News of Thursday, 26th December 2024
અર્થપૂર્ણ સિનેમાની અવિરત ખોજ કરનાર ‘શ્યામ બેનેગલ'
નવાઈની વાત તો એ છે કે શ્યામ બેનેગલે ફિલ્મ મેકિંગનો કોઈ વિશેષ અભ્યાસ કર્યો નહોતો! : મુંબઈ આવ્યા બાદ એડ એજન્સીમાં કોપીરાઈટર તરીકે કામ કર્યું. ;તેમણે તેમની પ્રથમ ડોક્યુમેન્ટરી ફિલ્મ ગુજરાતી ભાષામાં- ‘ઘેર બેઠાં ગંગા' (૧૯૬૨) બનાવી હતી. ; શ્યામ બેનેગલની બીજી ખાસિયત એ કે તેમણે કદી મોટા મનાતા કલાકારોને લીધા નહીં પણ તેમની ફિલ્મોમાં કામ કરીને કલાકારો મોટા થયા. ;૫૦ વર્ષમાં તેમણે ૨૪ ફીચર ફિલ્મ બનાવી તેમાંથી એક પણ ફિલ્મ બ્લોક બસ્ટર કે સુપરહીટ નહોતી છતાં શ્યામ બેનેગલને દિગ્ગજ ડિરેક્ટર ગણાય છે. ;શ્યામ બેનેગલ ચેખોવ, ટોલ્સટોય, ઓ હેનરી, મૌપાસાઅ વગેરે જેવા અનેક લેખકોની વાર્તાઓને નાના પડદા પર લાવ્યાં હતાં. : સિનેમા રહેશે ત્યાં સુધી શ્યામ બેનેગલ સ્મૃતિમાં રહેશે

તેમની પ્રથમ ફિલ્મ અંકુરના ક્લાઈમેક્સમાં શ્યામ બેનેગલે એક બાળકને વ્યવસ્થા સામે પ્રતિકારના પ્રતીક તરીકે પથ્થરમારો કરીને કાચ તોડતા બતાવ્યો હતો. ભારતીય સિનેમામાં માનવીય સમસ્યાઓની રજૂઆતના પ્રચલિત રૂપકોને તોડવાનું પહેલી જ ફિલ્મથી શરૂ કર્યું અને તેના સમગ્ર કાર્યમાં તેમની સાતત્યતાએ તેમને સમાંતર સિનેમાના દિગ્ગજ તરીકે સ્થાપિત કર્યા હતા. હાલમાંજ પોતાના જીવનમાં સિનેમાની એક પરંપરા બની ચૂકેલા ઉચ્ચ દરજ્જાના ફિલ્મ નિર્માતા-નિર્દેશક શ્યામ બેનેગલે જીવનમાં થી પેકઅપ કર્યું. ૧૪ ડિસેમ્બરે ૨૦૨૪ ના રોજ ૯૦ માં જન્મદિવસની ઉજવણી અંતિમ બની રહી. ૨૪ ડિસેમ્બરે તેમણે વિદાય લીધી.
