તા. ૩ જાન્યુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ પોષ સુદ – ૪ શુક્રવાર
News of Tuesday, 31st December 2024
રાજકોટ સ્ટેડિયમમાં છવાઈ ક્રિકેટર અનુષ્કા શર્મા:બંગાળની ટીમની હરાવી પ્રથમ વખત મધ્યપ્રદેશની ટીમે ટાઈટલ જીત્યું
મધ્યપ્રદેશની ટીમ તરફથી અનુષ્કા બ્રિજમોહન શર્માએ 102 બોલમાં 69 રનની અણનમ ઇનિંગ રમી: મધ્યપ્રદેશની ટીમે 92 બોલ બાકી રહેતા 7 વિકેટે જીત મેળવી

રાજકોટ : બંગાળ મહિલા ક્રિકેટ ટીમ અને મધ્ય પ્રદેશની મહિલા ટીમ વચ્ચે સિનિયર મહિલા વન ડે ટ્રોફીની ફાઇનલ મેચ રમાઈ હતી. રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમમાં મધ્યપ્રદેશે બંગાળની ટીમને 7 વિકેટે હરાવીને પ્રથમ વખત ટાઈટલ જીત્યું હતું.
મધ્યપ્રદેશની મહિલા ટીમે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી બંગાળની ટીમની શરૂઆત ખરાબ રહી હતી.
ટીમે પ્રથમ વિકેટ ઓપનર ધારા ગુર્જરના રૂપમાં 8 બોલમાં આઉટ થઈ ગઈ હતી. સાસ્તી મોંડલ 5 રન, તનુશ્રી સરકાર 21 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી. પ્રિયંકા બાલા સિવાય ટીમમાંથી કોઈ વધુ રન બનાવી શક્યું ન હતું. તેણે 74 બોલમાં 42 રન બનાવ્યા હતા જેમાં 6 ચોગ્ગા સામેલ હતા. બંગાળની ટીમે મધ્યપ્રદેશની ટીમને જીતવા માટે 137 રનનો લક્ષ્યાંક આપ્યો હતો.
લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી મધ્યપ્રદેશની ટીમ તરફથી અનુષ્કા બ્રિજમોહન શર્માએ 102 બોલમાં 69 રનની અણનમ ઇનિંગ રમી હતી અને 9 ચોગ્ગા ફટકાર્યા હતા. અનન્યા દુબેએ 63 બોલમાં 27 રન બનાવ્યા હતા. જ્યારે આયુષી શુક્લાએ 30 રન સાથે અણનમ રહી. મધ્યપ્રદેશની ટીમે 92 બોલ બાકી રહેતા 7 વિકેટે જીત મેળવી હતી.
(12:29 PM IST)










