News of Wednesday, 8th January 2025
કેન્સરથી ડરો નહી, વહેલુ નિદાન કરાવો તો સારવાર કારગત
કુંડારીયા કેન્સર પ્રિવેન્શન ફાઉન્ડેશન દ્વારા જનજાગૃતિ અભિયાન : મહિલાઓ માટે અનેક કેમ્પ કર્યા, હવે પુરૂષો માટે પણ માર્ગદર્શક કેમ્પ

રાજકોટ તા. ૮ : હાલ જાન્યુઆરી માસ કે જે સર્વાઇકલ (ગર્ભાશય) કેન્સરના અવેરનેશ માટે ઉજવવામાં આવે છે. ત્યારે લોકોએ કેન્સરથી ડરવાને બદલે સમયસર નિદાન કરાવી સારવાર શરૂ કરાવવા કુંડારીયા કેન્સર પ્રિવેન્શન ફાઉન્ડેશન દ્વારા જાહેર અનુરોધ કરાયો છે.
‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા કુંડારીયા ફાઉન્ડેશનના શાંતિલાલ ફળદુ અને અરૂણભાઇ પટેલે જણાવ્યુ હતુ કે જો સમયસર સ્ક્રીનીંગ થઇ જાય તો આ રોગનો ખ્યાલ આવી શકે અને તેની સારવાર પણ થઇ શકે છે. પરંતુ જો બેદરકારી દાખવવામાં આવે તો કેન્સર ચોથા સ્ટેજને વટાવી જાય અને પછી નિદાન થાય તો તેને કાબુમાં લેવાનું થોડુ મુશ્કેલ અને વધુ ખર્ચાળ બની જાય છે. જેથી આ રોગને ઉગતો જ દાબી દેવા અમે સૌને સમયસર નિદાન કરાવી લેવા અનુરોધ કરીએ છીએ.
કુંડારીયા કેન્સર પ્રિવેન્શન ફાઉન્ડેશન એ રાજકોટ કેન્સર સોસાયટી (શ્રી નાથાલાલ પારેખ કેન્સર હોસ્પિટલ) અંતર્ગત કાર્ય કરતી એનજીઓ છે. અમેરીકા સ્થિત મેડીકલ ઓન્કોલોજીસ્ટ ડો. ભાણુજી કુંડારીયા અને રાજકોટ કેન્સર સોસાયટીના સહીયારા પ્રયાસથી આ સંસ્થા કામ કરે છે. સમયસર નિદાન અને યોગ્ય સારવાર કરાવવા લોકોમાં જાગૃતિ લાવવાનું કામ કરે છે.
આ માટે આ સંસ્થા દ્વારા અત્યાર સુધીમાં ૬૦૦ થી વધારે અલગ અલગ શાળા, કોલેજ અને સામાજીક સંસ્થાઓમાં જઇને જનજાગૃતિ કેમ્પ કરવામાં આવ્યા છે. પરિણામ સ્વરૂપે ૪૫૦૦ થી વધુ મહિલાઓનો મેમોગ્રાફી ટેસ્ટ અને પ૦૦૦ થી વધુ મહીલાઓનો સ્પેપમેયર ટેસ્ટ કરવામાં આવ્યો છે.
સંસ્થાના કાર્યાલય નાથાલાલ પારેખ કેન્સર હોસ્પિટલ, તિરૂપતિનગર-૧, નિર્મલા કોન્વેન્ટ સ્કુલ રોડ ખાતે દર બુધવારે બપોરે ૨.૩૦ થી પ સુધી વિનામુલ્યે માર્ગદર્શન કેમ્પ કરવામાં આવે છે.
ઉપરાંત પ થી ૭ હજારમાં કરવામાં આવતી કેન્સરની તપાસ સંસ્થાના સહયોગથી અહીં માત્ર રૂ. ૭૫૦ માં કરી આપવામાં આવે છે.
આ સંસ્થા દ્વારા અત્યાર સુધી મહીલાઓમાં અવેરનેશ લાવવા પ્રવૃતિ થઇ રહી હતી. તેમાં હવે પુરૂષો માટે પણ જાગૃતિ લાવવા કાર્યક્રમો હાથ ધરાયા છે. પુરૂષોમાં પણ લંગ કેન્સર, ઓરલ (મુખ) કેન્સર, પ્રોસ્ટેટ કેન્સરનું પ્રમાણ જોવા મળે છે. જેથી સમયસર જો તપાસ કરી લેવામાં આવે તો સારવારથી મટાડી શકાય છે. કોઇપણ તંદુરસ્તસ્ત્રી હોય કે પુરૂષ તેમણે પણ કેન્સર છે કે નહીં તેની તપાસ કરાવી લેવી આવશ્યક છે.
મહિલાઓના ગર્ભાશયના કેન્સરમાં હવે એચપીવી રસી (વેકસીન)ની શોધ થઇ ચુકી છે અને આ સંસ્થા દ્વારા અત્યાર સુધીમાં આવા ૨૪૦૦૦ વેકસીન ડોઝ અપાઇ ચુકયા છે.
ટુંકમાં લોકોએ હવે જાગૃત બની કેન્સર અંગેની તપાસ સમયસર કરાવી લેવા સંસ્થાના આગેવાનોએ અનુરોધ કર્યો છે.
તસ્વીરમાં ‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા કુંડારીયા કેન્સર પ્રિવેન્શન ફાઉન્ડેશનના શાંતિલાલ ફળદુ અને અરૂણભાઇ પટેલ નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)
(2:41 PM IST)










