News of Monday, 30th December 2024
ક્રિપાલસિંહ જાડેજા સાથે મિત્ર કૃણાલની છેતરપીંડીઃ નકલી કાગળો ઉભા કરી ૪૦ લાખની કાર ૬ લાખમાં મુંબઇના શખ્સને વેંચી નાંખી!
અટીકા લાલ બહાદુર સોસાયટીના યુવાને બી-ડિવીઝન પોલીસમાં ફરિયાદ દાખલ કરાવીઃ મોટુ કારસ્તાન ખુલવાની શક્યતા નરેન્દ્રસિંહના પિતાજીનું અવસાન થયું ત્યારે કાર ભાગીદાર કૃણાલ પાસે કાર હતીઃ તેણે ભાવનગર રહેતાં પોતાના મિત્ર ગજેન્દ્રસિંહ મારફત બારોબાર સોદો કરાવી નાંખ્યોઃ કૃણાલ, ગજેન્દ્રસિંહ, મુંબઇના ઇમરાન અને નોટરી સમક્ષ ખોટા નામે હાજર થયેલા શખ્સને શોધતી પોલીસ

રાજકોટ તા. ૩૦: અટીકા સાઉથ લાલ બહાદુર સોસાયટીમાં રહેતાં યુવાનની ૪૦ લાખની કાર તેના જ ભાગીદાર મિત્રએ બારોબાર ખોટા દસ્તાવેજો ઉભા કરી ભાવનગરના પોતાના મિત્ર મારફત મુંબઇના શખ્સને માત્ર ૬ લાખમાં વેંચી નાંખતાં આ મામલે ફરિયાદ થઇ છે.
આ બનાવમાં બી-ડિવીઝન પોલીસે અટીકા લાલ બહાદુર સોસાયટી-૨ ઢેબર રોડ સાઉથમાં રહેતાં અને ખેતી કરી ગુજરાન ચલાવતાં ક્રિપાલસિંહ મનોહરસિંહ જાડેજા (ઉ.વ.૨૮)ની ફરિયાદ પરથી પીડીએમ કોલેજ પાછળ કૃષ્ણનગર-૩ બગીચાની સામે સ્વામિનારાયણ ચોકમાં રહેતાં તેના જ મિત્ર કૃણાલ નવીનભાઇ પાટડીયા, ભાવનગરના ગજેન્દ્રસિંહ રાણા અને મુંબઇ થાણેના ઇમરાન તથા નોટરી રૂબરૂ વેંચાણ કરાર કરી આપનાર શખ્સ અને તપાસમાં ખુલે તેના વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
ક્રિપાલસિંહ જાડેજાએ જણાવ્યું છે કે મેં બીકોમ એલએલબી સુધીનો અભ્યાસ કર્યો છે. હું ખેતી કરી ગુજરાન ચલાવુ છું અને મારુ મુળ વતન રાજકોટનું વડાળી ગામ છે. વર્ષ ૨૦૨૨માં મારા મિત્ર કૃણાલ નવીનભાઇ પાટડીયા (રહે. કૃષ્ણનગર, સ્વામિનારાયણ ચોક) તથા મહેન્દ્રસિંહ લાલુભા જાડેજા (રહે. આરકે નગર રાજકોટ), જયેશભાઇ દામજીભાઇ ભુત (રહે. નંદા હોલ પાસે), અમૃતભાઇ અશોકભાઇ રાવળ (રહે. ન્યુ સુભાષનગર કોઠારીયા રોડ), ચિરાગભાઇ પ્રવિણભાઇ વોરા (રહે. મવડી રામધણ પાછળ)ની સાથે ભાગીદારીમાં ક્રાઉડ ફન્ડીંગની કંપની નાના મવા રોડ નાઇન સ્ક્વેર ખાતે શરૂ કરી હતી. જે કંપની રજીસ્ટર થયેલી હતી. ઓફિસમાં બેસી અમે બધા કામકાજ કરતાં હતા઼.
ગત તા. ૭/૬/૨૦૨૨ના મેં એક કીયા કાર્નીવલ કાર જીજે૦૩એમએલ-૫૧૩૯ લીધી હતી. આ માટે મેં રૂા. ૨૪ લાખની લોન મેં યુનિયન બેંક ઓફ ઇન્ડિયા કાલાવડ રોડ સ્વામિનારાયણ મંદિર સામેથી લીધી હતી. ગાડીના ડાઉન પેમેન્ટ પેટે ૧૬ લાખ ભર્યા હતાં. કારની કિમત રૂા. ૪૦ લાખ હતી.
આ કારનો ઉપયોગ હું અને મિત્ર કૃણાલ પાટડીયા ઓફિસના કામ માટે કરતાં હતાં. અમે ઓફિસ તરફથી એક ડ્રાઇવર અલ્તાફ અકબર પીલુડીયા (રહે. નાના મવા સર્કલ પાસે ક્વાર્ટર)ને રાખ્યો હતો. તા. ૧૭/૬/૨૩ના રોજ અમારી કંપની વિરૂધ્ધમાં છેતરપીંડી વિશ્વાસઘાતની ફરિયાદ ડીસીબી પોલીસ સ્૭ેશનમાં દાખલ થતાં મારા બધા ભાગીદાર ભાગી ગયા હતાં. દરમિયાન ૧૮/૬/૨૩ના રોજ મારા પિતાજીનું અવસાન થતાં તેમની ઉત્તરક્રિયામાં રોકાયો હતો. તે વખતે મારી કાર કૃણાલ પાસે હતી.