૧૪ ડિસેમ્બર ૧૯૩૪ ના રોજ હૈદરાબાદમાં જન્મેલા અને ત્યાંની મિશ્ર સંસ્કૃતિ વચ્ચે ઉછરેલા શ્યામ બેનેગલે તેમના નેવું વર્ષના લાંબા જીવનમાં એટલું બધું, એટલું વ્યાપક કામ કર્યું છે કે તેમના વિશે ઔપચારિક રીતે લખવું એ ખૂબ જ મુશ્કેલ કાર્ય છે. અંકુર, ચરણદાસ ચોર, નિશાંત, મંથન, કોન્ડુરા, ભૂમિકા, જુનૂન, કલયુગ, આરોહણ, મંડી, ત્રિકાલ, સુસમન, અંતર્નાદ, સૂરજ કા સાંતવા ઘોડા, મમ્મો, સરદારી બેગમ, ધ મેકિંગ ઓફ મહાત્મા, સમર, હરી-ભરી, ઝુબૈદા, નેતાજી સુભાષ ચંદ્ર બોઝ : ધ ફર્ગોટન હીરો, વેલકમ ટુ સજ્જનપુર, વેલ ડન અબ્બા, મુજીબ : ધ મેકિંગ ઓફ અ નેશન જેવી તેમની ફીચર ફિલ્મો છે. હિન્દી સિનેમામાં લાંબા સમય સુધી ‘અલ્ટરનેટીવ સિનેમા'ની ધારાને જીવંત રાખનાર તરીકે કોઈ એક નિર્દેશકનું નામ દેવું હોય તો તે શ્યામ બેનેગલ છે. ‘૭૪થી હિન્દી સિનેમામાં શરૂ થયેલી તેમની સફરને ચાર દાયકા ઉપરનો સમય વીત્યો અને આ ગાળામાં તેમણે હિન્દી સિનેમા જગતને નવી ઓળખ બક્ષી શકાય તેવી ફિલ્મો આપી. શ્નઅંકુરઙ્ખથી માંડિને ‘વેલ ડન અબ્બા' સુધીની તેમની આ સર્જનયાત્રામાં તેઓએ ભારતના સામાજિક-સાંસ્કૃતિક-રાજકીય મુદ્દાઓને અલગ દૃષ્ટિકોણથી દર્શાવ્યા છે. બેનેગલ ફિલ્મોમાં સામાજિક નિસબતને સતત સ્થાન આપતાં આવ્યા છે અને તેમ છતાં તેનું મનોરંજન પાસું તેઓ જાળવી શક્યા છે. તેમની ઘણી ફિલ્મોમાં સામંતશાહી-શોષણની કહાની જોવા મળે છે. આ ઉપરાંત જે આધુનિક માનવસમાજને આપણે જોઈએ છીએ હિન્દુસ્તાનના પરિપ્રેક્ષ્યમાં તે સફર ક્યાંથી શરૂ થઈ તેનું ફિલ્મી દસ્તાવેજ જોવું હોય તો તેની ઝલક પણ બેનેગલની ફિલ્મો દર્શાવે છે.
શ્યામ બેનેગલ મિડલક્લાસ પરિવારમાં જન્મેલા. હિન્દી સિનેમામાં અકલ્પનીય યોગદાન આપનાર શ્યામ બેનેગલના જીવનના શરૂઆતના પાનાં તપાસીએ તો તેઓ હૈદરાબાદની ઓસમાનિયા યુનિવર્સિટીમાંથી અર્થશાષામાં એમ.