ ૩૦ લાખ ચુકવી દીધા પછી મારી જમીનનો દસ્તાવેજ મને પાછો કરી આપવાનું કહેતાં આ બંનેએ દસ્તાવેજની રકમ પેટેના ૬,૫૧,૦૦૦ ચેકથી ચુકવવા પડશે તો જ તમારી જમીનનો દસ્તાવેજ કરી આપશું તેમ કરી વધુ રૂપિયાની માંગણી કરી હતી. મેં હા પાડતાં તેણે મને મારી જમીનનો દસ્તાવેજ પરત કરી આપવા માટે અલગ અલગ તારીખો આપી હતી અને સબ રજીસ્ટ્રાર કચેરીના ટોકન આપ્યા હતાં. પરંતુ જે તે તારીખોએ અલ્પેશ કે નૈમિષ સબ રજીસ્ટ્રાર કચેરીએ હાજર રહય નહોતાં.
આ પછી મેં અલ્પેશને તેને ચુકવી દીધેલી રકમનું લખાણ કરી આપવાનું કહેતાં તેણે ૨૦/૧૨/૨૩ના રોજ રૂા. ૩૦૦ના સ્ટેમ્પ ઉપર સમજુતી કરારનું લખાણ કરી આપેલું જેમાં તેણે રૂા. ૬,૫૧,૦૦૦ દસ દિવસમાં પરત ચુકવી આપ્યેથી તે મારા અથવા મારા કુટુંબીજનોના નો દસ્તાવેજ કરી આપશે તેવી પાકી બાહેંધરી આપી હતી. પરંતુ એ પછી પણ અલ્પેશ અને નૈમિષને મેં વારંવાર દસ્તાવેજ કરી આપવાનું કહેવા છતાં તેણે ન કરી આપી-હવે તમારે જમીન પાછી જોઇતી હોય તો વધારાના ૭૦ લાખ આપવા પડશે તેમ કહી દીધુ હતું. મારી પાસે આટલી મોટી રકમ ન હોઇ તેમ મેં કહેતાં બંનેએ ઉશ્કેરાઇ જઇ તો હવે જમીન ભુલી જજો તેમ કહ્યું હતું. આથી મેં તેને હું રૂપિયાની વ્યવસ્થા કરીશ તેમ કહ્યું હતુ.
ત્યારબાદ હું તેને વધારાની રકમ જે તેણે માંગી હતી તે ચુકવવા તૈયાર થયો છતાં દસ્તાવેજ કરી આપ્યો નહોતો. દસ્તાવેજ નૈમિષના નામનો હોઇ તેણે મને ૧૧ માસ માટે જમીન વાવવા આપી છે તેવો કરાર કરાવી લીધાની વાત કરી હતી. ૨૦/૪/૨૪ના રોજ ધ્રોલ બસ સ્ટેશન સામે ચાની દૂકાન ધરાવતાં ભુરા નાગજીભાઇ ભરવાડે રાતે બારેક વાગ્યે મારા ખેતરે આવી મારા મજૂરોને ધમકાવી કહેલુ કે-તારા માલિકને કહેજે આ જમીન મેં લઇ લીધી છે, હવે જમીન પર પગ ના મુકે. બાદમાં બીજા દિવસે બપોરે ભુરો ભરવાડ પાછો મારા ખેતરે આવેલો અને જમીન મેં લઇ લીધી છે કહી મારી સાથે માથાકુટ કરી હતી અને ધમકી આપી હતી.
એ પછી મને ૩૦/૬/૨૪ના રોજ જાણવા મળેલુ કે નેમિષે મારી જાણ બહાર મારી આ જમીન પુરીબેન જીવણભાઇ ભરવાડને વેંચી નાખી છે. મેં નૈમિષ અને અલ્પેશને અવાર-નવાર મારી જમીન બાબતે કહેતાં તેણે કહેલુ કે-તમે વધારાના ૭૦ લાખ ચુકવ્યા નથી એટલે અમે તમારી જમીન વેંચી નાખી છે, હવે જો તમારે દસ્તાવેજ કરાવો હોય તો અમને ૭૦ લાખ આપો, તે અમારા જ માણસો છે, તમને દસ્તાવેજ કરી આપશે. એ પછી ભુરા ભરવાડે એકાદ બે વખત મારા ખેતરે આવી કહેલુ કે તમારી જમીન મારા સગા નારણભાઇ ભરવાડે ખરીદી છે, તેનો દસ્તાવેજ પુરીબેનના નામે છે. મને આ જમીન ખાલી કરાવવાનો નારણભાઇએ હવાલો આપ્યો છે તેમ કહી ફરીથી જમીન ખાલી કરી દેવા ધમકી આપી હતી.
ખેડુત જયસુખભાઇ ભીમાણીએ અંતમાં જણાવ્યું છે કે મેં ખેતીની જમીન પર અલ્પેશ દોંગા પાસેથી ૨૧ લાખ રૂપિયા બે ટકા વ્યાજે લીધા હોઇ તેણે સિકયુરીટી પેટે કાવત્રુ ઘડી મારી જમીનનો પેન્ડીંગ દસ્તાવેજ કરાવવાને બદલે નૈમિષ રામાણાના નામનો વેંચાણ દસ્તાવેજ કરાવી લઇ તેમજ અગિયાર માસનો વાવણી કરાર કરાવી લીધો હતો. મેં ૨૧ લાખ સામે તેને વ્યાજ તેમજ ૩૦ લાખ રોકડા ચુકવી દીધા છતાં તેણે વધુ ૭૦ લાખ માંગી મારી જમીન બારોબાર બીજાને વેંચી દીધી હતી અને જમીન ખરીદનાર વતી ધ્રોલના શખ્સે હવાલો લઇ મારી જમીને આવી જમીન ખાલી કરવાનું કહી ધમકીઓ આપતાં અંતે મારે ફરિયાદ કરવી પડી હતી. મારા ભાઇ જેન્તીભાઇ ભીમાણીને કેન્સરની બિમારી હોઇ અમારે તેમની સારવાર માટે સતત અમદાવાદ, રાજકોટ જવા આવાવનું થતું હોઇ તેના કારણે આ ફરિયાદ મોડી કરી હતી. અગાઉ અમે ધ્રોલ સબ રજીસ્ટ્રાર કચેરી અને રાજકોટ પોલીસ કમિશનરે અરજીઓ પણ કરી હતી. પીઆઇ ડી. એમ. હરિપરાએ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
ઉલ્લેખનીય છે કે મની પ્લસ શરાફી મંડળીના સંચાલક અલ્પેશ દોંગા વિરૂધ્ધ અગાઉ પણ એકના ડબલ કરી દેવાની લાલચ આપી રોકાણકારોના રૂપિયા ખાઇ જવાની અરજી-ફરિયાદ થઇ હતી.
(3:05 PM IST)