ત્યારબાદ મો કારની જરૂરીયાત ઉભી થતાં મેં કૃણાલને ફોન જોડયો હતો. પરંતુ વારંવાર ફોન કરવા છતાં તે ફોન રિસીવ કરતો નહોતો. ઓગષ્ટ-૨૦૨૩માં મેં અમારા ડ્રાઇવર અલ્તાફ પીલુડીયાને રૂબરૂ મળી ગાડી બાબતે પુછતાં કહેલુ કે હું કૃણાલ સાથે ગાડી લઇ ભાવનગર ગયો હતો. એ પછી કૃણાલે ગાડી તેની પાસે રાખી લેતાં હું ભાવનગરથી બસમાં રાજકોટ આવી ગયો હતો. એ પછી થોડા દિવસ બાદ કૃણાલે ફોન કરી મારી પાસે ગાડીની બીજી ચાવી હતી તે પણ આજીડેમ ચોકડીએ ગજેન્દ્રસિંહ વાળાને આપી દેવાનું કહેતાં મેં બીજી ચાવી પણ ત્યાં આપી દીધી હતી.
આ પછી હું ડીસીબીમાં નોંધાયેલા અમારી કંપની વિરૂધ્ધના ગુનામાં ફેબ્રુઆરી-૨૦૨૪માં હાજર થયો હતો. બાદમાં ગજેન્દ્રસિંહ વાળા જે મારા મિત્ર કૃણાલનો મિત્ર હોઇ અને તેની પાસે આવતાં હોઇ જેથી તે મને રાજકોટ રૂબરૂ મળતાં તેણે કહેલુ કે ગાડી ભાવગનરના તોૈફિકને વેંચી નાખી છે, ગાડી હવે ભુલી જવાની છે. આ બાબતે મેં કૃણાલ વિરૂધ્ધ માર્ચ-૨૦૨૪માં પોલીસ કમિશનરને અરજી કરી હતી.
દરમિયાન ૧૨/૭/૨૩ના રોજ મને યુનિયન બેંક તરફથી નોટીસ આવી હતી. જેના આધારે મને ખબર પડી હતી કે ગાડીનું હાયપોથીકેશન (બોજો હટાવી) ગાડી રાજકોટ આરટીઓમાંથી મહારાષ્ટ્ર આરટીઓમાં ટ્રાન્સફર કરાવવા અરજી થઇ છે. આથી મેં આરટીઓમાં તપાસ કરતાં ત્યાં મારા નામે બોગસ આધારકાર્ડ, બોગસ પાનકાર્ડ રજૂ કરી બેંકની એનઓસી, ટીટીઓ ફોર્મમાં મારા નામની ખોટી સહીઓ કરાયેલી જોવા મળી હતી. મેં આવા કાગળો કે અરજી કર્યા ન હોઇ વધુ તપાસ કરતાં ખબર પડી હતી કે મારા નામના પાન કાર્ડ, આધાર કાર્ડ એડીટ કરી ૪/૭/૨૩ની બેંકની ખોટી એનઓસી તથા બોગસ ટીટીઓ ફોર્મ અને અન્ય ડોક્યુમેન્ટમાં સહીઓ કરી મારા નામની ગાડી મુંબઇ ભારતનગર ચાલી નં. ૪૪, અંજુમન કોમ્યુનિટીની બાજુમાં બાંદ્રા ખાતે રહેતાં મહમદવસીમ મહમદ અબ્બાસ શેખના નામે કરવા અરજી થઇ છે.
મારા નામે થયેલી અરજી બાબતે તપાસ કરતાં આરટીઓ પાછળ શ્રીરામ સોસાયટીમાં રહેતાં પાવક વૃંદાવનભાઇ પડીયાએ કહ્યું હતું કે-તેને આરટીઓમાં રજુ કરેલા તમામ ડોક્યુમેન્ટ બોટાદ મુસ્લિમ સોસાયટીમાં રહેતાં મુરાદ મહેમુદબાઇ બાવળીયાએ મોકલ્યા હતાં. તેમજ મુરાદને આ ડોક્યુમેન્ટ મુંબઇના ઇમરાને મોકલ્યાની વ્ગિતો મળી હતી. મારા નામે બે નોટરાઇઝ સોંગદનામા રજૂ થયા હતાં. જેમાં એક સોગંદનામુ ભાવનગર ખાતે ૨૩/૬/૨૩ના રોજ જેમાં પક્ષકાર તરીકે મારુ નામ હતું પણ ફોટો કોઇ બીજાનો હતો અને સહી પણ બીજાની હતી. બીજા પક્ષકાર તરીકે ઇફરાનખાન બાબાસાહેબનું નામ હતું, તેમા બીજા પક્ષકાર મહેશ વામન ચવ્હાન છે.
આના પરથી મને ખબર પડી હતી કે મારી ૪૦ લાખની કિમતની કાર મારા મિત્ર ભાગીદાર કૃણાલ પાટડીયાએ ભાવનગરના તેના મિત્ર ગજેન્દ્રસિંહ વાળા સાથે મળી મારા નામના ખોટા દસ્તાવેજો ઉભા કરી ખોટી સહીઓ કરી નર્મદાના રેંગણના ઇરફાન બાબાસાહેબ દાયમાના નામનો વેંચાણ કરાર ઉભો કરી મુંબઇના ઇમરાનના નામે કરવા આરટીઓમાં ખોટા દસ્તાવેજો રજુ કર્યા છે. પીઆઇ એસ. એસ. રાણેની રાહબરીમાં પીએસઆઇ વી. એચ. પરમારે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે
(4:02 PM IST)