એ. થયા છે. નવાઈની વાત તો એ છે કે તેમણે ફિલ્મ મેકિંગનો કોઈ વિશેષ અભ્યાસ કર્યો નહોતો! શ્યામ બેનેગલની આ સિનેમાયાત્રાનો આરંભ બાળપણથી જ થઈ ચૂક્યો હતો. પિતા ફોટોગ્રાફર હોવાથી બેનેગલના હાથમાં એક મૂવી કેમેરા આવ્યો અને બસ પછી તો આસપાસનું જે કંઈ સારું મળ્યું તે શૂટ કરવા માંડ્યા. માત્ર બાર-તેર વર્ષની ઉંમરથી તેમને ફિલ્મ નિર્માણની લગની લાગી હતી અને એ કાળે જ તેમણે નક્કી પણ કરી નાંખ્યું કે હું ફિલ્મ નિર્માણમાં જ કારકિર્દી ઘડીશ! આ રીતે ફિલ્મ નિર્માણમાં જવાનું નક્કી કરવાનું એક કારણ તેમના જ પરિવારમાંથી નીકળનારાં જગવિખ્યાત ફિલ્મ મેકર ગુરુ દત્ત પણ હતા(ગુરુ દત્તના નાની અને બેનેગલના દાદી બહેનો હતાં). જેમ ફિલ્મ મેકિંગનું જૂનુન સવાર થયું તેમ તે માર્ગે જવા માટે તાલાવેલી પણ શરૂ થઈ. હૈદરાબાદમાં ફિલ્મને લઈને આગળ વધાય હતું નહીં એટલે બેનેગલ મુંબઈ આવ્યા. મુંબઈ આવ્યા બાદ તુરંત તો કોઈ ફિલ્મનિર્માણનું કામ સોંપે નહીં એટલે તેમણે એડ એજન્સીમાં કામ કરવાનું ઠરાવ્યું. યુવાન બેનેગલે એડ એજન્સીમાં કોપીરાઈટર તરીકે કામ સ્વીકાર્યું અને જે એડ એજન્સી - લિન્ટાસ એડવર્ટાઈઝિંગ-માં તેમણે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી ત્યાં જ તેઓ સમય જતા ક્રિએટીવ હેડ બન્યા. આ દરમિયાન તેમણે તેમની પ્રથમ ડોક્યુમેન્ટરી ફિલ્મ ગુજરાતી ભાષામાં- ‘ઘેર બેઠાં ગંગા' (૧૯૬૨) બનાવી. ૧૯૬૩ થી તેઓ ‘એએસપી'- એડવટાઇઝીંગ, સેલ્સ એન્ડ પ્રમોશન - નામની એડ એજન્સીમાં જોડાયા અને આ એજન્સીમાં તેમણે ડોક્યુમેન્ટરીઝ અને એડ ફિલ્મોમાં અધધ કહી શકાય તેટલું કામ કર્યું. અહીં તેમણે આ પ્રકારની નવસો ફિલ્મો બનાવી!
ફિલ્મ મેકિંગના પેશનના કારણે ફિલ્મનિર્માણના બહોળા પ્લેટફોર્મ પર જવાની ખ્વાહિશ તો તેમને સતત રહેતી પરંતુ સાથોસાથ ત્યાં પહોંચવા માટે એક મજલ પણ કાપવાની હતી. બેનેગલનો આ માર્ગ એડ એજન્સી બની અને એટલે જ અહીં ટકીને તેમણે દસ વર્ષ સુધી કામ કર્યું. આ દરમિયાન ‘ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્ટિસ્ટુટ ઓફ ઇન્ડિયા'માં ભણાવી શકે તેટલી સિદ્ધી હાંસલ કરી ચૂક્યા હતા. હવે એડ એજન્સી સાથે સાથે ડોક્યુમેન્ટરીનું કામ જોરશોરમાં ચાલી રહ્યું હતું જેમાં તેમણે ‘અ ચાઈલ્ડ ઓફ ધ સ્ટ્રીટ' નામની ડોક્યુમેન્ટરી બનાવી જેના દ્વારા તેમને ખાસ્સી પ્રસિદ્ધી મળી. તેના જ પરિણામે હોમી ભાભા ફેલોશિપ હેઠળ ન્યૂયોર્કમાં થયેલાં ચિલ્ડ્ર્ન ટેલિવિઝન વર્કશોપમાં કામ કરવાની તક પણ મળી.
