<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 4th January 2025

જેમાં બેસી ઘરે પહોંચવાનું હતું એ એસટી બસની ઠોકરે ચડી જતાં ૧૬ વર્ષની છાત્રા અંજુ ‘પરલોક' પહોંચી ગઇ

કુવાડવા વાંકાનેર ચોકડીએ બનાવઃ ખખાણાના ગઢદરા પરિવારે લાડકવાયી ગુમાવતાં શોકની કાલીમા સાથેની બીજી છાત્રા હેતલને ઇજાઃ વાકાનેર-રાજકોટ રૂટની બસ આવતાં વિદ્યાર્થીઓ તેમાં બેસવા માટે આગળ વધી પણ ચાલકે બસ ઉભી ન રાખીઃ એ વખતે બે છાત્રા ઠોકરે ચડી, એકનો જીવ ગયોઃ કુવાડવા પોલીસે બસ ચાલક સામે ગુનો નોંધ્‍યો

રાજકોટ તા. ૪: કુવાડવાની વાંકાનેર ચોકડીએ શાળા છુટયા બાદ પોતાના ગામ ખખાણા જવા એસટી બસની રાહ જોઇને છાત્રાઓ ઉભી હોઇ વાંકાનેર-રાજકોટ રૂટની બસ આવતાં છાત્રાઓ બસના દરવાજા તરફ જતાં ચાલકે બસ ઉભી ન રાખી આગળ ભગાવતાં  બે છાત્રા ઠોકરે ચડી જતાં અને એક છાત્રા પર બસનું પાછલુ વ્‍હીલ ફરી વળતાં કમકમાટીભર્યુ મોત થયું હતું. ખખાણા ગામની ધોરણ-૧૦ની આ છાત્રા દરરોજ એસટી બસમાં અપડાઉન કરતી હતી. આ બસે તેને ઘરે પહોંચાડવાને બદલે પરલોક પહોંચાડી દેતાં કલ્‍પાંત સર્જાયો છે.

આ બનાવમાં કુવાડવા રોડ પોલીસે મૃત્‍યુ પામનાર છાત્રા અંજુ (ઉ.વ.૧૬)ના પિતા વાંકાનેરના ખખાણા ગામે રહેતાં ધનજીભાઇ વિનુભાઇ ગઢદરાની ફરિયાદ પરથી એસટી બસ નં. જીજે૧૮ઝેડ-૬૪૯૬ના ચાલક વિરૂધ્‍ધ ગુનો નોંધ્‍યો છે.

મૃત્‍યુ પામનાર છાત્રા અંજુ બે બહેન અને એક ભાઇમાં બીજા નંબરે હતી અને કુવાડવા ગામની મીડલ સ્‍કૂલમાં ધોરણ-૧૦માં અભ્‍યાસ કરતી હતી. તે દરરોજ ખખાણા ગામથી કુવાડવા શાળાએ જવા માટે એસટી બસમાં અપડાઉન કરતી હતી.  શુક્રવારે બપોરે એકાદ વાગ્‍યે પિતા ધનજીભાઇ ઘરે હતાં ત્‍યારે તેના નાના ભાઇ સંજયભાઇએ ફોન કરી કહ્યું હતું કે-તમારી દિકરી અંજુને વાંકાનેર ચોકડી પાસે કુવાડવા ગામે એસટી બસના ટાયરમાં આવી જતાં ઇજા થઇ છે અને કુવાડવા પ્રાઇવેટ હોસ્‍પિટલમાં લઇ ગયા છે. હું ત્‍યાં જાઉ છું તમે પણ આવો. જેથી પિતા ધનજીભાઇ ગઢદરા તત્‍કાળ કુવાડવા પહોંચ્‍યા હતાં. જ્‍યાં તેમને તેમના ભાઇ, મોટા બાપુ મારફત ખબર પડી હતી કે અંજુનું થોડીવારની સારવાર બાદ મૃત્‍યુ થયું છે.

બસના વ્‍હીલ નીચે આવી જતાં અંજુના પેટમાંથી આંતરડા નીકળી ગયા હતાં, પગ-કમરના ભાગે પણ ગંભીર ઇજા થઇ હતી. આ અકસ્‍માતમાં અંજુની સાથે તેની બહેનપણી ખખાણા ગામની હેતલ વિક્રમભાઇ ચોૈહાણને પણ ઇજા થતાં તેણીને પણ સારવાર માટે દાખલ કરાઇ હતી. હેતલે કહ્યું હતું કે-હું અને અંજુ શાળા છુટતાં ખખાણા ગામે જવા કુવાડવા વાંકાનેર ચોકડીએ પોણા એકાદ વાગ્‍યે ઉભા હતાં.  એ વખતે વાંકાનેર-રાજકોટ રૂટની એસટી બસ આવતાં અમે વિદ્યાર્થીઓ બસમાં બેસવા દરવાજા તરફ દોડયા હતાં. પણ ડ્રાઇવરે એસટી બસ ઉભી રાખી નહોતી અને આગળ ચલાવી મુકી હતી. આ વખતે અંજુને બસની ઠોકર લાગતાં તે પડી ગઇ હતી અને બસના કંડકટર સાઇડના પાછળના વ્‍હીલના જોટામાં આવી ગઇ હતી. તેના પર બસનુ઼ વ્‍હીલ ફરી ગયું હતું અને મને પણ ધક્કો લાગતાં પડી જતાં પગમાં ઇજા થઇ હતી. સાથે બીજી છાત્રા રિન્‍કલ શૈલેષભાઇ ગઢદરા  પણ પડી ગઇ હતી.

ધનજીભાઇએ વધુમાં કહ્યું હતું કે અમે ઘટના સ્‍થળે જઇને જોતાં એસટી બસ ત્‍યાં જ ઉભી હતી. ચાલકે બેફીકરાઇથી બસ ભગાવી મારી કિદરી અને તેની બહેનપણીને ઠોકરે લેતાં મારી દિકરીનું મોત થયું હતું. કુવાડવા પીઆઇ બી. પી. રજયાની રાહબરીમાં હેડકોન્‍સ. એસ.આર. કુમારખાણીયાએ ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.

(2:51 PM IST)