News of Thursday, 26th December 2024
મનપાના કોમ્યુનિટી હોલ હજુ બે-ત્રણ માસ નહીં ખુલે
લગ્ન સીઝનમાં મધ્યમ વર્ગ પરીવારો રઝળશે : સેન્ટ્રલ અને વેસ્ટ ઝોન વિસ્તારના ૧૯ હોલ ફાયર કામગીરીના કારણે બંધ કરાયા છેઃ પાણી ટાંકાનું કામ બાકીઃ ઇસ્ટ ઝોનના કોમ્યુનિટી હોલ માટે ટેન્ડર પ્રક્રિયાની કાર્યવાહી

રાજકોટ તા.૨૬: શહેરના મધ્યમવર્ગીય પરિવારો પોતાના અલગ અલગ પ્રકારોના પ્રસંગો માટે મહાનગરપાલિકાના લગ્નહોલ તેમજ કોમ્યુનિટી હોલને પ્રાધાન્ય આપતા હોય છે. વ્યાજબીભાડાથી તમામ પ્રકારની સુવિધાઓ ધરાવતા મહાનગરપાલિકાના લગ્નહોલના બુકીંગ માટે લગ્નની સીઝન દરમિયાન પડાપડી થતી હોય છે. પરંતુ ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ બાદ ફાયર સેફ્ટી મુદ્દે મનપાના તમામ ૧૯ લગ્નહોલને તાળા લાગી જતાં છેલ્લા ૬ માસથી પરિવારો હેરાન થઈ રહ્યા હતાં. ત્યારે હવે સેન્ટ્રલઝોન અને વેસ્ટઝોનમાં આવેલા તમામ લગ્ન હોલમાં ફાયર ઈન્સ્ટોલેશનની કામગીરી પૂર્ણ ન થતા આગામી બે-ત્રણ મહિના લગ્નહોલ ખુલવાની શકયતા હોય ત્યારે ૧૪ જાન્યુઆરી કમુરતા ઉતરતા લગ્ન સીઝનમાં મધ્યમવર્ગ લાભ નહિ લઇ શકે.
મહાનગરપાલિકાની એસ્ટેટ વિભાગના સુત્રોમાંથી પ્રાપ્ત થયેલ વિગત મુજબ ટીઆરપી અગ્નિકાંડ બાદ ફાયર સેફ્ટી મુદ્દે મહાનગરપાલિકાના મોટાભાગના લગ્નહોલ પ્રસંગો માટે બંધકરવામાં આવ્યા હતાં. અમુક લગ્નહોલમાં જૂનું બાંધકામ હોય સુધારા-વધારા કરવાના થતાં હોવાથી તેમજ ફાયર સેફ્ટીના નિયમ મુજબના સાધનોની ઈન્સ્ટોલેશન કરવાનું હોય તમામ હોલને સીલ કરી દેવામાં આવેલ ત્યાર બાદ સેન્ટ્રલ-વેસ્ટ અને ઈસ્ટઝોનના લગ્નહોલમાં ફાયર સેફ્ટીના સાધનોના ઈન્સ્ટોલેશન માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાયેલ જેમાં વધુ સમય પસાર થઈ ગયો હતો. અને ટેન્ડર મુજબ કામ આપ્યા બાદ ફાયરના સાધનો ઈન્સ્ટોલેશન કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. છતાં દિવાળી બાદ આવતા લગ્નગાળાનો લાભ શહેરીજનોને મળી શકયો ન હતો આથી હવે વેસ્ટઝોન અને સેન્ટ્રલઝોનમાં આવતા તમામ લગ્નહોલમાં ફાયર સાધનો ઈન્સ્ટોલેશનની કામગીરી બે-ત્રણ મહિના બાદ પૂર્ણ થશે. ફાયર એનઓસી માટે ફાયર વિભાગને સુચના આપી ઝડપથી ફાયર એનઓસી મેળવી બુંકીંગની કામગીરી શરૂ કરવામાં આવશે. મનપાના ૧૯ લગ્નહોલ ફાયર સેફ્ટીના સાધનો ન હોવાથી છેલ્લા છ માસથી સીલ કરવામાં આવ્યા છે.
જયારે ઈસ્ટઝોનમાં આવેલા તમામ લગ્નહોલ કયારે ખુલશે તે કહેવું અસંભવ રહ્યું છે. કારણ કે, ત્રણેયઝોનના ફાયર સાધનો માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવે જે પૈકી વેસ્ટ અને સેન્ટ્રલઝોનના ટેન્ડરો મંજુર કરી ઈન્સ્ટોલેશનનીકામગીરી પણ પૂર્ણ કરવામાં આવી રહી છે. પરંતુ ઈસ્ટઝોનમાં રિટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ હોય ટેન્ડર ભરાયા બાદ સ્ટેન્ડીંગની મંજુરી અને વર્કઓર્ડર સહિતની કાર્યવાહી બાકી છે. ત્યારે આ વિસ્તારના હોલનો લાભ કયારે મળશે તે નક્કી નથી.(
(3:03 PM IST)