આ બધું કર્યા છતાં હજુ સુધી બેનેગલે કોઈ જ સાચા અર્થમાં સિનેમાં કહેવાય તેવી ફિલ્મ બનાવી નહોતી. આ તક તેમને તેઓ જીવનના ચાળીસમાં પ્રવેશવા આવ્યા ત્યારે મળી અને તેમણે પ્રથમ ફિલ્મ ‘અંકુર' (૧૯૭૩) બનાવી. આ ફિલ્મ ભારતીય સમાજની સામંતશાહીને ઉજાગર કરે છે. બેનેગલ સાહેબની આ પ્રથમ ફિલ્મે તેમને પ્રસિદ્ધી અપાવી અને સાથે નેશનલ ફિલ્મ એવોર્ડ્સ પણ અપાવ્યા. પછી તો એક પછી એક તેમની ‘નિશાંત'(૧૯૭૫), ‘મંથન'(૧૯૭૬), ‘ભુમિકા'(૧૯૭૭) અને ‘ચરનદાસ ચોર' ફિલ્મ આવી. આ તમામ ફિલ્મો રાષ્ટ્રિય-આંતરરાષ્ટ્રિય સ્તરે એવોર્ડ મેળવતી રહી. શ્યામ બેનેગલે આ રીતે ૨૦૧૦ સુધી અનેક શ્રેષ્ઠ ફિલ્મો આપી. ફિલ્મો સાથે તેમણે શોર્ટ ફિલ્મ, ડોક્યુમેન્ટરીઝ અને ધારાવાહિક પણ બનાવી. આ સર્જનમાં નેવુંના દાયકામાં દૂરદર્શન માટે ‘ભારત એક ખોજ' બનાવી. કલ્ટ કહેવાય તેવું આ કામ જવાહરલાલ નેહરુ લિખિત પુસ્તક ‘ડિસ્કવરી ઓફ ઇન્ડિયા'થી પ્રેરીત છે. જેમાં ભારતના ઇતિહાસનું તબક્કાવાર દર્શન નેહરુએ કરાવ્યું છે અને તે જ લખાણને બેનેગલ સુંદર રીતે પડદા પર લાવી શક્યા છે. પુસ્તકને પડદા પર લાવવાનું કામ આમેય કપરું હોય છે અને જયારે તેમાં ભારત જેવાં દિર્ઘ ઇતિહાસ ધરાવનારા દેશની કહાની ભળે ત્યારે તો તે ઓર મુશ્કેલ બને છે. જવાહરલાલ નેહરુએ જોયેલાં-અનુભવેલાં-લખેલાં ભારતને કેમેરા પર લાવીને શ્યામ બેનેગલે એક અવર્ણનીય ખોજ કરી છે. આ ખોજના બે દાયકા બાદ પણ ફિલ્મી સફરમાં તેમની પોતાની ખોજ અવિરત ચાલુ રહી હતી.
શ્યામ બેનેગલને સૌથી વધુ ૧૮ વખત રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા છે. આ સિવાય તેમને પદ્મ ભૂષણ અને દાદા સાહેબ ફાળકે એવોર્ડ પણ મળ્યા હતા. શ્યામ બેનેગલની બીજી ખાસિયત એ કે તેમણે કદી મોટા મનાતા કલાકારોને લીધા નહીં પણ તેમની ફિલ્મોમાં કામ કરીને કલાકારો મોટા થયા. શ્યામ બેનેગલની ફિલ્મોએ ભારતીય સિનેમાને નસીરુદ્દીન શાહ, ઓમ પુરી, અમરીશ પુરી, અનંત નાગ, શબાના આઝમી, સ્મિતા પાટીલ અને સિનેમેટોગ્રાફર-ફિલ્મમેકર ગોવિંદ નિહલાની જેવા મહાન કલાકારો આપ્યા પણ એ સિવાય બીજા પણ ઘણા એવા કલાકારો છે કે જેમની કારકિર્દીની ઓળખ જ શ્યામ બેનેગલની ફિલ્મ બની હોય. કરિશ્મા કપૂરને કોઈ સિરિયસ એક્ટ્રેસ ગણતું જ નહોતું પણ ઝુબેદા ફિલ્મે આ માન્યતા બદલી. સચિન ખેડેકરે આખી જિંદગી કેરેક્ટર રોલ જ કર્યા પણ બેનેગલે ખેડેકરને સુભાષચંદ્ર બોઝ તરીકે રજૂ કરીને નવી ઓળખ આપી. રજીત કપૂરને યુવા ગાંધી તરીકે રજૂ કરીને બેનેગલે તેમને પણ અમર કરી દીધા. વેલકમ ટુ સજજનપુર ફિલ્મ દ્વારા શ્રેયસ તળપદેને કોમેડી ફિલ્મોમાં કામ કરવાની ક્ષમતાને બેનેગલ બહાર લાવ્યા ને પછી શ્રેયસ પાસે ફિલ્મોની લાઈન લાગી ગઈ. શ્યામબાબુએ ટીવી પર પણ યાદગાર કામ કર્યું. શ્યામબાબુની કારકિર્દી એ રીતે ૫૦ વર્ષની હતી ને આ ૫૦ વર્ષમાં તેમણે ૨૪ ફીચર ફિલ્મ બનાવી તેમાંથી એક પણ ફિલ્મ બ્લોક બસ્ટર કે સુપરહીટ નહોતી છતાં શ્યામ બેનેગલને દિગ્ગજ ડિરેક્ટર ગણાય છે કેમ કે તેમણે ભારતીય સિનેમામાં એક નવા પ્રવાહની શરૂઆત કરી.
