<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 4th January 2025

રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ બનવા ર૪ જેટલા દાવેદારો

ચૂંટણી અધિકારી આશિષ દવે અને જે. કે. ચાવડાની હાજરીમાં ઉમેદવારીઃ કાલે સંકલન બેઠક અલ્‍પેશ ઢોલરિયાના ઉજળા સંજોગો વચ્‍ચે ખાચરિયા, રામાણી, ચાંગેલા, શીંગાળા, વેકરિયા, શેખલિયા, ઢાંકેચા, તળપદા, હેરભા, જાડેજા, રોકડ નસિત વગેરેની ઉમેદવારીઃ સબ સલામતના દાવા વચ્‍ચે અસંતોષના લબકારા

આજે રાજકોટ ગ્રામ્‍ય ભાજપ કાર્યાલય ખાતે ચૂંટણી અધિકારી આશિષ દવે, અને જે. કે. ચાવડાએ પ્રમુખપદ માટેની ઉમેદવારી પ્રક્રિયા શરૂ કરાયેલ તે પ્રસંગની તસ્‍વીરમાં ધીરૂભાઇ તળાદા, પરસોતમભાઇ સાવલિયા, દીપક પીપળિયા, નીતિન ઢાંકેચા વગેરે ઉપસ્‍થિત છે. (તસ્‍વીરઃ સંદીપ બગથરીયા)

રાજકોટ તા. ૪ :.. જિલ્લા ભાજપના પ્રમુખ બનવા માટે આજે સવારથી બપોર સુધી જિલ્લા કાર્યાલય ખાતે ઉમેદવારી પત્ર રજૂ કરવાની પ્રક્રિયા શરૂ થઇ છે. ચૂંટણી અધિકારી આશિષ દવે (ગાંધીનગર) અને જે. કે. ચાવડા (જુનાગઢ) સમક્ષ ઉમેદવારોએ ઉમેદવારી પત્ર રજૂ કરવાના છે. ર૦થી વધુ અગ્રણીઓ પ્રમુખપદ માટે ઉમેદવારી કરી છે. કાલે બપોરે કલ્‍સ્‍ટર ઇન્‍ચાર્જ સાંસદ મયંક નાયકની હાજરીમાં સંકલન બેઠક મળશે. સંકલન સમિતિના અહેવાલ બાદ તા. ૮ થી ૧૦ વચ્‍ચે નવા પ્રમુખનું નામ જાહેર થાય તેવી શકયતા છે. વર્તમાન જિલ્લા  પ્રમુખ અલ્‍પેશ ઢોલરિયાને ફરી પ્રમુખ બનવાની તક સૌથી વધુ હોવાનું ભાજપના વર્તુળો જણાવે છે. બપોરે ૧ વાગ્‍યા સુધીમાં ર૪ જેટલા અગ્રણીઓએ ઉમેદવારી કરી છે.

પ્રમુખ માટેની દાવેદારી માટેની શરતો રાખવામાં આપી છે. તે શરતો મુજબ વર્તમાન તેમજ પૂર્વમાં બે વખત સક્રિય સભ્‍ય બનેલા હોવા જોઇએ. જેની માહિતી ફોર્મ સાથે જોડવાની રહશે. જિલ્લા પ્રમુખ બનવા ઇચ્‍છુક કાર્યકર્તાએ મંડલ અધ્‍યક્ષ અથવા જીલ્લા-પ્રદેશ સ્‍તરે જીલ્લા-પ્રદેશની ટીમ, મોરચા, પ્રકલ્‍પમાં કામ કરેલુ હોવુ જોઇએ. પ્રમુખ તરીકે મહિલાનો પણ સમાવેશ કરી શકાશે. પરિવારમાં એક કાર્યકર્તાને એક જવાબદારીનો નિયમ લાગુ પડશે. (બ્‍લડ રીલેશન પરિવાર ગણવો માતા-પિતા, ભાઇ-પુત્રી-પત્‍ની, જે પ્રમુખ સતત બે ટર્મ,  પ્રમુખ રહ્યા હોય તેઓને ફરીવાદ રીપીટ કરવામાં આવશે નહીં. પાર્ટી દ્વારા સસ્‍પેન્‍ડ કરાયેલા વ્‍યકિત પ્રમુખપદની દાવેદારી કરી શકશે નહીં. વગેરે શરતોનો સમાવેશ થાય છે.

જિલ્લા ભાજપ પ્રમુખપદ માટેના ઉમેદવાર તરીકે અલ્‍પેશ ઢોલરિયા, મનસુખ ખાચરિયા, મનસુખ રામાણી, મનીષ ચાંગેલા, બાબુલાલ નસિત, સતિષ શીંગાળા, ભાવેશ વેકરીયા (જસદણ), ચેતન રામાણી, પ્રતિપાલસિંહ જાડેજા, ધીરૂભાઇ તળપદા, સોનલબેન વસાણી, ચંદુભાઇ શીંગાળા, નીતિન ઢાંકેચા, પ્રવીણ હેરભા, ભગીરથસિંહ જાડેજા, વલ્લભ શેખલિયા, ભીખાભાઇ રોકડ વગેરે ઉમેદવારી કરી છે.

કાર્યાલય ખાતે ઉમેદવારીની વ્‍યવસ્‍થામાં જિલ્લા મહામંત્રી નરેન્‍દ્રસિંહ જાડેજા, હરેશ હેરભા વગેરે ઉપસ્‍થિત રહ્યા હતાં.

(2:37 PM IST)