<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 13th January 2025

ઘર વિહોણા લોકોને મનપા રન બસેરા સ્‍થળાંતરીત કરશે : તુષાર સુમેરા

મનપાનો સંવેદના સભર માનવીય અભિગમ : આશ્રય સ્‍થાનમાં આવવા ઇચ્‍છુકોની મદદ કરવા કોલ સેન્‍ટરના ૧પપ૩૦૪ ઉપર માહિતી આપવા નાગરિકોને તંત્રનો અનુરોધ

રાજકોટ, તા., ૧૩: ઘરવિહોણા લોકો માટે મહાનગરપાલિકા દ્વારા સુવિધાસભર આશ્રયસ્‍થાનોની ૨૪૭ નિઃશૂલ્‍ક સેવા ઉપલબ્‍ધ  છે ત્‍યારે  આશ્રયસ્‍થાન ખાતે આવવા ઇચ્‍છુક ઘરવિહોણા લોકોની મદદ કરવા કોલ સેન્‍ટરના ફોન નં.૧૫૫૩૦૪ ઉપર માહિતી આપવા  કમિશ્નર તુષાર સુમેરા દ્વારા નાગરિકોને અનુરોધ કરવામાં આવ્‍યો છે. આશ્રય લેવા ઈચ્‍છુક વ્‍યક્‍તિની માહિતી મળ્‍યે રાજકોટ મહાનગરપાલિકાની ટીમ ઘરવિહોણા લોકોને રૂબરૂ મળી તેઓને આશ્રયસ્‍થાન ખાતે સ્‍થળાંતરીત કરશે.

આ અંગે મ્‍યુનિ. કમિશ્નર તુષાર સુમેરા પત્રકારો સાથે જણાવ્‍યું હતું કે, હાલ શિયાળાની ઋતુ ચાલી રહી છે. ખાસ કરીને રાત્રીના સમયે ઠંડીનું પ્રમાણ વધુ અનુભવાય છે. આવી પરિસ્‍થિતિમાં રાજકોટ શહેરમાં ઘરવિહોણા લોકોને મુશ્‍કેલીનો સામનો ન કરવો પડે તે માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જુદાજુદા વિસ્‍તારોમાં આશ્રયસ્‍થાનની સુવિધા ઉપલબ્‍ધ બનાવવામાં આવેલી છે. દિનદયાળ અંત્‍યોદય યોજના-રાષ્‍ટ્રીય શહેરી આજીવિકા મિશન યોજના હેઠળ કાર્યરત્ત આ આશ્રયસ્‍થાન (રેનબસેરા) ઘરવિહોણા લોકોને કાયમ રક્ષણ આપી રહેલ છે. આ આશ્રયસ્‍થાનમાં એકલા પુરુષો, એકલી મહિલાઓ તેના આશ્રિત સગીર બાળકો, વળધ્‍ધો, નિરાધાર લોકોને આશ્રય આપવામાં આવે છે. આશ્રયની સાથો સાથ પ્રાથમિક સુવિધાઓ ઉપરાંત  સુરક્ષા-સલામતી, આરોગ્‍ય, શિક્ષણ થકી પ્રતિષ્ઠા ભર્યું જીવન જીવી શકે તે માટે પ્રયત્‍નો કરવામાં આવે છે આ માટે હાલ ઠંડીની ઋતુ  હોયરાજકોટ મહાનગરપાલિકાની ટીમ રાત્રીના સમયે નિયમિત રીતે શહેરના મુખ્‍ય માર્ગો, બસ સ્‍ટેશન, રેલ્‍વે સ્‍ટેશન તથા જ્‍યાં જાહેર માર્ગો પર લોકો જોવા મળે છે તેવા લોકોને મળી શહેરમાં કયા કયા વિસ્‍તારમાં આશ્રયસ્‍થાનોની સુવિધા ઉપલબ્‍ધ છે તેની માહિતી આપે છે અને ઈચ્‍છુક લોકોને આશ્રયસ્‍થાન સુધી પહોંચાડે પણ છે. રાજકોટ મહાનગરપાલિકા હવે પોતાના આ અભિયાનમાં અન્‍ય નાગરિકોની પણ સહાયતા લેવા આગળ ધપી રહી છે. જેમાં શહેરના નાગરિકો પોતાના રહેઠાણ કે વ્‍યવસાય સ્‍થળની આસપાસ, શહેરમાં જાહેર માર્ગો પરની ફૂટપાથ ઉપર કે અન્‍ય કોઈ પણ જગ્‍યાએ ઘરવિહોણા લોકો જોવા મળે તો નાગરિકો તેમને ઉપલબ્‍ધ નિઃશુલ્‍ક આશ્રયસ્‍થાનની સુવિધાઓ વિષે સમજાવે અને જો આવા લોકો આશ્રયસ્‍થાન ખાતે આવવા ઇરછા ધરાવતા હોય તો રાજકોટ મહાનગરપાલિકાને કોલ સેન્‍ટરના ફોન નં. ૧૫૫૩૦૪ ઉપર માહિતી આપે તેવો જાહેર અનુરોધ કરવામાં આવે છે.

