News of Sunday, 29th December 2024
ગવરીદળમાં આફ્રિકન છાત્રો અને ગ્રામજનો વચ્ચેની બબાલમાં પોલીસ તપાસમાં સત્ય સામે આવ્યું: કાર પર અભદ્ર લખાણ આફ્રિકન વિદ્યાર્થીઓએ નહિ પણ એક સ્થાનિક ગ્રામજને લખ્યું હતું: પોલીસે શરૂ કરી તપાસ. : જુઓ વિડિઓ
આફ્રિકન છાત્ર બે બહેનો સાથે દવા લેવા આવ્યો ત્યારે તેના બાઇક સામે રવિ નામના વ્યક્તિની કાર આવી જતાં બબાલ થઈ હતી: છાત્રો સામે મુદ્દો ઉભો કરવા કારમાં કોઈએ લખાણ કરી નાખ્યું હતું

રાજકોટઃ રાજકોટના મોરબી રોડ પર ગ્રામજનો અને આફ્રિકન વિદ્યાર્થીઓ વચ્ચે તકરારના મામલે કુવાડવા પોલીસે તપાસ કરતાં સત્ય સામે આવ્યું છે જે મુજબ કારમાં અભદ્ર લખાણ કોઈ આફ્રિકન વિદ્યાર્થીએ નહિ પણ એક ગ્રામજને લખ્યું હતું.
પોલીસે જણાવ્યું હતું કે બંને પક્ષોને મળ્યા પછી સામે આવેલ હકીકત એવી છે કે તા.૨૮/૧૨ના રાત્રે દસ વાગ્યાની આજુબાજુ ગવરીદળ ગામ મુખ્ય બજારમાં જેફરસન નામનો લાઇબિરિયા દેશનો વિદ્યાર્થી પોતાની બે બહેનો સાથે બાઈક ઉપર મેડિસિન લેવા માટે રતનપર ગામથી ગવરીદળ ગામના બજારમાં આવ્યો હતો, ત્યાં સામેથી રવિભાઈ નામના વ્યક્તિ પોતાની કારમાં આવ્યા હતા અને ટ્રાફિક હોવાના કારણે બન્નેની ગાડીઓ સામે સામે આવી ગઈ હતી. આ દરમિયાન જેફરસનની બાઇક બંધ થઈ ગઈ હતી અને એમને બાઈક સાઈડમાં લેવામાં થોડી વાર લાગી તો રવિભાઈ ગુસ્સે થઈ કારથી નીચે આવ્યા અને જેફરસન અને રવિભાઈ વચ્ચે બોલા-ચાલી થયેલ.બોલતા-બોલતા રવિભાઈ દ્વારા ઉશ્કેરાઈ જઈ જેફરસનના છાતીના ભાગે એક લાકડી મારવામાં આવી હતી,
તો બીજી તરફ જેફરસન પણ રવિભાઈને મારવા માટે ભાગેલ અને રવિભાઈ ગાડી મુકીને જગ્યા ઉપરથી નાસી ગયેલ. આ દરમિયાન રવિભાઈની ગાડી જગ્યા ઉપર જ હતી. આજુ-બાજુમાં ગ્રામજનો ભેગા થતા જેફરસન દ્વારા આફ્રિકન કમ્યુનિટીના બે ત્રણ વિદ્યાર્થી લીડર્સને ફોન કરવામાં આવેલ અને ત્યાં જગ્યા ઉપર ૧૦ જેવા આફ્રિકાની સ્ટુડન્ટ આવી ગયેલ અને એમને જોઈને ૨૫ જેવા ગામજનો પણ ભેગા થઈ ગયેલ હતા. ગામજનોનો આક્ષેપ એવો હતો કે આફ્રિકન વિદ્યાર્થીઓ દ્વારા ગાડી ઉપર અભદ્ર લખાણ લખવામાં આવેલ હતા પણ હકીકતમાં મારવાડી યુનીવર્સીટીના રજિસ્ટ્રાર પુનિતભાઈ તથા મારવાડી યુનીવર્સીટીના કર્મચારી નિલેષભાઇ અડવાણી તથા રોહિતભાઇ આફ્રિકન સ્ટુડન્ટ સાથે આવેલ હોઇ અને વિદ્યાર્થીઓની પુછપરછ કરતા જાણવા મળેલ કે અભદ્ર શબ્દો લખવામાં આવેલ નથી અને આખી ઘટનાના વિડીયો એમના દ્વારા રેકોર્ડ કરવામાં આવેલ હતા અને રવિભાઈ નાસી ગયા પછી ગાડીના વિડીયો એમના પાસે છે તેમ જણાવેલ છે.
વિડીયોમાં જોતા રવિભાઇની ગાડી આઇ ટ્વેન્ટી કાર GJ-03-LB-8220માં પાછળના કાચ પર DON'T MOVE લખેલ દેખાઇ છે. તેમજ અન્ય કંઈ પણ પ્રકારનુ લખાણ દેખાતું નથી અને આગળના કાચ ઉપર એક કાકા જે સ્થાનિક છે જે ગાડીના કાચ ઉપર અમુક લખાણ લખતા દેખાય છે જેમાં અભદ્ર જેવુ લખાણ લખતા જોવા મળેલ છે.જેની ઓળખ અંગેની તપાસ ચાલુ છે.
પોલીસે જણાવ્યું હતું કે ઘટનાના અંતે હકીકત એવી છે ગ્રામજનો દ્વારા જ ગાડી ઉપર એવા લખાણ કરવામાં આવેલ હતા જેથી આફ્રિકન વિદ્યાર્થીઓ વિરુદ્ધ મુદ્દો ઊભો કરી શકાય. ગવરીદળ ગામમાં ત્રણ વર્ષ પહેલાં ગામજનો અને આફ્રિકન વિદ્યાર્થીઓ વચ્ચે બબાલ થઈ હતી જેના પછી સ્થાનિક ગામજનોએ ભેગા થઈને નિર્ણય કરેલ હતો કે હવેથી કોઈ પણ આફ્રિકન વિદ્યાર્થીને અહીંયા રૂમ ભાડે આપવાનો રહેશે નહીં. તેના પછી મોટાભાગના વિદ્યાર્થીઓ રતનપર ગામમાં રહે છે.હાલમાં કાયદો અને વ્યવસ્થાનો કોઈ પ્રશ્ન નથી. વિસ્તારમાં શાંતિ છે અને તમામ ગામડાઓ જ્યાં આફ્રિકન વિદ્યાર્થીઓ રહે છે ત્યાં પેટ્રોલિંગ રાખવા માં આવેલ છે.
આફ્રિકન વિદ્યાર્થીને બોલાવેલ આ દરમ્યાન તેઓ તરફથી બનાવની જાણ સારૂ એક લેખિત અરજી પોલીસ સ્ટેશનમાં આપવામાં આવેલ છે, જેના આધારે આગળની કાર્યવાહી શરૂ છે. અને તેઓએ પોલીસ ફરીયાદ આપવાની ના પાડેલ છે.
(7:06 PM IST)










