તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Saturday, 28th December 2024
રાજકોટ : GST બિલીંગ કૌભાંડમાં વધુ 4 લોકોની ધરપકડ: બોગસ બિલીંગ કરી સરકારને 61.38 લાખનો ચૂનો ચોપડ્યો
ગોંડલનો શખ્સ નકલી બિલ બનાવી આપતો:જૂનાગઢ, રાણાવાવ અને ગોંડલના શખ્સની ધરપકડ બાદ અત્યાર સુધીમાં કુલ 17 આરોપી પોલીસ સકંજામાં

રાજકોટમાંથી પકડાયેલ GST બિલીંગ કૌભાંડમાં એસઓજીએ વધુ 4 ની ધરપકડ કરી છે.જૂનાગઢ,રાણાવાવ અને ગોંડલના શખ્સની ધરપકડ બાદ આ પ્રકરણમાં કુલ આંક 17 થયો છે. રાજકોટ પોલીસે અલગ અલગ 15 પેઢી સામે ગુનો દાખલ કરી આ કૌભાંડમાં સંડોવાયેલા શખ્સોની ધરપકડનો દૌર શરુ કર્યો હતો. જેમાં પત્રકાર મહેશ લાંગાની પણ સંડોવણી ખુલી હતી.
ભગવતીપરામાં પરમાર એન્ટરપ્રાઈઝ નામની પેઢી ખોલીને બનાવટી ભાડા કરાર કરીને આ પેઢીના સંચાલકે રાજકોટ, સૌરાષ્ટ્ર અને ગુજરાતની અલગ અલગ 15 પેઢી સાથે બોગસ બિલીંગ કરીને સરકારને રૂ. 61.38 લાખનો ચૂનો ચોપડી દીધો હતો. આ મામલે રાજકોટ GST વિભાગના અધિકારીએ કરેલી ફરિયાદના આધારે આર્થિક ગુના નિવારણ શાખા ઇન્ચાર્જ અને SOGના પી.આઈ એસ.એમ.જાડેજાની ટીમે તપાસ કરી પરમાર એન્ટરપ્રાઈઝ નામની પેઢીના સંચાલક સહિતના તમામ સામે કાર્યવાહી કરી હતી.
પ્રાથમિક તપાસમાં આ કૌભાંડમાં ગુજરાતભરની આવી અનેક બોગસ પેઢીના નામ બહાર આવ્યા હતા. રાજકોટ ક્રાઈમ બ્રાંચના આર્થિક ગુના નિવારણ સેલ વિવિધ 15 પેઢી સામે ગુનો દાખલ કર્યો છે. રાજકોટના ભગવતીપરામાં બનાવટી ભાડાકરાર બનાવીને પરમાર એન્ટરપ્રાઈઝ નામની પેઢી ખોલી GSTની ઓફિસમાં બોગસ બિલીંગ રજૂ કરીને આ 15 પેઢી સાથે ખોટા આર્થિક વ્યવહારો બતાવી સરકાર સાથે રૂ. 61.38 લાખની છેતરપિંડી કરી હતી.
આ મામલે અગાઉ રાજકોટ,અમદાવાદ, ભાવનગર, કોટડાસાંગાણી,વેરાવળ સોમનાથ,ગાંધીનગર,મોરબી, મહેસાણા કડી સહિતના શહેરોમાં અલગ અગલ પેઢીના નામે બોગસ બીલ બનાવનાર 13 શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી.
છેલ્લા એક માસથી ચાલતી આ તપાસમાં એસઓજીએ વધુ ચારની ધરપકડ કરી છે. જેમાં રાણાવાવના દિલીપ ટાંક,જૂનાગઢના વીમા એજન્ટ સુધીર રૈયાણી, ગોંડલના ઋષિ બાગથરીયા અને જૂનાગઢના રમેશ ભેટારીયાની ધરપકડ કરતા આ કૌભાંડમાં અત્યાર સુધીમાં કુલ ધરપકડનો આંક 17 એ પહોચ્યો છે.
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે, ગોંડલનો ઋષિ બાગથરીયા અલગ અલગ પેઢીના નામના બોગસ બિલીંગ બનાવી આપતો હતો જેના બદલે ઋષિ બાગથરીયાને 2 થી 5 ટકા કમિશન મળતું હતું. આ પ્રકરણમાં હજુ પણ વધુ ધરપકડ થશે. બીજી તરફ આ મામલે GST બોગસ બિલ કૌભાંડ પ્રકરણનો રેલો મહેશ લાંગા સુધી પહોચ્યો હોય મહેશ લાંગાની પેઢીનું જ આ કારસ્તાન સામે આવતા પોલીસે મહેશ લાંગાનો જેલમાંથી કબજો પણ મેળવ્યો છે.
(7:17 PM IST)










