તા. ૬ ઓક્ટોબર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા વદ – ૧૧ મંગળવાર
News of Thursday, 26th December 2024
પેડક રોડ પરની લાખેશ્વર સોસાયટીમાં ચક્કર આવતાં પહેલા માળેથી પટકાતાં ઋત્વીબેન ઢોલરીયાનું મોત
માધાપર માવતર ધરાવતી યુવતિના પોણા બે વર્ષ પહેલા જ લગ્ન થયા હતાં: પરિવારમાં કલ્પાંત

રાજકોટ તા. ૨૬: સામા કાંઠે લાખેશ્વર સોસાયટીમાં પરિણીતા ઘરની બાલ્કનીમાં ઉભી હતી ત્યારે ચક્કર આવતાં નીચે પટકાતાં ગંભીર ઇજા થતાં મોત નિપજ્યું હતું. માધાપરમાં માવતર ધરાવતી આ યુવતિના પોણા બે વર્ષ પહેલા જ લગ્ન થયા હતાં. જાણવા મળ્યા મુજબ પેડક રોડ પર લાખેશ્વર સોસાયટીમાં રહેતી ઋત્વીબેન આશિષભાઇ ઢોલરીયા (ઉ.વ.૨૬) નામની પરિણીતા સાંજે સાડા છએક વાગ્યે પોતાના ઘરના પહેલા માળે બાલ્કનીમાં હતી ત્યારે એકાએક નીચે પડી જતાં ગંભીર ઇજા થતાં બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. પરંતુ અહિ ટુંકી સારવારને અંતે મૃત્યુ થતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો.
હોસ્પિટલ પોલીસ ચોકીના એએસઆઇ રામશીભાઇ વરૂ, તોૈફિકભાઇ જુણાચ, ભાવેશભાઇ મકવાણા, ધર્મેન્દ્રભાઇ હુદડે બી-ડિવીઝન પોલીસને જાણ કરતાં પીએસઆઇ ડી. બી. ગાધેએ હોસ્પિટલે પહોંચી તેમજ ઘટના સ્થળે જઇ જરૂરી કાર્યવાહી કરી હતી. મૃત્યુ પામનાર ઋત્વીબેનના માવતર માધાપર રહે છે. તેમના પિતાનું નામ રાજશેભાઇ જીવરાજભાઇ મોલીયા છે, તેઓ ખેતી કરી ગુજરાન ચલાવે છે. મૃતકના ભાઇએ જણાવ્યું હતું કે અમે બે ભાઇ-બહેનમાં બહેન મારાથી મોટા હતાં. તેમના લગ્ન પોણા બે વર્ષ પહેલા થયા હતાં. બનેવી આશિષભાઇ ધીરૂભાઇ ઢોલરીયા ટ્રાનસપોર્ટર છે અને ગ્રીનલેન્ડ ચોકડીએ તેમની ઓફિસ છે. મારા બહેને ગઇકાલે કેન્સર વિરોધી રસી લીધી હોઇ તબિયત બગડી હતી અને પગમાં સોજા આવી ગયા હતાં. એ દરમિયાન સાંજે તેણી બાલ્કનીમાં ઉભા હતાં ત્યારે ચક્કર આવી જતાં અકસ્માતે પડી જતાં ગંભીર ઇજા થવાથી મૃત્યુ થયું હતું. તેમ મૃતકના ભાઇએ વધુમાં જણાવ્યું હતું. બનાવને પગલે ઢોલરીયા અને મોલીયા પરિવારમાં ગમગીની વ્યાપી ગઇ હતી.
(3:07 PM IST)










