તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Saturday, 28th December 2024
તાલાલાના ધુશીયામાં હિરજીભાઇને ખુંટીયાએ ખુંદી નાંખ્યાઃ રાજકોટમાં ખીમજીભાઇને ગાયએ ઉલાળ્યા
બંનેને ઇજાઓ થતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા

રાજકોટ તા. ૨૮: રસ્તા પર ઢોરની ઢીંકે ચડી જતાં અનેક લોકો ઘાયલ થતાં હોય છે. અમુક બનાવમાં જે તે વ્યક્તિનું મોત પણ થતું હોય છે. બે અલગ અલગ બનાવમાં એક પ્રોૈઢને ખુંટીયાએ બાઇક સહિત ઉલાળી દીધા હતાં તો બીજા બનાવમાં એક વૃધ્ધને ગાયએ ઢીંક મારી ઘાયલ કરી દીધા હતાં.
તાલાલાના ધુશીયા ગીર ગામે રહેતાં હીરજીભાઇ દામજીભાઇ ડાભી (ઉ.વ.૫૫) બાઇક હંકારીને જતાં હતાં ત્યારે ખુંટીયાએ બાઇક સહિત પછાડી દઇ ઢીંક મારી દેતાં ગંભીર ઇજા થતાં તાલાલા, જુનાગઢ સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. તેમને સંતાનમાં બે પુત્ર છે. પોતે મગફળી, અનાજનો વેપાર કરે છે. બીજા બનાવમાં રાજકોટના ગંજીવાડા-૩૧માં રહેતાં ખીમજીભાઇ ટપુભાઇ ચાવડા (ઉ.વ.૭૯) ઘર નજીક હનુમાનજીના મંદિરે દર્શન કરી ઘરે જતાં હતાં ત્યારે બે ગાયો બાખડતી હોઇ ખીમજીભાઇને ઢીંકે ચડાવી દેતાં ઇજાઓ થતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, તોૈફિકભાઇ, ભાવેશભાઇ, ધર્મેન્દ્રભાઇએ તાલાલા અને થોરાળા પોલીસને જાણ કરી હતી.
(11:09 AM IST)










