તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Saturday, 28th December 2024
જીવલેણ અને ગંભીર અકસ્માતોમાં ૯.૩ ટકાનો ઘટાડોઃ ૩ લાખ જેટલા કેસો નોંધી વાહનચાલકો પાસેથી ૭ કરોડનો દંડ વસુલાયો
શહેર ટ્રાફિક પોલીસ દ્વારા વિતેલા વર્ષમાં વિવિધ સ્તરે થયેલી કામગીરીના લેખાજોખા રજૂ કરતાં ડીસીપી પૂજા યાદવ શહેરના માર્ગો પર અકસ્માતો ઘટાડવાના મુખ્ય ધ્યેય સાથે વર્ષ દરમિયાન ટ્રાફિક પોલીસ સક્રિય રહીઃ સોૈરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ટ્રાફિક અવેરનેસને વિષય તરીકે સામેલ કરાવવાની, અટલ સરોવર ખાતે ટ્રાફિક પાર્કનું નિર્માણની નોંધપાત્ર સિધ્ધી : જો કે ઠેકઠેકાણે ટ્રાફિક જામની સમસ્યાનો કાયમી નિવેડો લાવવામાં સફળતા નહિવત વર્ષ દરમિયાન અકસ્માતો નિવારવા ટ્રાફિક પોલીસે અલગ અલગ કામગીરી કરી હતી તેના દ્રશ્યો જોઇ શકાય છે

રાજકોટ તા. ૨૮: વર્ષ ૨૦૨૩ની સરખામણીએ શહેર ટ્રાફિક બ્રાંચ દ્વારા ૨૦૨૪ દરમિયાન રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન, આરટીઓ અને અન્ય સરકારી એજન્સીઓના સંકલનમાં રહી માર્ગ પરના અકસ્માતો ઘટાડવા રોડ એન્જીનિયરીંગ અંતર્ગત લેવાયેલા સુધારાત્મક પગલા, ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમો અને એન્ફોર્સમેન્ટની ત્રીસ્તરીય કામગીરીના પરિણામરૂપે જીવલેણ અકસ્માતોમાં ૯.૩ ટકાનો ઘટાડો નોંધાયાનું વર્ષભરની કામગીરીના લેખાઝોખા રજુ કરતાં ડીસીપી ટ્રાફિક પૂજા યાદવે જણાવ્યું હતું. આખા વર્ષ દરમિયાન ટ્રાફિક પોલીસે નિયમભંગના અલગ અલગ ૨,૯૮,૫૨૫ કેસોમાં કુલ રૂા. ૬,૯૮,૫૭,૮૦૦નો દંડ વસુલ કર્યો છે. જો કે શહેરમાં ઠેકઠેકાણે રોજબરોજ સર્જાતી ટ્રાફિકજામ સહિતની સમસ્યાઓનો કાયમી નિવેડો લાવી શકાયો નથી તેની પાછળ વાહનચાલકોની બેદરકારી પણ એટલી જ જવાબદાર ગણી શકાય.
ગયા વર્ષે ૧૫૧ ફેટલ એક્સીડન્ટ સર્જાયા હતાં જેમાં ૧૫નો ઘટાડો નોંધાયો છે. જ્યારે ગંભીર અકસ્માતોની સંખ્યા ૨૦૩ રહી હતી, જેમાં ૨૦૨૩ની સરખામણીએ ૧૬ અકસ્માત ઓછા નોંધાયા હતાં. જ્યારે સામાન્ય અકસ્માતોમાં પણ ૨૮નો ઘટાડો નોંધાયો હતો. આમ જુદા જુદા હેડ હેઠળના અકસ્માતના બનાવોમાં ૧૨.૭૧ ટકાનો ઘટાડો નોંધાયો હતો.
