News of Monday, 6th January 2025
રાજકોટના અગ્નિકાંડના મુખ્ય સુત્રધાર સાગઠીયા પ્રકરણમાં ઇ.ડી.એ ઝંપલાવ્યું
સ્પે.કોર્ટમાંથી પરવાનગી માંગી ઇ.ડી. દ્વારા તપાસનો ધમધમાટ થતા અનેક તર્કવિતર્કોઃ સ્પે.સરકારી વકીલ તુષાર ગોકાણીએ પણ ઇ.ડી. દ્વારા ઇન્કવાયરી સંબંધે અરજી થયાનું અનુમોદન આપ્યુઃ કોઇ મોટા માથા વિરૂધ્ધ તપાસની શકયતા

રાજકોટ તા.૬: રાજકોટના બહુચર્ચિત ટીઆરપી અગ્નિકાંડમાં જેલમાં રહેલ પૂર્વ ટીપીઓ સાગઠીયાના પ્રકરણમાં ઇ.ડી.એ ઝંપલાવ્યું હોવાનું બહાર આવતાં ભારે ખળભળાટ મચી ગયો છે.
રાજકોટના બહુચર્ચિત ટીઆરપી અગ્નિકાંડમાં જેલમાં રહેલ પૂર્વ ટીપીઓ સાગઠીયાના પ્રકરણમાં ઇ.ડી.એ ઝંપલાવ્યું છે. સાગઠીયાની તપાસ માટે કોર્ટમાંથી મંજુરી મેળવેલ હોવાનું જાણવા મળે છે.
આ અંગે સરકાર તરફથી આ કેસમાં ખાસ નિયુકત જાણીતા ધારાશાસ્ત્રી શ્રી તુષાર ગોકાણીનો સંપર્ક સાધતા તેમણે કોર્ટમાં ઇડી દ્વારા અરજી થયાનું અનુમોદન આપ્યું હતું. જાણવા મળ્યા મુજબ ટી.પી.ઓ. સાગઠીયા પ્રકરણમાં આ નવી ઇન્કવાયરી થઇ રહી છે. ત્યારે કોઇ રાજકીય મોટા માથાની સંડોવણી હોવાની આશંકા પણ વ્યકત થઇ રહયાનું ચર્ચાઇ રહયું છે.
રાજકોટમાં ટી.આર.પી. ગેમઝોનમાં અગ્નિકાંડની ઘટનાએ ૨૭ લોકોનો જીવ લીધો હતો. ફાયર એન.ઓ.સી. વગર ધમધમતા આ ગેમઝોનમાં લાગેલી આગના કારણે ૨૭ નિર્દોષ લોકો આગમાં ભડથું થઇ ગયાં હતાં.
આ બાબતે થઇ રહેલ તપાસ દરમ્યાન રાજકોટના ટી.પી.ઓ. સાગઠીયા મુખ્ય સુત્રધાર હોવાનું બહાર આવતા તેની પાસે ૧૫ કિલો સોનું કરોડોની સંપતિ હોવાનું બહાર આવેલ અને કરોડો રૂપિયા રોકડા પણ જપ્ત કરવામાં આવ્યા હતાં.
અત્રે ઉલ્લેખનિય છે કે, સાગઠીયા વિરૂધ્ધ અગ્નિકાંડ સંબંધે તેમજ અપ્રમાણસર મિલ્કત સંબંધે એ.સી.બી. દ્વારા પણ લાંચ રૂશ્વત ધારા હેઠળ ફરિયાદો થયેલ છે. હાલ સાગઠીયા જેલહવાલે છે.
અત્રે એ ઉલ્લખનિય છે કે, અગ્નિકાંડના બહુચર્ચિત બનાવમાં છેલ્લે સોૈથી મોટા માથા તરીકે સાગઠીયાની સંડોવણી બહાર આવી હતી. ત્યારપછી કોઇ રાજકીય નેતાઓની ભૂમિકા અંગે તપાસ દરમ્યાન ઢાંકપિછોડા કરાયો હતો. પરંતુ આ પ્રકરણે ઇ.ડી.એ ઝંપલાવતા હવે નજીકના દિવસોમાં કોઇ મોટી નવા-જુની થવાના નિર્દેશો મળી રહયા છે.
રાજકોટ જેલમાં સાગઠીયાને શહેરના એક બે રાજકીય અગ્રણીઓ મળવા ગયાનું બહાર આવ્યું હતું. ત્યારબાદ કહેવાય છે કે, સાગઠીયાએ મોૈન ધારણ કરી લીધું હતું. અને ત્યારબાદ તપાસ ધીમી પડી ગઇ હતી. પરંતુ સાગઠીયા પ્રકરણે ઇ.ડી.એ ખાસ કોર્ટની મંજુરી મેળવી ઇન્કવાયરી શરૂ કરતાં અનેકના તપેલા ચડી જવાની સંભાવના વ્યકત થઇ રહી છે.
સાગઠીયા સામે હવે ઇ.ડી. એકશન મોડમાં આવતાં જેલમાં રહેલ સાગઠીયાની મુશ્કેલીમાં વધારો થયો છે.
ઇ.ડી.ની તપાસથી કેટલા લોકો સુધી રેલો લાવે છે તે તરફ સોૈની મીટ મંડાઇ છે. કોઇ શેહ-શરમ વગર તપાસ કરતી એજન્સી કેટલા લોકોને સાણસામાં લ્યે છે તે અંગે અનેક અટકળો શરૂ થઇ છે.
ટી.આર.પી. અગ્નિકાંડમાં જેલમાં રહેલ રાજકોટ મહાનગરપાલિકાના પૂર્વ ટી.પી.ઓ. સાગઠીયા વિરૂધ્ધ તપાસમાં ઇ.ડી.એ ઝંપલાવેલ હોવાનું જાણવા મળતા આ પ્રકરણમાં નવો વળાંક આવવાની સંભાવના ઉભી થઇ છે. ટીઆરપી કાંડમાં ખાસ નિયુકત સ્પેશ્યિલ પી.પી. તુષાર ગોકાણીનો સંપર્ક કરતા તેઓએ ઇ.ડી. દ્વારા રાજકોટની અદાલતમાં સાગઠીયાની તપાસ માટે તેમના મારફતે પરવાનગી મંગાયા હોવાની વાતને સમર્થન આપ્યું હતું.
લાંચીયાવૃતિથી કરોડોની અકસયામતો એકઠી કરનારના આકાઓ સુધી તપાસ પહોંચશે કે કેમ? તે હવે જોવાનું રહયું. ઇ.ડી.નું નામ સાંભળતા જ કેટલા લોકોને કડકડતી ઠંડીમાં પણ પરસેવો છુટવા માંડયો છે. કોઇ રાજકીય મોટા માથાની સંડોવણી અંગે પણ અનેક તર્ક વિર્તકો થઇ રહયાનું ચર્ચાય છે.(૨.૧૧)
(3:19 PM IST)










