<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th December 2024

બેભાન હાલતમાં પંદર વર્ષની લક્ષ્મી અને ત્રણ મહિલાના મોત

મનહપરાની સગીરાને આંચકીની બિમારી હતીઃ પરસાણાનગરના સફાઇ કામદાર દિવાળીબેન સોઢા, ભીમનગરના હંસાબેન નારોલા, રૈયાધારના લીલાબેન તુવરીયાએ હોસ્‍પિટલમાં દમ તોડતાં પરિવારજનોમાં ગમગીની

રાજકોટ તા. ૨૫: બેભાન હાલતમાં પરસાણાનગરના ૫૫ વર્ષના સફાઇ કામદાર મહિલા, થોરાળાની ૧૫ વર્ષની સગીરા, ભીમનગરના ૫૫ વર્ષના મહિલા અને રૈયાધારના ૪૬ વર્ષિય મહિલાને સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ ચારેયને તબિબે નિષ્‍પ્રાણ જાહેર કરતાં પરિવારોમાં શોક છવાઇ ગયો હતો.

જાણવા મળ્‍યા મુજબ જામનગર રોડ પર પરસાણાનગર-૧૩માં રહેતાં દિવાળીબેન નારણભાઇ સોઢા (ઉ.વ.૫૫) ઘરે બેભાન થઇ જતાં સિવિલમાં ખસેડાયા હતાં. ગત ૧૬મીએ તેમને હાથમાં જીવડુ કરડી ગયું હતું. એ પછી તે બિમાર રહેતાં હતાં. આજે બેભાન થઇ ગયા બાદ મૃત્‍યુ થયું હતું. તેમને સંતાનમાં એક પુત્ર અને અકે પુત્રી છે. પોતે વોર્ડ નં. ૧૩માં સફાઇ કામદાર તરીકે નોકરી કરતાં હતાં.

બીજા બનાવમાં નવા થોરાળા મનહરપરા-૧૨માં થોરાળા પોલીસ સ્‍ટેશન સામે રહેતી લક્ષ્મીબેન રાજેશભાઇ પરમાર (ઉ.વ.૧૫) ઘરે બેભાન થઇ જતાં સિવિલમાં ખસેડાઇ હતી પરંતુ તેનું મોત થયું હતુ઼. તેણીને અગાઉ આંચકી ઉપડી હતી. બાદમાં બિમાર રહેતી હતી. મૃત્‍યુ પામનાર લક્ષ્મી બે ભાઇની એકની એક મોટી બહેન હતી. તેના પિતા મજુરી કામ કરે છે.

ત્રીજા બનાવમાં નાના મવા રોડ ભીમનગર-૧માં રહેતાં હંસાબેન કુંવરજીભાઇ નારોલા (ઉ.વ.૫૫) ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્‍યુ થયું હતું. તેમને ડાયાબીટીસની બિમારી હતી. પતિ કરીયાણાની દુકાનમાં કામ કરે છે. સંતાનમાં ત્રણ પુત્રી અને એક પુત્ર છે.

ચોથા બનાવમાં રૈયાધાર શાંતિનગર પાસે સ્‍લમ ક્‍વાર્ટરમાં રહેતાં લીલાબેન શંકરભાઇ તુવરીયા (ઉ.વ.૪૬) સવારે બેભાન થઇ જતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત થયું હતું. તેમને સંતાનમાં બે પુત્રી અને એક પુત્ર છે. પતિ શાકભાજીનો ધંધો કરે છે. બિમારી હોવાનું તેના સગાએ કહ્યું હતું. ચારેય બનાવમાં હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, ભાવેશભાઇ મકવાણાએ પ્ર.નગર, થોરાળા પોલીસ, તાલુકા પોલીસ અને યુનિવર્સિટી પોલીસને જાણ કરી હતી.

(3:51 PM IST)