એન્ફોર્સમેન્ટ કામગીરી અંતર્ગત કાળા કાચવાળી ફિલ્મો હટાવવાના ૧૬૯૨૨ કેસ કરી ટ્રાફિક પોલીસ દ્વારા ૩૧,૭૭,૫૦૦નો દંડ વસુલવામાં આવ્યો હતો. ૨૦૨૩ની સાલ કરતાં કાળા કાચના ૩૨૧૬ કેસ વધુ નોંધવામાં આવ્યા હતાં. આ ઉપરાંત ચાલુ વાહને મોબાઇલ ફોન પર વાત કરવાના ૯૨૪૩ કેસ નોંધાયા હતાં. જેમાં ૨૨,૨૭,૦૦૦નો દંડ ફટકારવામાં આવ્યો હતો. લાયસન્સ વગરના ૩૦૮૫ કેસમાં ૨,૮૭,૫૦૦નો દંડ વસુલાયો હતો. આવા કેસો પણ ગત વર્ષની સરખામણીએ ૨૦૮૮ વધુ નોંધાયા હતાં. આ ઉપરાંત ત્રણ સવારીના ૪૭૪૯૧ કેસમાં ૫૦,૪૨,૮૦૦નો દંડ વસુલાયો હતો. ગત વર્ષની સરખામણીએ ૩ સવારીના ૨૦,૭૩૨ કેસ વધુ નોંધાયા હતાં!
આ ઉપરાંત હેલ્મેટ વગર ટુવ્હીલર ચલાવવાના ૧૮૬૩૦ કેસમાં ૩૭,૯૪,૦૦૦નો દંડ કરવામાં આવ્યો હતો. આવા કેસોની સંખ્યામાં ૭૬૦૭નો વધારો આ વર્ષે નોંધાયો છે. સીટ બેલ્ટ વગર ગાડી ચલાવવાના ૩૨૬૬૨ કેસ નોંધાયા હતાં. જે ગયા વર્ષની સરખામણીએ ૧૪૦૭૧ વધુ હતાં. આવા વાહન ચાલકો પાસેથી ૯૧,૭૩,૦૦૦નો દંડ સરકારી તિજોરીમાં જમા લેવાયો હતો. ટ્રાફિક નિયમન ભંગના અન્ય ગુનાઓમાં પરચુરણ કાગળો, નંબર પ્લેટ વગરના વાહનો અને કેસોમાં અનુક્રમે ૨૩૪૪૯, ૭૫૭૯ અને ૨૩૧૭૮ કેસો વધુ નોંધાયા છે. આમ કુલ ૧,૦૨,૯૦૨ કેસ ટ્રાફિક નિયમનના ભંગ બદલ નોંધવામાં આવ્યા હતાં અને કુલ દંડ રૂા. ૬,૯૮,૫૭,૮૦૦ વસુલવામાં આવ્યો હતો. તેવુ પૂજા યાદવે જણાવ્યું હતું.
આ ઉપરાંત ટ્રાફિક અવેરનેસ અંતર્ગત જુદી જુદી સ્કૂલો, કોલેજો અને કોમ્યુનિટી હોલમાં વર્ષ દરમિયાન ૯૫ કાર્યક્રમો યોજી ટ્રાફિક નિયમન વિશે સમજ આપવામાં આવી હતી. આવા કાર્યક્રમો પણ ગત વર્ષની સરખામણીએ ૧૯ વધુ યોજાયા હતાં. આ ઉપરાંત ટ્રાફિક ડ્રાઇવ, દબાણ હટાવ ડ્રાઇવ, આરટીઓ અને ખાણ ખનીજ વિભાગ સાથે સંયુક્ત ડ્રાઇવ, ક્ષમતા કરતાં વધુ મુસાફરોની અવર-જવર કરતાં વાહનો સામેની ડ્રાઇવ અને હોસ્પિટલ ઇમર્જન્સી સંદર્ભે ગ્રીનકોરીડોર બંદોબસ્તની પણ નોંધપાત્ર કામગીરી ટ્રાફિક પોલીસ દ્વારા કરવામાં આવી હતી.
તેમજ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે મળી જુદા જુદા રસ્તાઓ, સર્કલની રી-ડિઝાઇનીંગની કામગીરી થકી ટ્રાફિક સમસ્યા ઘટાડવાની કોશિષ કરવામાં આવી હતી. ફેટલ અકસ્માતોના કેસમાં ઘટના સ્થળની વિઝીટ કરી અકસ્માતો પાછળ શું કારણભુત બન્યું? તે અંગેની વૈજ્ઞાનિક ઢબે વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્દ્ર બગડીયાના માર્ગદર્શન હેઠળ ડીસીપી પૂજા યાદવની આગેવાનીમાં એસીપી જે. બી. ગઢવી અને ટ્રાફિક બ્રાંચના તમામ પોલીસ ઇન્સ્પેક્ટર, સબ ઇન્સ્પેક્ટરની વિશાળ ટીમોએ ઉપરોક્ત કામગીરી કરી હતી.
(3:46 PM IST)










