News of Friday, 3rd January 2025
મવડી રોડના સિધ્ધી વિનાયક મંદિરમાં દાનપેટી તોડી ચોરીઃ રીઢો તસ્કર સકંજામા

તસ્વીરમાં જ્યાં દાન પેટી તોડી ચોરી કરવામાં આવી હતી તે મંદિર જોઇ શકાય છે (ફોટોઃ સંદિપ બગથરીયા)
રાજકોટ તા. ૩: શહેરના મવડી રોડ પર માલવીયાનગર પોલીસ સ્ટેશન નજીક જ આવેલા શ્રી સિધ્ધી વિનાયક મંદિરમાં દાનપેટી તોડી ચોરી કરવામાં આવી હતી. આ બનાવમાં એક તસ્કર સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગયો હોઇ તેણે બુકાની બાંધી હોઇ પરંતુ તેના હલનચલન અને બીજી વર્તુણકને પગલે માલવીયાનગર પોલીસની ટીમ તેને ઓળખી ગઇ હતી. આ શખ્સ બીજો કોઇ નહિ પણ રીઢો તસ્કર અને અગાઉ પણ મંદિરોમાં ચોરીઓ, લૂંટ કરી ચુકેલો રીઢો તસ્કર હોવાનું ઓળખાઇ જતાં તેનુ પગેરૂ દબાવી શોધી કાઢયો છે.
જાણવા મળ્યા મુજબ મવડી રોડ પર આવેલા શ્રી સિધ્ધી વિનાયક મંદિરમાં ગત ૨૯/૧૨ના રાતે પોણા ત્રણેક વાગ્યે એક તસ્કર અંદર ઘુસ્યો હતો અને દાન પેટી તોડી બારેક હજારની રોકડ રકમ ચોરી ગયો હતો. આ મામલે મંદિરની દેખરેખ સંભાળતા મોટા મવા જયનાથ પાર્ક-૧માં રહેતાં દેવેન્દ્રસિંહ નરેન્દ્રસિંહ ગોહિલ (ઉ.વ.૪૨)એ માલવીયાનગર પોલીસને જાણ કરી હતી. પોલીસે તપાસ કરતાં બુકાનીબાંધીને આવેલા તસ્કરે મંદિર અંદરનો કેમેરો ડિસમીસ જેવા હથીયારથી બંધ કરી નાંખ્યો હતો. બાદમાં ચોરી કરી નીકળી ગયો હતો.
તપાસ શરૂ કરવામાં આવતાં રોડ સાઇડના કેમેરામાં તસ્કર દેખાતા જ તેને ઓળખી લેવાયો હતો. આ તસ્કરની બાતમી મળતાં પીઆઇ જે. આર. દેસાઇ અને ડી. સ્ટાફની ટીમે તેને સકંજામાં લેવા તજવીજ હાથ ધરી હતી.
(2:34 PM IST)