ભારત એક ખોજ ઉપરાંત શ્રી બેનેગલે યાત્રા જેવી રસપ્રદ સિરિયલ બનાવી જે ભારતીય રેલ્વેના સૌથી લાંબા રૂટ પર ચાલતી હિમસાગર એક્સપ્રેસ પર આધારિત હતી. એ જ રીતે સીરીયલ સંવિધાન બનાવી હતી જે ભારતીય બંધારણના નિર્માણની સમગ્ર યાત્રાનો હિસાબ આપે છે. શ્રી બેનેગલે દૂરદર્શન પર પ્રસારિત થતા કથા સાગરના કેટલાક એપિસોડનું નિર્દેશન પણ કર્યું હતું. કથા સાગરમાં વિશ્વના મહાન લેખકોની કલમોમાંથી નીકળતા મોતી હતા. આમાં શ્યામ બેનેગલ ચેખોવ, ટોલ્સટોય, ઓ હેનરી, મૌપાસાઅ વગેરે જેવા અનેક લેખકોની વાર્તાઓને નાના પડદા પર લાવ્યાં હતાં. ફેબ્રુઆરી ૨૦૦૬ માં નામાંકિત સભ્ય તરીકે રાજયસભાના શપથ લીધા પછી શ્યામ બેનેગલ મોટાભાગના સાંસદોથી વિપરીત સંસદમાં કાયમ હાજર રહેતા. જો કે તેઓ ગૃહમાં પ્રશ્નો પૂછતા કે મુદ્દા ઉઠાવતા નહિં. પરંતુ તેમ છતાં તેઓ સંસદની કાર્યવાહી દરમિયાન અંદર મળતા. કોઈ ‘વ્યકિતગત' રાજકીય સ્વાર્થ ન હોવા છતાં જયારે સંસદ સ્થગિત થતી ત્યારે તેમના ચહેરા પર અફસોસ રહેતો જે એક મહત્વપૂર્ણ શૂટિંગ દરમિયાન વરસાદને કારણે ‘ઉંફ્ અપ' કહેતી વખતે પણ દેખાતો નહીં.
ઇન્ડિયન ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝને પેરેલેલ સિનેમાની મજબૂત દેન આપનાર શ્યામ બેનેગલને ૨૦૧૮થી વી. શાંતારામ લાઈફટાઈમ એવોર્ડથી સન્માનવામાં આવ્યા હતા. શ્યામ બેનેગલ તેમની નવી તરેહની સિનેમા કૃતિઓ માટે રાષ્ટ્રિય-આંતરરાષ્ટ્રિય સ્તરે કારકિર્દીની શરૂઆતથી જ સન્માનિત થતા આવ્યા છે! ૨૦૦૫માં તેઓ ભારતીય સિનેમાનું સર્વોચ્ચ દાદાસાહેબ ફાળકે સન્માન પણ મેળવી ચૂક્યા છે. વી. શાંતારામ સન્માન મેળવવાની સાથે ભારતીય ટેલિવિઝન જગતના તેમના અદ્વિતિય સર્જન શ્નભારત એક ખોજઙ્ખને પણ બે દાયકા પૂરા થયા હતા.તેઓને પદ્મશ્રી અને પદ્મભૂષણથી પણ નવાજવામાં આવ્યા હતા.
