તા. ૧૦ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો વદ – ૩ બુધવાર
News of Wednesday, 25th December 2024
રીંગ રોડ ઉપર ''રાજા'' નામધારી એપાર્ટમેન્ટના બની બેઠેલા પ્રમુખનાં કરતુતોથી ફલેટ ધારકો ત્રાહિમામ
સંસ્કારી સોસાયટીને અસામાજીક પ્રવૃતિઓનો અડ્ડો બનાવી દીધાનો આરોપઃ ભદ્ર સમાજના પરિવારોને રહેવું દુષ્કર : મેઇન્ટેનન્સના કરોડો રૃપિયા ચાઉં કરી જવાનો તથા કિંમતી પ્રોપર્ટી સસ્તા ભાવે પચાવી પાડવાનો મલિન ઇરાદોઃ ધાક ધમકીઓ તથા દાદાગીરીનો માહોલ

રાજકોટ તા. રપઃ અહિંના મોટા રીંગ રોડ ઉપર આવેલ ''રાજા'' નામધારી એપાર્ટમેન્ટના બની બેઠેલા પ્રમુખ અને તેમના મળતીયાઓનાં કરતુતોથી ફલેટ ધારકો ત્રાહિમામ પોકારી ઉઠયા હોવાનું અને ભદ્ર સમાજની આ સંસ્કારી સોસાયટીને અસામાજીક પ્રવૃતિઓનો અડ્ડો બનાવી દેવામાં આવ્યો હોવાનો આરોપ એક અરજીમાં થયો છે. આ ફલેટ ધારકોની ફરિયાદ છે કે બની બેઠેલા પ્રમુખનો ઇરાદો મેઇન્ટેનન્સના કરોડો રૃપિયા ચાઉં કરી જવાનો તથા અવાજ ઉઠાવનારને ધાકધમકીઓ આપવાનો મલિન ઇરાદો છે એટલું જ નહિં ફલેટ ધારકોને ખોટા કેસોમાં ફસાવી દેવાની દાદાગીરી પણ ચાલી રહી છે જેના કારણે સંસ્કારી લોકોને અહિં રહેવું દુષ્કર તર્ક સમું બની ગયું છે.
''રાજા''નાં પથ્થરધારી આ એપાર્ટમેન્ટના ફલેટ ધારકોએ અરજીમાં ફરિયાદ કરી છે કે, આ સંસ્કારી સોસાયટીને અસામાજીક પ્રવૃતિઓનો અડ્ડો બનાવી દેવામાં આવેલ છે. પ્રમુખની મીઠી નજર હેઠળ બુટલેગરો અને પેડલરો સોસાયટીએ ખુલ્લેઆમ ફરી રહ્યા છે. જેના કારણે મહિલાઓ-દીકરીઓની સુરક્ષા સામે જોખમ ઉભું થયું છે. આવી સોસાયટીમાં આ પ્રકારના લોકોને બોલાવી ફલેટ હોલ્ડર્સની કિંમતી પ્રોપર્ટી સસ્તા ભાવે પચાવી પાડવાનાં પણ ભેદી ઇરાદા છે. ફલેટ ધારકોની ફરિયાદ છે કે ફલેટ હોલ્ડરોના વિરોધ વચ્ચે કાયદાકીય પ્રોસીજર વગર પ્રમુખની નિમણુંક થઇ છે. ફલેટ ધારકોનો આરોપ છે કે કોઇ સભ્ય હિસાબની માંગણી કરે તો તેને ધમકી આપવામાં આવે છે.
ફલેટ ધારકોએ અરજીમાં વધુમાં જણાવ્યું છે કે, બની બેઠેલા પ્રમુખે મનસ્વી રીતે બિલ્ડીંગમાં આડેધડ તોડફોડ કરી એમેનીટીઝ-બિલ્ડીંગની મજબૂતાઇને નુકસાન કર્યું છે. પુરતું ફંડ હોવા છતાં બિલ્ડીંગનું મેઇન્ટેનન્સ થતું નથી. સાફસફાઇથી માંડી જાળવણીનું કામ પણ થતું નથી. જે એમેનીટીઝ ફ્રીએ ઉપયોગ કરવાની છે તેના પણ પૈસા ઉઘરાવવામાં આવે છે. પૈસા ભરાય તો પહોંચ પણ અપાતી નથી.
ફલેટ ધારકોએ અરજીમાં જણાવ્યું છે કે, બોગસ લોકો બહારથી માણસો બોલાવી શરાબ-સુંદરીઓની પણ મહેફીલો જામતી હોય છે કોઇ સભ્ય ફરિયાદ કરે તો હનીટ્રેપમાં ફસાવી દેવા ધમકી આપવામાં આવે છે. બોગસ લોકોના ત્રાસથી ઘણા ફલેટ ધારકો પોતાનો ફલેટ વેંચી બીજે જવા માંગે છે પણ તેઓને જવા દેવાતા નથી કે પુરતો સહકાર નથી અપાતો. અમુક લોકો પૈસા અને પાવરના જોરે સોસાયટીને બાનમાં લઇ રહ્યાં છે જે સામે હવે ફલેટ ધારકો પોલીસ કાર્યવાહી કરવા વિચારી રહ્યા હોવાનું પણ કહેવાય છે.
(3:13 PM IST)










