News of Monday, 6th January 2025
યુપીના ૪૦ જેટલા કારીગરો રાજકોટમાં તૈયાર કરી આપે છે દોરોઃ મિથુનભાઇ સોૈથી જુના, ૩૬ વર્ષથી રાજકોટ સાથે નાતો
સદર બજાર, ચોૈધરી હાઇસ્કૂલ નજીક, ભીલવાસ રોડ, રેસકોર્ષ રોડ, ધરમ ટોકીઝ પાસે દર વર્ષે દોરા પાઇ આપે છેઃ દિવાળી પછી આવી જાય છે આ કારીગરો રાજકોટમાં

રાજકોટઃ મકરસંક્રાંતિના તહેવારની ઉજવણી માટે પતંગના શોખીનો ભરપુર તૈયારીઓ અગાઉથી જ કરી લેતાં હોય છે. આજે રેડીમેઇડ દોરાની ફીરકીઓના વિશાળ બજાર વચ્ચે પણ દોરા પાઇને તૈયાર કરાવવાની મજા જ કંઇક જુદી છે. પતંગ દોરાના રસીયાઓ અગાઉથી જ અલગ અલગ દોરા તૈયાર કરાવવા માટે રાજકોટમાં અલગ અલગ ઠેકાણે દોરા પાઇ દેતાં યુપીના કાનપુર, લખનોૈ, મુરાદાબાદના કારીગરો પાસે પહોંચી જાય છે. રાજકોટમાં દિવાળીનો તહેવાર પુરો થતાં જ યુપીના દોરાના કારીગરો રાજકોટ પોતાના કારીગરો, પરિવારજનો સાથે પહોંચી જાય છે અને અલગ અલગ પોઇન્ટ પર લાકડાના થાંભલાઓ, લોખંડની ભુંગળીઓ સામ સામે થોડા અંતર પર ખુંચાડીને તેમાં દોરાને પાઇ આપવાનું કામ કરે છે. આ કારીગરો કહે છે અમારી જિંદગીની ડોર આ દોરાના કામ ઉપર જ નભેલી છે. રાજકોટમાં ચારથી પાંચ મહિના દોરા પાઇ આપવાનુ કામ પુરુ થયા પછી આ લોકો વતનમાં પરત જતાં રહે છે અને અમુક પતંગો બનાવવાના કામમાં વળગી જાય છે તો અમુક રિક્ષા હંકારવા સહિતની મજુરીના કામે વળગી જાય છે. હાલમાં રાજકોટમાં ચોૈધરી હાઇસ્કૂલ નજીક, સદર બજાર જુના નુતન પ્રેસ પાસે, ભીલવાસ રોડ, રેસકોર્ષ રોડ, ધરમ ટોકીઝ પાસે એમ અલગ અલગ સ્થળે ૪૦ જેટલા યુપીના કારીગરો દોરો પાઇ આપે છે. તે પૈકી સદર બજારમાં છેલ્લા ૩૬ વર્ષથી દોરા પાઇ આપવાનું કામ કરતાં મિથુનભાઇ કે જેનું સાચુ નામ અબ્દુલ રઉફભાઇ બારી છે તે જણાવે છે કે હું રાજકોટમાં છત્રીસ વર્ષથી દોરા પાવાનું કામ કરવા આવુ છું. દિવાળી પુરી થતાં જ અમે આવી જઇએ છીએ અને ભાડે મકાન રાખી દોરા તૈયાર કરવા માંડીએ છીએ. શરૂઆતમાં અમે ફીરકીઓ તૈયાર કરી રાજકોટની અલગ અલગ બજારોના પતંગ દોરાના વેપારીઓને જરૂરીયાત મુજબ દોરા બનાવી આપીએ છીએ. જાન્યુઆરીની શરૂઆતથી રાજકોટના ગ્રાહકોને દોરા પાઇ આપવાનું કામ વધી જાય છે. અમે એક હજાર વાર રીલને પાઇ આપવાના રૂપિયા સો, પચ્ચીસસો વારના રૂપિયા બસ્સો અને પાંચ હજાર વારના રૂપિયા ચારસો લઇએ છીએ. મારી સાથે મારા ત્રણ પુત્રો અને બીજા ચાર કારીગરો આ કામ કરે છે. દોરો તૈયાર કરવા જે કાચ વપરાય છે એ મારા ઘરના મહિલા સભ્યો મોટી કાચની બોટલ ખાંડીને તૈયાર કરી આપે છે. મેં વર્ષોથી દોરાની રીલ પાઇ આપવાના ભાવોમાં વધારો નથી કર્યો. કારણ કે ગ્રાહકોને સંતોષ મળે એ જ અમારો નફો છે. અમે દોરાનું કામ ન હોય એ દરમિયાન પતંગો બનાવીએ છીએ અને મારા દિકરાઓ રિક્ષા હંકારે છે. રાજકોટમાં જે કારીગરો દોરા તૈયાર કરે છે તે તમામ યુપીના છે અને તેમને રાજકોટ સાથે ફાવી ગયું છે. (ફોટોઃ અશોક બગથરીયા)
(4:31 PM IST)