શ્યામ બેનેગલે નીરા બેનેગલ સાથે લગ્ન કર્યા હતા. તેમને એક પુત્રી છે પિયા બેનેગલ જે એક કોસ્ચ્યુમ ડિઝાઇનર છે. શ્યામ બાબુ ક્યારેય કોઈ બોક્સમાં અટક્યા નહોતા. જો કે તેમની દરેક ફિલ્મોમાં તેમની બ્રાન્ડ પ્રતિબિંબિત થતી હતી પછી તે શશિ કપૂર દ્વારા નિર્મિત ૧૮૫૭થી યુદ્ધની લવ સ્ટોરી હોય અથવા ગોવા પોર્ટુગલથી સ્વતંત્ર થવા પર આધારિત ત્રિકાલ હોય. બેનેગલે ફેડરેશન ઓફ ફિલ્મ સોસાયટી ઓફ ઈન્ડિયાના પ્રમુખ તરીકે સેવા આપી હતી. તેઓ સહ્યાદ્રી ફિલ્મ્સ નામની પ્રોડક્શન કંપનીના માલિક હતા. તેઓ તેમની પોતાની ફિલ્મો પર આધારિત ત્રણ પુસ્તકોના લેખક હતાઃ ધ ચર્નિંગ વિથ વિજય તેંડુલકર (૧૯૮૪), જે મંથન પર આધારિત હતી; સત્યજીત રે (૧૯૮૮), તેમના જીવનચરિત્ર પર આધારિત સિનેમા, સત્યજીત રે; અને ધ માર્કેટપ્લેસ (૧૯૮૯), મંડી પર આધારિત હતી. શ્યામ બેનેગલ આપણી વચ્ચેથી ભલે વિદાય થયા પણ એ પહેલાં એટલું સર્જન કરતા ગયા છે કે સિનેમા રહેશે ત્યાં સુધી શ્યામ બેનેગલ સ્મૃતિમાં રહેશે. (૩૭.૬)
શ્યામ બેનેગલને મળેલ સન્માન...પુરસ્કાર...
૧૯૮૦ જુનુન માટે શ્રેષ્ઠ દિગ્દર્શકનો એવોર્ડ
૧૯૮૧ ફિલ્મ કલયુગ માટે સુવર્ણ પુરસ્કાર (ગોલ્ડન એવોર્ડ)
ઓલ લાઈટ્સ ઈન્ડિયા ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ દ્વારા ૨૦૧૫ માં લાઇફટાઇમ અચીવમેન્ટ એવોર્ડ
ભારતીય સિનેમામાં યોગદાન માટે બીએન રેડ્ડી રાષ્ટ્રીય પુરસ્કાર (નંદી પુરસ્કાર)
૧૯૭૦ હોમી ભાભા ફેલોશિપ (૧૯૭૦-૭૨)
૧૯૭૬ પદ્મશ્રી
૧૯૮૯ સોવિયેતલેન્ડ નેહરુ એવોર્ડ
૧૯૯૧ પદ્મ ભૂષણ
૨૦૧૨ કલકત્તા યુનિવર્સિટીની ડી. લિટ. પદવી
૨૦૧૩ ANR રાષ્ટ્રીય પુરસ્કાર
૨૦૧૬ ડી. લિટ. આઇટીએમ યુનિવર્સિટી, ગ્વાલિયર (એમપી) દ્વારા
શ્યામ બેનેગલને
પોતે બનાવેલી ફિલ્મો
કેમ ન ગમતી?
