News of Wednesday, 25th December 2024
આવ તો તારુ કામ છે...રોહિતભાઇને પડોશી રવિએ બગીચામાં બોલાવી લાફા-ઢીકા-પાટા અને કુંડાના ઠીકરાથી ફટકાર્યો
માથે જતાં મારી નાખવાની ધમકી દીધીઃ રવિ શેરીમાં રઝળતા કૂતરા ભેગા કરતો હોઇ વેપારી રોહિતભાઇના દિકરાને એક કૂતરુ કરડી ગયું હોઇ તેને આ બાબતે સમજાવતાં ખાર રાખી ડખ્ખો કર્યો

રાજકોટ તા. ૨૫: ગીતાંજલી સોસાયટીમાં રહેતા અને ઘર સાથે જ દૂકાન ચલાવતાં વેપારી યુવાને પડોશમાં જ રહેતાં શખ્સને શેરીમાં રઝળતા કૂતરાઓને ભેગા કરવાની ના પાડી હોઇ તેનો ખાર રાખી તેણે દોશી હોસ્પિટલ પાછળના બગીચામાં વેપારીને વાત કરવાના બહાને બોલાવી ગાળો દઇ લાફા, ઢીકાપાટુ તેમજ કુંડાના ઠીકરાથી માર મારી ધમકી આપતાં ફરિયાદ થઇ છે.
આ બનાવમાં માલવીયાનગર પોલીસે ગોકુલધામ પાસે ગીતાંજલી સોસાયટી મેઇન રોડ ઓમ જોગી મકાન ખાતે રહેતાં રોહિતભાઇ કનૈયાલાલ મેર (ઉ.વ.૪૧)ની ફરિયાદ પરથી રવિ દિનેશભાઇ ભટ્ટી વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે. રોહિતભાઇ પરિવાર સાથે રહે છે અને ઘરની નીચેના ભાગે મધુ હેન્ડલૂમ નામે દૂકાનમાં બેસી વેપાર કરે છે.
રોહિતભાઇએ જણાવ્યું હતું કે ગત અઢારમી તારીખે સવારે આઠેક વાગ્યે હું મારા દિકરા જેનીશને સ્કૂલેથી મુકીને પરત ઘર તરફ જતો હતો ત્યારે એચ. જે. દોશી હોસ્પિટલ પાછળ શ્રધધા ગાર્ડન પાસે પહોંચતા મારી સામે રહેતો રવિ ભટ્ટી ત્યાં હાજર હતો. તેણે મને ‘અહિ આવો' તેમ કહી બોલાવતાં હું તેની પાસે જતાં તેણે-તે કેમ મારા વિરૂધ્ધ પોલીસમાં અરજીઓ કરી છે? કહી મને ગાળો દેતાં તેને ગાળ બોલવાની ના પાડતાં ઉશ્કેરાઇ જઇ ઝપાઝપી કરી હતી અને મને ફડાકા મારી દીધા હતાં. બાદમાં ગાર્ડનમાં પડેલા કુંડાના ઠીકરાથી મને માર માર્યો હતો.
ઝપાઝપીમાં હું પડી જતાં ગોઠણના ભાગે ઇજા થઇ હતી. એ પછી રવ્એિ ધમકી આપી હતી કે હવે મને હેરાન કરીશ તો જાનથી મારી નાખીશ. હું સારવાર માટે સિવિલ હોસ્પિટલે ગયો હતો. મારા ઘર સામે રહેતો રવિ રસ્તે રઝળતા કૂતરાઓને તેના ઘર પાસે ભેગા કરતો હોઇ અગાઉ આવુ એક કુતરૂ મારા દિકરાને કરડી ગયું હતું. જેથી મેં રવિને આ રીતે કૂતરા ભેગા કરવાની ના પાડી સમજાવ્યો હતો. આથી તેને સારુ ન લાગતાં મને બગીચામાં વાતન કરવાના બહાને બોલાવી લાફા મારી તેમજ ઢીકાપાટુ અને કુંડાના ઠીકરાથી માર મારી ધમકી આપી હતી. માલવીયાનગરના હેડકોન્સ. એવી. ચાવડાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
(2:35 PM IST)










