તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Saturday, 28th December 2024
ગૌસેવા લાડવા ગૃપ દ્વારા કાલે મહારકતદાન કેમ્પ
સિવીલ હોસ્પિટલના લાભાર્થે નવાગામ આણંદપર ગ્રામ પંચાયત ખાતે આયોજન : સંસ્થા દ્વારા ગૌશાળાઓમાં લાડુ-રોટલી, એકલા રહેતા વડિલોને અપાતું રાશનકીટ

રાજકોટઃ સેવાકીય પ્રવૃતિ કરતી સંસ્થા ગૌસેવા લાડવા ગૃપ દ્વારા આવતીકાલે તા.ર૯ના રવિવારે છઠ્ઠા મહારકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે.
નવાગામ આણંદપર ગ્રામ પંચાયત ઓફીસ નવાગામ ખાતે કાલે સવારે ૯ થી ૧રઃ૩૦ સુધી આયોજીત આ મહારકતદાન કેમ્પમાં એકત્ર થયેલ રકત સિવીલ હોસ્પિટલના થેલેસેમીયા અને જરૂરીયાતમંદ દર્દીઓને આપવામાં આવશે.
સંસ્થાના અશોકભાઇ સેજપાલ મો.૯૯૦૪ર ર૮૩પ૧ના જણાવ્યા મુજબ અમારા આ ગૃપમાં ૧૦૦ જેટલા પરીવારો જોડાયેલા છે. સૌ નિઃસ્વાર્થ ભાવે છેલ્લા ૭ વર્ષથી સેવાયજ્ઞ કરી રહયાં છે. રાજકોટ શહેર તથા તેની આજુબાજુના ૧૦૦ કી.મી.ના વિસ્તારમાં આવેલી લગભગ બધીજ જરૂરીયાતમંદ ગૌશાળામાં દર શનીવારે તથા દર એકાદશીના દિવસે જુદી-જુદી ગૌશાળામાં લગભગ ૪૦૦ થી પ૦૦ કીલો જેટલા લાડુ તથા રોટલીનો ભોજન પ્રસાદ ગૌ-માતાને શ્રધ્ધા પુર્વક કરાવવામાં આવે છે, તે ઉપરાંત દર ભાદરવા મહીનાના શ્રાધ્ય પક્ષના ૧૬ દિવસ સુધી સતત આ રીતે જુદી-જુદી ગૌશાળામાં ગૌ-માતાને ભેરપેટ ભોજન તેમજ દરેક સિઝન પ્રમાણે શાકભાજી તથા ફળફળાદીનો મનોરથ કરાવવામાં આવે છે જેમકે શિયાળામાં લીલોતરી શાકભાજી તો ઉનાળામાં તરબુચ તો ચોમાસામાં લીલી મકાઇના તાજા ડોડા તથા ખોળનો પ્રસાદ ગૌ-માતાને ભરપેટ ખવડાવીને આ મનોરથ કરવામાં આવે છે.
જયારે લમ્પી વાયરસ ફેલાયો અને ખાસ પાલતુ પશુ-પક્ષીમાં અને ગાયોમાં ભય ફેલાયો ત્યારે લાડુ અને રોટલીમાં ૧૬ જેટલી આયુર્વેદીક ઓૈષધી ભેળવીને એ લાડુ-રોટલી ગૌમાતાને ખવડાવીને તેને રોગમુકત રાખવાનું મહાપુણ્યદાયી કાર્ય કર્યુ હતું.
આ સિવાય સિવીલના થેલેસેમીયા ગ્રસ્ત બાળકોના લાભાર્થે અવાર-નવાર રકતદાન કેમ્પનું પણ આયોજન કરવાનમાં આવતું હોવાનું જણાવાયું છે.
તસ્વીરમાં ગૌસેવા લાડવા ગૃપના સર્વશ્રી અશોકભાઇ વસંતલાલ સેજપાલ, પરેશભાઇ નવલકિશોર માણેક, વિરેન્દ્રભાઇ અમૃતલાલ દેવાણી, ચેતનભાઇ ઇશ્વરલાલ ગાંધી, ચેતનભાઇ કાંતીલાલ સવાણી, રાજુભાઇ વસાણી, અંકીતભાઇ રૂપારેલીયા, ચિંતનભાઇ ગોટેચા, લાલજીભાઇ સોલંકી (સરપંચ, નવાગામ), અશોકભાઇ વાટીયા, ભાવેશભાઇ ઠકરાર, જગદીશભાઇ પટેલ નજરે પડે છે.
(10:26 AM IST)