શ્યામ બેનેગલે પોતાની કારકિર્દીમાં કોમર્શિયલ ફિલ્મો બનાવવાને બદલે હંમેશા સમાંતર સિનેમા પર ધ્યાન કેન્દ્રિત કર્યું. તેમની ભાગ્યે જ કોઈ એવી ફિલ્મ હશે જે સિનેમા પ્રેમીઓને પસંદ ન આવી હોય. પરંતુ શ્યામ બેનેગલે પોતે એકવાર વાત કરી હતી કે તેમને તેમની કઈ ફિલ્મો પસંદ નથી. જયારે તેમને આ સવાલ પૂછવામાં આવ્યો કે શું તેની કોઈ એવી ફિલ્મ છે જે તેમને પસંદ નથી? તો તેમણે જવાબ આપ્યો હતો મારી બધી ફિલ્મો મને પસંદ નથી. જયારે આ પાછળનું કારણ પૂછવામાં આવ્યું તો તેમણે એકદમ સરળ જવાબ આપેલો. શ્યામ બાબુનું કહેવું હતું કે, તમે જે કામ કર્યું છે તેનાથી તમે કેવી રીતે સંતુષ્ટ થઈ શકો. એવું નથી કે હું ઉદાસ છું. તમે મોટા ભાગના લોકો કરતા થોડા વધુ આલોચનાત્મક છો કારણ કે તમે જે કામ કર્યું છે તેની ખામીઓ તમે જાણો છો. તમે જાણો છો કે તમે શું કર્યું છે. અને તમે એ પણ જાણો છો કે તમે ક્યાં ખોવાઈ ગયા છો. જયાં તમે જે કરવા માંગતા હતા તે કરવામાં તમે સફળ ન થયા અને પછી તમે તેને છુપાવી દીધું. હું જાણું છુ કે હું ક્યા અસફળ રહ્યો અને મે તેને છુપાવ્યું. એટલે મારા ફિલ્મોમાં કરેલા કામ વિશે મને ખ્યાલ છે એટલે મને તે પસંદ નથી. (૩૭.૬)
શ્યામ બેનેગલને ‘મંથન' બનવવા માટે ૫ લાખ ખેડૂતોએ ૨-૨ રૂપિયા આપ્યા હતા..!
ભારતીય સિનેમા પણ ખેડૂતોનું ઋણી છે તો તમે શું કહેશો? અમૂલ નામથી ભાગ્યે જ કોઈ ભારતીય અજાણ હશે. તેની વાર્તા હંમેશાથી પ્રેરણાદાયક રહી છે પરંતુ તેની પાછળ એક એવી વાર્તા છે જેના વિશે તમે કદાચ નહીં જાણતા હોવ. આ એક ઐતિહાસિક ફિલ્મ મંથન હતી. ૧૩ જાન્યુઆરી, ૧૯૭૦ ના રોજ દેશમાં ક્રાંતિની શરૂઆત થઈ જેને ‘ઓપરેશન ફ્લડ' અથવા ‘શ્વેત ક્રાંતિ' તરીકે ઓળખવામાં આવે છે. તેનાથી ભારતીય ડેરી ઉદ્યોગમાં નોંધપાત્ર પરિવર્તન આવ્યું અને લાખો ગ્રામીણ ડેરી ખેડુતોના જીવનને સમૃદ્ધ બનાવ્યું. આ ક્રાંતિની વચ્ચે એક નામ ‘અમૂલ' ઊભું થયું, જે સહકારી ડેરી છે. આજે તે ભારતની સૌથી મોટી દૂધ ઉત્પાદક કંપનીઓમાંની એક છે. આ સફળતામાં અમૂલનું યોગદાન શ્વેત ક્રાંતિના વિસ્તરણ માટે ઘણું મહત્વનું હતું. ૧૯૭૦દ્ગક્ર દાયકામાં રિલીઝ થયેલી મંથન ફિલ્મે લોકોને વિચારવા મજબૂર કર્યા હતા. આ ફિલ્મની કથા અમૂલ અને ખેડૂતોના દાનથી બનેલી શ્વેત ક્રાંતિની હતી. એ સમયના જાણીતા ફિલ્મ દિગ્દર્શક શ્યામ બેનેગલે આ ફિલ્મ માટે ૫ લાખ ખેડૂતો પાસેથી દાન એકત્ર કર્યું હતું. આ ફિલ્મમાં સ્મિતા પાટિલ, ગિરીશ કર્નાડ, નસીરુદ્દીન શાહ અને અમરીશ પુરીએ અભિનય કર્યો હતો. આ ફિલ્મ અમૂલના સ્થાપક તરીકે જાણીતા ડો.વર્ગીસ કુરિયને સહ-લેખન કર્યું હતું.
