તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Saturday, 28th December 2024
ત્રંબામાં દવાખાનુ ધમધમાવતો નકલી ડોક્ટર ઝબ્બે
બી.કોમનું ભણતર કમ્પાઉન્ડરનો અનુભવ હતો...એક વર્ષથી કરતો હતો લોકોના આરોગ્ય સાથે ચેડા આજીડેમ પીઆઇ એ. બી. જાડેજા, પીએસઆઇ જે. જી. રાણા, એએસઆઇ હારૂનભાઇ ચાનીયા, રવિભાઇ વાંકની ટીમની કામગીરીઃ કોન્સ. દેવાભાઇ ધરજીયા અને સંજયરાજ બારોટની બાતમીઃ બાટલા ચડાવી, ઇન્જેક્શન પણ આપી દેતો'તો અહિ દવાખાનુ ચાલતું હતું: તસ્વીર ત્રંબાથી જી. એન. જાદવે મોકલી હતી

રાજકોટ તા. ૨૮: શહેર પોલીસ અવાર-નવાર નકલી ડોક્ટરોને પકડી કાયદાના પાઠ ભણાવતી રહે છે. વધુ એક વખત એક નકલી ડોક્ટર ઝપટમાં આવ્યો છે. રાજકોટ નજીકના ત્રંબા ગામે ક્લીનીક ખોલીને બેસી ગયેલો નકલી ડોક્ટર આજીડેમ પોલીસના હાથે પકડાયો છે. કમ્પાઉન્ડરનો અનુભવ ધરાવતો આ શખ્સ બી.કોમ સુધી ભણેલો છે. તે એકાદ વર્ષથી દવાખાનુ ધમધમાવતો હોવાની પ્રાથમિક વિગતો ખુલી હતી.
જાણવા મળ્યા મુજબ આજીડેમ પોલીસની ટીમ લોકોના આરોગ્ય સાથે ચેડા કરતાં હોય તેવા નકલી ડોક્ટરોને શોધી કાઢવાની ઝુંબેશ અંતર્ગત પેટ્રોલીંગમાં હતી ત્યારે કોન્સ. દેવાભાઇ ધરજીયા અને સંજયરાજ બારોટને બાતમી મળી હતી કે ત્રંબામાં રામજી મંદિર પાસે એક બોર્ડ વગરનું દવાખાનુ ચાલે છે અને તેમાં બેસતો ડોક્ટર નકલી છે. આ માહિતીને આધારે દરોડો પાડવામાં આવતાં અંદર ખુરશી પરે ગળામાં સ્ટેથોસ્કોપ સાથે એક શખ્સ બેઠો હોઇ તેને પોલીસે પોતાની ઓળખ આપી મેડીકલ ડીગ્રી કે બીજી કોઇ માન્ય ડીગ્રી બતાવવાનું કહેતાં પોતાની પાસે કોઇ ડીગ્રી નહિ હોવાનું અને પોતે અગાઉ કમ્પાઉન્ડર તરીકે કામ કરતો હોઇ તેનો અુભવ હોઇ તેના આધારે આ દવાખાનુ ખોલીને બેસી ગયાનું કબુલ્યું હતું.
પુછતાછમાં તેણે પોતાનું નામ જીગર વલ્લભભાઇ મોલીયા (ઉ.વ.૪૧-રહે. કોઠારીયા કોલોની, સોરઠીયાવાડી સર્કલ્ પાસે રાજકોટ, મુળ ગામ મહિકા તા. રાજકોટ) જણાવ્યું હતું. તેની સામે બીએનએસ ૩૧૯ તથા મેડીકલ પ્રેકટીશનર એક્ટ હેઠળ ગુનો નોંધી દવાખાનામાંથી એલોપેથીક દવાઓ, ઇન્જેક્શન, બાટલા સહિતના સાધનો અને રોકડ મળી રૂા. ૧૨,૬૨૦નો મુદ્દામાલ કબ્જે કરી ધરપકડ કરી હતી. પ્રાથમિક પુછતાછમાં તેણે પોતે બી. કોમ સુધી ભણેલો હોવાનું કહ્યું હતું. જીગર દર્દી મુજબ ફી વસુલ કરતો હતો. સામાન્ય તાવ શરદી કડતરની દવા કોઇ લેવા આવે તો ચાલીસથી પચાસ રૂપિયા વસુલતો હતો અને કોઇને ઇન્જેકશન કે બાટલાની જરૂર પડે તે મુજબ ફી વસુલી લેતો હતો. એકાદ વર્ષથી તે લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા હોવાની વિગતો ખુલી હતી.
પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્દ્ર બગડીયા, ડીસીપી જગદીશ બાંગરવા, એસીપી બી. વી. જાધવની સુચના અંતર્ગત પીઆઇ એ. બી. જાડેજા, પીએસઆઇ જે. જી. રાણા, એએસઆઇ હારૂનભાઇ ચાનીયા, રવિભાઇ વાંક, હેડકોન્સ. પિયુષભાઇ ચીરોડીયા, દીગપાલસિંહ જાડેજા, કોન્સ. પ્રદિપસિંહ ગોહિલ, વિરેન્દ્રસિંહ જાડેજા, ગોપાલભાઇ બોળીયા, મહેશભાઇ કોઠીવાળ, જગદીશસિંહ પરમાર, હરપાલસિંહ જાડેજા, દેવાભાઇ ધરજીયા, સંજયરાજ બારોટ અને વિશ્વરાજસિંહ પરમારે આ કામગીરી કરી હતી.
(1:19 PM IST)