 કોલ સેન્‍ટરના ફોન નં. ૧૫૫૩૦૪ ઉપર જાહેર જનતા પાસેથી આશ્રયસ્‍થાનમાં આવવા ઇરછુક લોકોની માહિતી મળ્‍યે રાજકોટ મહાનગરપાલિકાની ટીમ સવારે ૦૬.૦૦ વાગ્‍યાથી રાત્રે ૧૦.૦૦ વાગ્‍યા સુધી ઘર વિહોણા લોકોને રૂબરૂ મળી તેઓને આશ્રયસ્‍થાનો ખાતે સ્‍થળાંતરિત કરશે.

રાજકોટ મહાનગરપાલિકા ઘરવિહોણા લોકો પ્રત્‍યે સંપૂર્ણ સંવેદનશીલતા સાથે માનવીય અભિગમ અપનાવી તેઓને મદદરૂપ થવા માટે નિયમિતરીતે તેઓનો સંપર્ક કરવામાં આવતો રહે છે. આ દરમ્‍યાન તેઓને મહાનગરપાલિકા દ્વારા ઘરવિહોણા લોકોને આશ્રયસ્‍થાનોનો ઉપયોગ કરવા સમજાવવામાં પણ આવે છે. હવે મહાનગરપાલિકા જાહેર જનતાની સહાયતા સાથે આ અભિયાનને વધુ અસરકારક બનાવવા પ્રયાસ કરશે. જેમાં નાગરિકોને શહેરમાં ઘરવિહોણા લોકો જોવા મળે અને જો તેઓ આશ્રયસ્‍થાન ખાતે આશ્રય લેવા માટે સહમત હોય તો આવા લોકોને તુર્ત જ રાજકોટ મહાનગરપાલિકાને કોલ સેન્‍ટરના ફોન નં. ૧૫૫૩૦૪ ઉપર જાણકારી મળ્‍યેથી ૨૪ કલાકમાં આશ્રયસ્‍થાનો ખાતે સ્‍થળાંતરીત કરવા કાર્યવાહી કરવામાં આવશે. આ માહિતીના આધારે મહાનગરપાલિકાની ટીમ ઘરવિહોણા લોકો સુધી પહોંચી તેઓને રહેવા, જમવા, આવશ્‍યક સહાયતા આપવા પ્રયાસ કરશે. મહાનગરપાલિકાના આ સંવેદનાસભર અભિયાનમાં નાગરિકો પણ માનવીય અભિગમ સાથે મહાનગરપાલિકાનાં તંત્ર અને ઘરવિહોણા લોકોને મદદરૂપ થાય તેવો સૌને વિનંતીસહ અનુરોધ કરવામાં આવે છે.

(4:55 PM IST)