તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Saturday, 28th December 2024
રાજયભરમાં સૌ પ્રથમ રાજકોટ પોલીસ દ્વારા ડીજીપી કપ ટેબલ ટેનીસ સ્પર્ધા યોજાઇ
પુરૂષ સીંગલ્સમાં સુરત રેન્જના જયરાજ રાઠોડ ચેમ્પીયન, પુરુષ વિભાગની ટીમ ચેમ્પીયનશીપ રાજકોટ શહેર પોલીસે જીતી : જયારે મહિલા વિભાગમાં ટીમ ચેમ્પીયનશીપ રાજકોટ રેન્જે મેળવી : પોલીસદળમાં શિસ્ત, શારીરીક ચુસ્તતા, ટીમ સ્પીરીટની : ભાવના પ્રબળ બને અને સ્ટ્રેસ ઘટે તે માટે વિવિધ રમતોત્સવ યોજાયા બાદ સૌ પ્રથમ ડીજીપી કપ ટેબલ ટેનીસ સ્પર્ધા યોજવાનું શ્રેય રાજકોટ પોલીસના ફાળે : શહેર પોલીસ કમિશ્નર બ્રજેશ ઝા

રાજકોટ, તા., ર૮: પોલીસ દળમાં શિસ્ત, શારીરીક ચુસ્તતા અને ટીમ સ્પીરીટની ભાવના પ્રબળ બને અને માનસીક તણાવ ઘટે તેવા ઉમદા હેતુ સાથે પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા અને એડીશ્નલ કમિશનર મહેન્દ્ર બગડીયા દ્વારા તાજેતરમાં પોલીસ હેડ કવાર્ટર ગ્રાઉન્ડ ખાતે રમતોત્સવનું આયોજન કરાયા બાદ રાજયભરમાં સૌ પ્રથમ વખત ડીજીપી કપ ટેબલ ટેનીસ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેનો આજે સમાપન સમારોહ યોજાયો હતો.
તા. ર૬ થી ર૮ ત્રણ દિવસ સુધી રાજકોટ રેલ્વે મજદુર સંઘ ટેબલ ટેનીસ હોલ, કોઠી કંમ્પાઉન્ડ ખાતે યોજાયેલી ડીજીપી કપ સ્પર્ધામાં રાજય પોલીસ દળના પુરૂષોની-૬ તથા મહિલાઓની-૪ ટીમોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં પુરૂષ વિભાગ સીંગલ્સનો ખિતાબ સુરત રેન્જના જયરાજસિંહ રાઠોડે જીત્યો હતો. જયારે સીંગલ્સમાં બીજુ સ્થાન રાજકોટ શહેર પોલીસના બાદલ દવે અને તૃતીય સ્થાન આર્મ્સ યુનીટના વિકાસ માખેજાએ મેળવ્યું હતું. જયારે મહિલા સીંગલ્સમાં ભાવનગર રેન્જના ઝીંકલ બેન રમેશભાઇ પ્રથમ ક્રમે, રાજકોટ રેન્જના આશાબેન મનોજભાઇ બીજા સ્થાને અને અમદાવાદના યોગીતાબેન હરીભાઇ તૃતીય સ્થાને વિજેતા રહયા હતા.
ડબલ્સ પુરૂષ વિભાગમાં રાજકોટ શહેરના અભિષેક તિવારી અને બાદલ દવેએ ચેમ્પીયનશીપ મેળવી હતી. બીજા સ્થાને વિકાસ માખેજા અને ભરતભાઇ જોષી (આર્મ્સ યુનીટ) રહયા હતા. ત્રીજા સ્થાને અમદાવાદ શહેરના વાય.એલ.જાડેજા અને હરદેવસિંહ રહયા હતા. મહિલા વિભાગ ડબલ્સમાં યોગીતાબેન ઉનાભાઇ અને યોગીતાબેન હરીભાઇ (અમદાવાદ શહેર) ચેમ્પીયન બન્યા હતા. રાજકોટ રેન્જના આશાબેન મનોજભાઇ અને જાનકીબા ડાયાભા બીજા ક્રમે, તેમજ રાજકોટ શહેરના કેયાબેન રાજેશભાઇ અને દીયાબેન વિપુલભાઇ તૃતીય ક્રમે વિજેતા રહયા હતા. આ હરીફાઇમાં ટીમ ઇવેન્ટ પુરૂષ વિભાગમાં રાજકોટ શહેર ચેમ્પીયન રહેલ. જયારે દ્વિતીય સ્થાને આર્મ્સ યુનીટ અને તૃતીય સ્થાને અમદાવાદ શહેર વિજેતા થયેલ. ટુર્નામેન્ટની કલોઝીંગ સેરેમનીમાં મુખ્ય મહેમાન તરીકે શહેર પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા ઉપસ્થિત રહયા હતા. અતિથી તરીકે અન્ય અધિકારીશ્રીઓ સર્વ શ્રી અધિક પોલીસ કમિશ્નર મહેન્દ્ર બગડીયા, નાયબ પોલીસ કમિશ્નર પુજા યાદવ, નાયબ પોલીસ કમિશ્નર જગદીશ બાંગરવા તેમજ તમામ એસીપીઓ અને પોલીસ ઇન્સ્પેકટર્સશ્રીઓ ઉપસ્થિત રહયા હતા.
ટુર્નામેન્ટમાં મહત્વનું યોગદાન આપવા બદલ રેલ્વે મજદુર સંઘના હિરેન મહેતા, ટેબલ ટેનીસ એશોસીએશનના મનીષ મહેતા અને ભુતપુર્વ સ્ટેટ કોચ કિરણ ભટ્ટને પોલીસ કમિશ્નર બ્રજેશ ઝા દ્વારા બિરદાવવામાં આવ્યા હતા.
(3:14 PM IST)










