News of Tuesday, 7th January 2025
હનુમાન મઢી પાસે રહેતાં કુતિયાણાના સુરેશભાઇની રૈયા ચોકડીએ ઓવરબ્રીજ પરથી મોતની છલાંગ
મનહરપુર-૧માં રહેતા બનેવીના ઘરેથી નીકળ્યા બાદ પગલુ ભર્યુ : માનસિક અસ્વસ્થતાને કારણે પગલુ ભર્યાનું સગાનું કથન

રાજકોટ તા. ૭: રૈયા ચોકડીના ઓવર બ્રીજ પરથી સાંજે એક આધેડે પડતું મુકી દેતાં કમકમાટીભર્યુ મોત થયું હતું. પોલીસ તપાસમાં આ આધેડ હનુમાન મઢી છોટુનગર કોમ્યુનિટી હોલ પાસે મકાન ભાડે રાખી રહેતાં મુળ કુતિયાણાના વતની સુરેશભાઇ વલ્લભભાઇ ફટાણીયા હતાં. તેમની પાસેથી મળેલા ફોન નંબરને આધારે ઓળખ થઇ હતી.
બનાવની જાણ થતાં ગાંધીગ્રામ પોલીસે કાર્યવાહી કરી હતી. મૃતક સુરેશભાઇ બે બહેનના એકના એક નાના ભાઇ હતાં અને કુંવારા હતાં. હાલમાં તે કંઇ કામ કરતાં નહોતાં. માનસિક અસ્વસ્થતાને કારણે રખડતું ભટકતું જીવન જીવતા હતાં. ગઇકાલે જ જામનગર રોડ મનહરપુર-૧માં રહેતાં બનેવી વિનુભાઇ કાનજીભાઇ વારાના ઘરે ગયા હતાં. ત્યાંથી નીકળ્યા બાદ સાંજે તેણે રૈયા ચોકડી ઓવરબ્રીજ પરથી મોતની છલાંગ લગાવી દીધી હતી. બનાવથી પરિવારજનોમાં શોક છવાઇ ગયો હતો.
(11:11 AM IST)










