News of Wednesday, 1st January 2025
રાજકોટમાં બનશે ચોથો ઝોનઃ દક્ષીણ કચેરી માટે તજવીજ
કોઠારીયા વિસ્તારમાં મનપાની અદ્યતન કચેરી બનશેઃ વોર્ડ નં. ૧૫,૧૬,૧૭, તથા ૧૮ને સમાવાશે મહાનગરપાલિકાના પદાધિકારીઓ- ધારાસભ્યની મ્યુ. કમિશનર સાથે બેઠકઃ ૭૭ કરોડનો અંદાજીત ખર્ચઃ ટૂંક સમયમાં ટેન્ડર

રાજકોટઃ તા. ૧: શહેરની વસતી વધવાની સાથે સીમાડાઓ પણ વધ્યા છે. મનપાની હદમાં પણ વધારો થયો છે. ત્યારે લોકોની સુવિધા વધારવા તંત્ર દ્વારા શહેરમાં ચોથી ઝોન કચેરી દક્ષીણ વિભાગમાં બનાવવા કવાયત ચાલુ બજેશટથી હાથ ધરવામાં આવી છે.
કોઠારીયા વિસ્તારમાં દક્ષીણ ઝોન કચેરી બનાવી વોર્ડ નં. ૧૫,૧૬,૧૭, તથા ૧૮ નો તેમાં સમાવેશ કરવામાં આવનાર છે જેથી આ વિસ્તારના લોકોને ઘર આંગણે મનપાને લગત સેવા-સુવિધાઓ સરળતાથી મળી શકશે.
દક્ષીણ ઝોન કચેરીને લઇને મેયર નયનાબેન પેઢડીયા, સ્ટે.ચેરમેન જયમીન ઠાકર તથા રાજકોટ-૭૦ ના ધારાસભ્ય રમેશભાઇ ટીલાળા સહિતના પદાધિકારીઓ એ મ્યુ. કમિશનર સાથે બેઠક યોજી હતી. જેમાં કચેરી બનાવવાને લઇને ટેન્ડર પ્રક્રીયા ઝડપથી કરવા જણાવાયુ હતું.
આ કચેરી બનાવવા માટે અંદાજીત ૭૭ કરોડનો ખર્ચ થનાર છે. જેના ચાલુ બજેટમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. સમગ્ર કચેરીનું બાંધકામ અદ્યતન અને ૨૦ વર્ષને ધ્યાનમાં રાખીને કરવામાં આવશે. આ માટે કોઠારીયા વિસ્તારમાં લીજ્જત પાપડની પાછળ ૧૦ હજાર ચો.મી.નો પ્લોટ પણ પસંદ કરી લેવામાં આવ્યો છે.
અત્રે નોંધનીય છે કે, છેલ્લા ૧૦ વર્ષમાં કોઠારીયા, વાવડી, મવડી, વેસ્ટ ઝોનમાં માધાપર, મોટામવા સહિતના ગામોનો મનપામાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ વિસ્તારના લોકોની ફરિયાદની કામગીરી માટે. પોતાના જ વિસ્તારમાં ઝોન કચેરી બનાવવામાં આવી રહી છે. ત્યારે ચાલુ નાણાકીય વર્ષ એટલે કે ૨૦૨૪-૨૫ માં કોઠારીયા વિસ્તારના લોકોને સામા કાંઠે ઇસ્ટ ઝોન સુધી જવું ન પડે એટલે દક્ષીણ ઝોન કચેરીનું આયોજન કરવામાં આવેલ આ ઝોન કચેરી બન્યા બાદ વોર્ડ નં. ૧૫,૧૬,૧૭, તથા ૧૮ ના લોકોને ઘરઆંગણે સુવિધા મળી રહેશે.
મનપામાં છેલ્લે સામા કાંઠાના વોર્ડ નં. ૪,૫,૬,૧૫, ૧૬, તથા ૧૮ માટે ઇસ્ટ ઝોન કચેરી બનાવવામાં આવી હતી તે પહેલા વોર્ડ નં. ૧,૮,૯,૧૦, ૧૧,૧૨ માટે વેસ્ટ ઝોન કચેરીનું નિર્માણ કરવામાં આવ્યું હતું. જયારે વોર્ડ નં. ૨,૩,૭, ૧૪, ૧૭, ના વિસ્તારવાસીઓ નો સેન્ટ્રલ ઝોન કચેરીમાં સમાવેશ થાય છે. આ ઉપરાંત લોકોની કામગીરીની સરળતા માટે પૂર્વ મ્યુ. કમિશનર વિજય નેહરા દ્વારા દરેક વોર્ડમાં વોર્ડ ઓફીસની રચના કરી નાગરિકોના કામની સરળતા ઉભી કરી હતી. (૩.૧૬ા
(12:56 PM IST)










