News of Monday, 30th December 2024
મોરબી રોડ પર જુના ટાયરના ધંધાર્થી પ્રકાશ સાગઠીયાને આંતરી સાજીક, ફિરોઝ, યુસુફનો છરી-પાઇપથી હુમલો
અગાઉની ફરિયાદ પાછી ખેંચવાનું કહી જ્ઞાતિ પ્રત્યે અપમાનીત પણ કર્યાનો આરોપ

રાજકોટ તા. ૩૦: મોરબી રોડ સોહમનગરમાં રહેતાં જુના ટાયરના વેપારી યુવાનને રસ્તા પર આંતરી ત્રણ શખ્સોએ છરી, પાઇપથી હુમલો કરી માર મારી જ્ઞાતિ પ્રત્યે અપમાનીત કરતાં સારવાર માટે દાખલ થયો છે. જુની ફરિયાદ પાછી ખેંચવાનું કહી આ ડખ્ખો કરાયો હતો. આ મામલે બી-ડિવીઝન પોલીસે મોરબી રોડ સોહમનગર-૧માં રહેતાં અને જુના ટાયર લે-વેંચનો વેપાર કરતાં પ્રકાશભાઇ ભરતભાઇ સાગઠીયા (ઉ.વ.૩૪)ની ફરિયાદ પરથી મોરબી રોડ ચામડીયા પરા હસનેન મસ્જીદ પાસે રહેતાં સાજીક ઉર્ફ સાજુ ઓમસાણભાઇ બાવંકા, ફિરોઝ ઉર્ફ ગણેશ જમાલભાઇ બાવંકા, યુસુફ ઉર્ફ બેગડ જમાલભાઇ બાવંકા વિરૂધ્ધ ગુનો હુમલો, એટ્રોસીટી એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે.
પ્રકાશભાઇએ જણાવ્યું હતું કે હું જુના ટાયરનો ધંધો કરુ છું. રવિવારે ઘરેથી એક્ટીવા લઇ કુટુંબી કાકા હંસરાજભાઇની દુકાન કે જે મોરબી રોડ સીટી સ્ટેશન પાસ છે ત્યાં જતો હતો ત્યારે રસતામાં સાજુ ગણેશ, બેંગડે મને ઉભા રાખી તે જે ફરિયાદ કરી છે તે પાછી ખેંચી લે, સમાધાન કરી નાખત તેવુ કહેતાં મેં ફરિયાદ પાછી ખેંચવાની ના પાડી હતી અને મારા બહેન કોમલબેનના ઘરે જતો રહ્યો હતો. ત્યાંથી પંદરેક મિનીટ બાદ હું મારા ઘરે જવા નીકળતાં જુના મોરબી રોડ સીટી સ્ટેશન પાસે વીસામા નજીક મને ફરીથી સાજુ ગણેશ, બેંગડે ઉભો રાખ્યો હતો. સાજુ પાસે તલવાર અને ગણેશ પાસે છરી તથા બેગડે પાસે પણ છરી હતી.
આ ત્રણેયએ મને માર મારી પછાડી દીધો હતો અને રોડ પર ઢસડયો હતો. આ કારણે ડાબા હાથે કોણી છોલાઇ ગઇ હતી. તેમજ મને પેટના ભાગે છરીનો છરકો લાગી ગયો હતો. અજાણ્યાએ મને પાઇપ વાંસામાં ફટકારી દીધો હતો. જેથી હું બેભાન થઇ ગયો હતો. માણસો ભેગા થઇ જતાં આ બધા ભાગી ગયા હતાં. એ દરમિયાન મારી બહેન આવી જતાં અને માણસો ભેગા થઇ જતાં ૧૦૮ આવી જતાં સારવાર માટે ખસેડયો હતો. અગાઉ સાજુ મારા ઘર પાસે ગાળો બોલતો હોઇ ના પાડતાં તેણે મારામારી કરી હોઇ તેની ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદ પાછી ખેંચવાનું કહી ફરીથી હુમલો કરાયો હતો. બી-ડિવીઝન પીઆઇ એસ. એસ. રાણેની રાહબરીમાં એમ. એન. પીઠીયાએ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
(4:24 PM IST)










