News of Saturday, 28th December 2024
હોસ્પિટલોમાં ગેરરીતિ સામે આકરા પગલા, દર્દીઓને સમયસર સારી સારવાર અપાવવા સરકાર કટીબદ્ધ : ઋષિકેશ પટેલ
આરોગ્ય મંત્રી રાજકોટમાં : અકિલા સાથે વાતચીત : આરોગ્ય સેવાની સમીક્ષા આયુષ્યમાન કાર્ડ હેઠળ ઇમરજન્સી સારવાર માટે અગ્રતાના ધોરણે મંજુરી

રાજકોટ તા. ૨૮: ગુજરાતના આરોગ્ય અને પરિવાર કલ્યાણ, ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ, કાયદો અને ન્યાયતંત્ર વગેરે વિભાગોના મંત્રી શ્રી ઋષિકેશ પટેલ સોૈરાષ્ટ્રના પ્રવાસે છે આજે સવારે તેમણે જૂનાગઢ સિવિલ હોસ્પિટલની મુલાકાત લઇ દર્દીઓની સારવાર, સુવિધા વગેરે બાબતે માહિતી મેળવી હતી જૂનાગઢથી બપોર બાદ રાજકોટમાં સિવિલ હોસ્પિટલની મુલાકાત અને આરોગ્ય સેવા વિષયક સમીક્ષા કરવાનું આયોજન છે. તેમણે લોકોને શ્રેષ્ઠ આરોગ્ય સેવા પૂરી પાડવા સરકારી તબીબો અને અધિકારીઓને સૂચના આપી છે. ખ્યાતિ હોસ્પિટલના બહુચર્ચિત પ્રકરણ પછી સરકારે સરકારી યોજનામાં ગેરરીતિ કરતી હોસ્પિટલો સામે આક્રમક વલણ અપનાવ્યું છે.
મંત્રી શ્રી ઋષિકેશ પટેલએ અકિલા સાથેની વાતચીતમાં જણાવેલ કે પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના હેઠળ જયાં નિયમ ભંગ જણાયો ત્યાં કાયદાકીય કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. તપાસનીસ અધિકારીઓને જવાબદારો સામે કોઇની શરમ રાખ્યા વગર પગલા ભરવા સૂચના આપી છે. ગેરરીતિ કરતી હોસ્પિટલો સામે પગલા ભરવામાં સરકાર કોઇ કચાશ રાખવા માંગતી નથી. સરકારે નવી એસ.ઓ.પી. જાહેર કરી દીધી છે. આયુષ્યમાન કાર્ડ યોજના હેઠળ માન્ય હોસ્પિટલોની કામગીરીની સમયાંતરે તપાસ થતી રહેશે.
આરોગ્ય મંત્રીએ જણાવેલ કે આયુષ્યમાન કાર્ડવાળા દર્દીઓને સારવારની મંજુરી આપતા પુર્વે હોસ્ટિલ દ્વારા સરકારમાં રજુ કરવામાં આવેલ માહિતીની પુરતી ચકાસણી થઇ રહી છે. તેના કારણે કયારેક મંજુરીમાં વિલંબ થઇ શકે છે. હૃદયરોગ જેવા તાત્કાલિક સારવારની જરૂરીયાતવાળા કિસ્સાઓમાં અગ્રતાક્રમે મંજુરી આપવામાં આવે છે. સરકાર આરોગ્ય સેવામાં કોઇ ગેરરીતિ ચલાવવા માંગતી નથી. દર્દીઓને સમયસર સારી સારવાર મળી રહે તેવો નિર્ધાર છે.
શ્રી ઋષિકેશ પટેલએ રાજયના આગામી બજેટમાં આરોગ્ય ક્ષેત્રની આકર્ષક યોજનાઓ આવી રહ્યાનો નિર્દેષ કર્યો હતો.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ટુંક સમયમાં કુલપતિની નિમણૂક
રાજકોટ : રાજયના આરોગ્ય અને ઉચચ શિક્ષણમંત્રીશ્રી ઋષિકેશ પટેલએ આજે અકિલા સાથેની વાતચીતમાં એક પ્રશ્નના જવાબમાં જણાવેલ કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ટુંક સમયમાં નવા કુલપતિની નિમણૂક થઇ જશે.
(3:51 PM IST)










