News of Saturday, 18th January 2025
સોમવારે જિલ્લા પંચાયતની સામાન્ય સભાઃ ૩૬ સભ્યો વચ્ચે ૪ કરોડ ગ્રાન્ટ ફાળવાશે
સભ્ય દિઠ લોકકાર્યો માટે નાણાપંચમાંથી ૧૧-૧૧ લાખ મળશે

રાજકોટ તા.૧૮: જિલ્લા પંચાયતની ખાસ સામાન્ય સભા તા.૨૦ સોમવારે સવારે ૧૧.૩૦ વાગ્યે નવી કોર્ટ બિલ્ડીંગ હોસ્પિટલ ચોક ખાતે પ્રમુખ શ્રીમતી પ્રવીણાબેન સંજયભાઇ રંગાણીની અધ્યક્ષતામાં મળશે. જેમાં ૧૫માં નાણાપંચની ગ્રાન્ટ ફાળવણી અંગે ચર્ચા થશે. ખાસ સામાન્ય સભામાં પ્રશ્નોને સ્થાન નથી. સભ્યદિઠ રૂા.૧.૩૦ લાખ જળસંચયના કામ માટે વાપરવાનું નકકી કરવામાં આવેલ છે. ૩૬ સભ્યદિઠ રૂા.૪ કરોડ જેટલી ગ્રાન્ટ ફાળવાશે.
જિલ્લા પંચાયતમાં ૩૬ સભ્યો ચુંટાયેલા છે. દરેકને ચાલુ નાણાકીય વર્ષમાં સ્વભંડોળમાંથી રૂ.૨૨-૨૨ લાખ ગ્રાન્ટ ફાળવાયેલ. નાણાપંચમાંથી સભ્યદિઠ વધારાની રૂપિયા ૧૧ લાખ ગ્રાન્ટ ફાળવવા સભામાં ઠરાવ થશે. સભ્યો પાસેથી નાણાપંચની ગ્રાન્ટમાંથી કરવા ધારેલા કામોની યાદી મંગાવી લેવામાંઆવી છે. સામાન્ય સભામાં ઠરાવ બાદ મંજુરી માટે સરકારમાં મોકલાશે. આ ગ્રાન્ટના કામ ૩૧ માર્ચ સુધીમાં મંજુર થઇ જવા જરૂરી છે. હાલ જિલ્લા વિકાસ અધિકારીની જગ્યા ખાલી છે. કાર્યકારી ડી.ડી.ઓ.ની હાજરીમાં ખાસ સામાન્ય સભા મળશે. સામાન્ય સભામાં ગ્રાન્ટની ફાળવણી સિવાઇના કોઇ મુદા ન હોવાનું પંચાયતના વર્તુળો જણાવે છે.
(11:56 AM IST)