મંથનની ક્રિએશન સ્ટોરી ખૂબ જ રસપ્રદ છે. સ્વાતંત્ર્ય સેનાની રહેલા ત્રિભુવનદાસ પટેલે આઝાદી બાદ ગુજરાતના ખેડામાં ખેડૂતો સાથે કામ કરવાનું શરૂ કર્યું હતું. ૧૯૪૯માં અમેરિકાથી પરત ફરેલા ડો.વર્ગીસ કુરિયન પણ ત્રિભુવનદાસ સાથે જોડાયા હતા. ડો. કુરિયનના નેતૃત્વમાં આ સહકારી મંડળી એશિયાની સૌથી મોટી ડેરી બની હતી જેને આજે આપણે અમૂલના નામે ઓળખીએ છીએ. શ્યામ બેનેગલ ડો. કુરિયનને મળ્યા હતા અને કુરિયન ઇચ્છતા હતા કે શ્વેત ક્રાંતિની સમગ્ર કથા ઇતિહાસમાં નોંધવામાં આવે. શરૂઆતમાં શ્યામ બેનેગલ એના પર એક ડોક્યુમેન્ટરી બનાવવાનું પ્લાનિંગ કરી રહ્યા હતા પરંતુ પછીથી એને ફીચર ફિલ્મ તરીકે બનાવવાનો નિર્ણય કર્યો હતો. આ રીતે મનોમંથનની રચનાની શરૂઆત થઈ. શ્યામ બેનેગલે એક ઇન્ટરવ્યુમાં ખુલાસો કર્યો હતો કે ફિલ્મ બનાવવાનો વિચાર હતો પરંતુ પૈસા ક્યાંથી આવશે તે એક મોટો સવાલ હતો. ડો. કુરિયને તેનો ઉકેલ લાવી દીધો. તેમણે ખેડૂતોને વિનંતી કરી હતી કે તેઓ પોતાનું દૂધ દિવસના ૬ રૂપિયામાં વેચે અને ફિલ્મનું બજેટ ૨ રૂપિયાથી તૈયાર કરવામાં આવ્યું. આમ તો ફિલ્મનું બજેટ તૈયાર થઇ ગયું હતું અને તે બની ગયું હતું. આ ફિલ્મ બનાવ્યા બાદ મંથનને ૧૯૭૬જ્રાક્રત્ન નેશનલ ફિલ્મ એવોર્ડ પણ મળ્યો હતો.
- પ્રશાંત બક્ષી
વીર હનુમંત ટાઉનશીપમાં સસ્તા અનાજની દુકાન શરૂ કરાશે : કણકોટ રોડ ઓરબીટ ગાર્ડીયન, કોસ્મો કોમ્પ.ની બાજુમાં આવેલ વીર હનુમંત ટાઉનશીપના કવાર્ટરધારકોને આવશ્યક ચીજ વસ્તુઓની ખરીદી માટે દુર સુધી જવુ પડતુ હોય આ બાબતે કોર્પોરેટર લીલુબેન જાદવના માર્ગદર્શન હેઠળ માં અંજની પુત્ર સ્વ-સહાય જુથ (સખી મંડળ)ની રચના કરી ગ્રાહક સહકારી ભંડાર (વ્યાજબી ભાવની દુકાન) શરૂ કરવા મંજુરી મળેલ છે. ટુંક સમયમાં આ સસ્તા અનાજની દુકાન શરૂ કરાશે. આ માટે ધારાસભ્ય રમેશભાઇ ટીલાળા, હાઉસીંગ ચેરમેન નિતિનભાઇ રામાણી, ધારાસભ્ય અને કેબીનેટ મંત્રી ભાનુબેન બાબરીયા વગેરેનો પણ સહયોગ મળ્યો હતો. તેમ જયોતિ માઢક, રૂકશાના સુમરા, જયોત્સનાબા ચાવડા, મંજુબેન ભુંડીયા, રેખાબને વ્યાસ, રેખાબેન ડાંગરની સંયુકત યાદીમાં જણાવાયુ છે.
(2:50 PM IST)










