તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Saturday, 28th December 2024
ગુજરાતી ફિલ્મ ‘વિકટર-૩૦૩' સપાટો બોલાવશે
ઢોલીવુડનો એકશન યુગમાં પ્રવેશઃ ડ્રામા-એકશનનો આહલાદક સંગમ માળીયા મિયાણાના મીઠાના અગરમાં સ્ટોરી સર્જાઇઃ પ્રેમીકાના દગાથી શરૂ થયેલી કથા રોમાંચક મોડમાં પહોંચીઃ ‘વિકટર-૩૦૩'ના કલાકારો ‘અકિલા'ની મુલાકાતે

‘અકિલા'ના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે વિકટર-૩૦૩ ફિમલના કલાકારો કેદાર ભાર્ગવ, અંજલી બારોટ, આલીશા પ્રજાપતી અને લેખક-દિગ્દર્શક સ્વપ્નિલ મહેતા નજરે પડે છે. (તસ્વીરઃ સંદીપ બથગરીયા) (૪.૩૦)
રાજકોટ, તા., ર૮ : ગુજરાતી ફિલ્મ જગતનો નવો યુગ શરૂ થઇ રહ્યો છે. આગામી તા. ૩ ના ‘વિકટર-૩૦૩' ફિલ્મ રીલીઝ થઇ રહી છે, જે એકશન-ડ્રામા યુગનો પ્રારંભ કરશે. આ ફિલ્મના કલાકારો તાજેતરમાં ‘અકિલા' ની મુલાકાતે આવ્યા હતાં.
ફિલ્મના કથા લેખક સ્વપ્નિલ મહેતાએ જણાવ્યું હતું કે, ગુજરાતી ફિલ્મના ઇતિહાસમાં માળીયા મિયાણાની કથા પ્રથમ વખત પડદા પર રજૂ થઇ રહી છે. મીઠાના અગરોમાં આ કથા ઉભરી છે અને વહી છે. અનાથ માણસને પ્રેમમાં પણ દગો મળે પછી જે ઘટનાક્રમ બને છે તે દર્શકોને ઝકડી રાખવા સક્ષમ છે.
વિકટર-૩૦૩ ફિલ્મના ૪૦ ઇંચના કટ આઉટસ ગુજરાતમાં વિવિધ સ્થાનો પર ગોઠવાયા છે. ગુજરાતી ફિલ્મ જગતમાં આ પ્રયોગ પણ પ્રથમ વખત થયો છે.
અનેક ફિલ્મોમાં સફળ અભિનય આપનાર જગજિતસિંહ વાઢેર આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં છે. જગજિત મુળ ભાવનગરના છે. તેઓ કહે છે કે, વિકટર-૩૦૩માં અભિનય કરવાનો રોમાંચ જોરદાર રહ્યો. એકશન-ડ્રામા ફિલ્મ દર્શકોને ઝકડી રાખે તેવી છે.
અભિનેત્રી અંજલી બારોટ પણ ફિલ્મકથામાં ચાવીરૂપ ભૂમિકા ભજવી રહ્યા છે. તેઓએ જણાવ્યું હતું કે, ગુજરાતી ફિલ્મો હવે દિશા બદલી રહી છે. મુખ્ય પ્રવાહો સાથે તાલ મીલાવવા વિકટર-૩૦૩ ફિલ્મ સક્ષમ છે. અંજલી બારોટ મુળ મુંબઇના છે.
વિકટર-૩૦૩ ના અભિનેત્રી આલીશા પ્રજાપતિ મુળ મહેસાણા પંથકના છે અનેક ગુજરાતી ફિલ્મો કરી ચુક્યા છે. તેઓએ જણાવ્યું હતું કે, વિકટર-૩૦૪ હટકે ગુજરાતી ફિલ્મ છે. સંવાદ-એકશન-ડ્રામા અને ફિલ્મનો માહોલ દર્શકોને મોજ કરાવે તેવો છે.
વિકટર-૩૦૩ ની રિલીઝ ડેટ-૩ જાન્યુઆરી-ર૦રપ છે.
રીસેટ એન્ટરટેઇનમેન્ટ લિમિટેડ દ્વારા નિર્મિત અને વિશાલ વડા વાળા દ્વારા પ્રસ્તુત રીવેન્જ ડ્રામા એકશન ફિલ્મ વિકટર-૩૦૩ દર્શકોને રોમાંચનો અનુભવ કરાવશે.
ફિલ્મના પ્રોડયુસર : રેખા માંગરોલિયા, કોમલ માંગરોલિયા, હેત્વી શાહ, વિશાલ વડાવાળા છે. લેખક અને દિર્ગદર્શન : સ્વપ્નિલ મહેતા એ કલ્પનાને સાકાર સ્વરૂપ આપ્યું છે. સંગીત-કેદાર-ભાર્ગવનું છે. જગજીતસિંહ વાઢેર, અંજલિ બારોટ, ચેતન ધનાણી, બિમલ ત્રિવેદી, નક્ષરાજ, અલીશા પ્રજાપતિ, કિશન ગઢવી, અને મયુર સોનેજી વગેરેએ અભિનય આપ્યો છે.
ફિલ્મની કથા પ્રમાણે માળિયા મિયાણાના અનાથાશ્રમમા઼ મોટા થયેલા વિકટરને પ્રેમમાં દગો મળતા તે પોતાની પ્રેમિકાનું લગ્ન બગાડી બદલો લે છે. અજાણતાં અને જોગાનુજોગ, લગ્નની રીતે આવેશમાં લીધેલા વિકટરના પગલા એક ધાતકી લડાઇનું કારણ બને છે અને તે સાથે જ, વિકટર માળિયા મિયાણા પર રાજ કરતા મીઠાં ઠેકેદારોનો દુશ્મન બની બેસે છે. પ્રેમિકાના દગાથી શરૂ થયેલી એક સામાન્ય ઘટના હત્યા, હિંસા, પ્રેમ અને ન્યાય માટે કરેલ સાહસ સુધી વિકટરને પહોંચાડે છે વિકટર ૩૦૩ ની વાર્તા, એક અનાથની પોતાની સાચી ઓળખ સુધી પહોંચવાની વાર્તા છે. વિકટર ૩૦૩ ની વાર્તા એક દટાયેલ ભૂતકાળ અને ભવ્ય વારસાની વાતો છે. આ વાર્તા, ફરજ અને જવાબદારીની વાર્તા છે.
સ્વપ્નિલ મહેશ એ અંતમાં જણાવ્યું હતું કે, ગુજરાતી દર્શકોને અમે અપીલ કરીએ છીએ કે આ ફિલ્મ માણવા અચુક જજો, પસંદ પડશે જ એનુ અમે વચન આપીએ છીએ.
(3:08 PM IST)










