તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Saturday, 28th December 2024
આરોગ્ય મંત્રી સિવિલ હોસ્પિટલની મુલાકાતેઃ ઇમર્જન્સીમાં દર્દીઓની પૃછા કરીઃ વિવીધ પ્રોજેક્ટ સંદર્ભે બેઠક યોજી
કલેક્ટર, ધારાસભ્ય, મેયર, જીલ્લા આરોગ્ય અધિકારીઓ, તબિબી અધિક્ષક, ડીન સહિતની ઉપસ્થિતી

રાજકોટ તા. ૨૮: રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટલે આજથી ત્રણ દિવસ સુધી સૌરાષ્ટ્ર પ્રવાસે નીકળ્યા હોઇ આજે તેઓ રાજકોટ આવી પહોંચ્યા હતા. બપોર બાદ તેમણે પીડીયુ સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચી અધિકારીઓ સાથે બેઠક યોજી હતી અને બાદમાં સીધા ઇમર્જન્સી વોર્ડમાં પહોંચ્યા હતા. અહિ દર્દીઓ સાથે સારવાર સહિતના પ્રશ્નો અંગે ગોષ્ઠી કરી વિગતો મેળવી હતી. તેમજ તબિબી અને નર્સિંગ સ્ટાફ સાથે પણ ચર્ચા કરી હતી. આ ત્રિદિવસીય પ્રવાસમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ પહેલા ભાવનગર ગયા હતાં. આજે જૂનાગઢ થઇ રાજકોટ પહોંચ્યા હતાં. અહિથી તેઓ જામનગર જિલ્લાની મુલાકાતે જવાના છે.
રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે બપોર બાદ પહોંચીને તબિબી અધિક્ષક, ડીન, તમામ વિભાગના વડાઓ સાથે ચર્ચા કરી હતી. કલેક્ટર, જીલ્લા આરોગ્ય અધિકારીઓ પણ આ મુલાકાતમાં સામેલ રહ્યા હતાં. આરોગ્ય મંત્રી સીધા ઇમર્જન્સી વોર્ડમાં પહોંચ્યા હતાં. બાદમાં સિવિલના પ્રોજેક્ટનો મેડિકલ કોલેજના સત્તાધીશો અને હેલ્થ ઓફિસરો સાથે બેસીને રીવ્યુ લીધો હતો.
આરોગ્ય મંત્રીએ અગાઉ ભાવનગર હોસ્પિટલમાં ચાલી રહેલ સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલના નિર્માણ કાર્યના વિવિધ પ્રોજેક્ટની સમીક્ષા કરી હતી. બાદમાં આજે જૂનાગઢ અને રાજકોટ હોસ્પિટલમાં ચાલી રહેલા વિવિધ પ્રોજેક્ટ, સ્થાનિક સમસ્યાઓ, ધારાસભ્યો, પદાધિકારીઓ, વિવિધ નાગરિકો તરફથી મળતી રજૂઆત અને ફરિયાદ સંબંધિત બેઠક કરીને વિગતવાર આ મુદ્દાઓ પર ચર્ચા અને સમીક્ષા કરવાની બેઠકમાં સામેલ થયા હતાં. તબિબી અધિક્ષક ડો. મોનાલી માકડીયા, ડે. તબિબી અધિક્ષક ડો. હેતલ કયાડા સહિતની ટીમે સિવિલ હોસ્પિટલના વિવિધ પ્રોજેક્ટ, સુવિધાની વિસ્તૃત છણાવટ કરી હતી.
આવતી કાલે તા.૨૯મીના રોજ રાજકોટ ખાતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં હાજરી આપ્યા બાદ જામનગર ખાતે આયોજિત ઉમિયા માતાજી મંદિર સિદસરના શતાબ્દી મહોત્સવ- ૨૦૨૪માં પણ તેઓ ઉપસ્થિત રહેશે.
(3:08 PM IST)










