<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 18th January 2025

હરિ ધવા રોડના ટૂર એન્‍ડ ટ્રાવેલ્‍સ સંચાલકને જુની બસના સોદાના નામે બે રાજસ્‍થાનીએ ૧૧ લાખનો ચૂનો લગાવ્‍યો

ફેસબૂક પર‘ જુની બસ વેંચવાની છે' તેવી જાહેરાત વાંચી ફોન કરતાં ગઠીયાએ જયપુર બસ જોવા બોલાવ્‍યા અને છેતર્યા : બે લક્‍ઝરી બસ ગમી જતાં ૨૧.૮૦ લાખમાંસોદો કર્યોઃ ૧ લાખ સુથી પેટે દીધા, બીજા ૧૦ લાખ આંગડીયાથી મોકલ્‍યાઃ એનઓસી મળે પછી બાકીની રકમ ચુકવવાની હતીઃ પરંતુ બંનેએ બસ બારોબાર વેંચી દીધીઃ કુવાડવા પોલીસે ગજાનંદભાઇ ખરસાણીની ફરિયાદ પરથી જયપુર ગંગાનગરના જીતુ રાઠોડ અને આકાશ બલાના વિરૂધ્‍ધ ગુનો નોંધ્‍યો

રાજકોટ તા. ૧૮: શહેરના ટૂર ટ્રાવેલ્‍સના વર્ષો જુના ધંધાર્થી સાથે  બે રાજસ્‍થાની ગઠીયાએ જુની બસના સોદાના નામે ૧૧ લાખની ઠગાઇ કરી લીધી છે. આ બનાવમાં કુવાડવા રોડ પોલીસે  હરી ધવા માર્ગ પર સુખરામનગર-૬માં રહેતાં ગજાનંદભાઇ પ્રભુદાસભાઇ ખરસાણી (ઉ.વ.૫૩)ની ફરિયાદ પરથી રાજસ્‍થાન જયપુરના ગંગાનગરના જીતુ રાઠોડ અને આકાશ બલાના વિરૂધ્‍ધ  છેતરપીંડીનો ગુનો કુવાડવા રોડ પોલીસે દાખલ કર્યો છે.

વધુ માહિતી અનુસાર ગજાનંદભાઇ ખરસાણી ત્રીસેક વર્ષથી સરસ્‍વતિ ટૂર્સ એન્‍ડ ટ્રાવેલ્‍સ નામે ગ્રીનલેન્‍ડ ચોકડીએ ધંધો કરે છે. તેની પોતાની ત્રણ બસ છે. તેમણે કહ્યું હતું કે ૨૫/૧૦/૨૪ના રોજ સાંજે સાડા છએક વાગ્‍યે હું સાત હનુમાન પાસે રવેચી ચા-પાનની હોટલે મિત્રો રામભાઇ મુંધવા, પરેશભાઇ પરમાર સાથે ચા-પાણી પીવા બેઠો હતો ત્‍યારે મારા મોબાઇલમાં મારી ફેસબૂક આઇડી ચેક કરતો હતો તે વખતે મેં એક જાહેરાત વાંચી હતી. જેમાં જુની બસ વેંચવા માટેની વિગતોની સાથે સાથે ફોન નંબર પણ લખેલા હતાં. જેથી મારે બસ લેવી હોઇ મેં તેમાં લખેલા નંબર પર ફોન જોડતાં રિસીવ થયો હતો. સામે વાત કરનારે પોતાનું નામ જીતુ રાઠોડ હોવાનું અને પોતે જયપુરના ગંગાનગરના રહેવાસી હોવાની વાત કરી હતી.

મેં તેને બસની જાહેરાત વિશે પુછતાં તેણે કહેલુ કે મારી પાસે છ-સાત જુની બસ છે, તમે મને વ્‍હોટ્‍સએપમાં મેસેજ કરો એટલે હું તમને ફોટા સહિતની વિગતો મોકલું. આ પછી મેં તેણે આપેલા નંબર પર મેસેજ કરતાં મને બસના ફોટા મોકલ્‍યા હતાં અને બસ જોવી હોય તો જયપુર આવવું પડશે તેમ કહ્યું હતું. આ પછી તા. ૪/૧૧/૨૪ના રોજ હું, રામભાઇ, પરેશભાઇ ત્રણેય જયપુર જવા નીકળ્‍યા હતાં. જયપુરથી પહોંચવા આવ્‍યા ત્‍યારે જીતુને ફોન કરતાં તેણે કહેલુ કે જયપુર બાયપાસથી ૨૦ કિ.મી. દૂર દિલ્‍હી રોડ પર ટોલનાકા પાસે ભારતના પેટ્રોલ પંપ પાસે બસો પડી છે તમે ત્‍યાં આવો. આથી અમે ત્રણેય તે સ્‍થળે જતા  ત્‍યાં બે બસ જોવા મળી હતી. પણ આ બસ વેંચાઇ ગયાનું જીતુએ કહ્યું હતું. તેમજ બીજી બસ આશરે પાંચસો મીટર દૂર વાડીમાં પડી છે ત્‍યાં જઇને જોઇ લો તેમ કહેતાં અમે આગળ જતાં વાડીમાં આરજે૦૯પીએ-૪૯૮૪ અને આરજે૦૯પછઅ.-૪૯૭૯ નંબરની બે લક્‍ઝરી બસ જોવા મળી હતી.

આ બસ મને પસંદ પડી જતાં મેં તેને ખરીદવાનું નક્કી કર્યુ હતું. ં આ પછી જીતુને ફોન કરી આ બસનો સોદો કોની સાથે કરવાનો? તે અંગે પુછતાં તેણે ફોનમાં લોકેશન મોકલુ ત્‍યાં પહોંચી જાવ તેમ કહી લોકેશન મોકલ્‍યુ હતું. તેમજ એક બસ દિઠ ૧૦ હજાર કમિશન આપવું પડશે તેમ કહ્યું હતું. લોકેશનને આધારે અમે જયપુર જવાહરનગર જવા નીકળ્‍યા હતાં. ત્‍યાં લોકેશન મુજબની ઓફિસે પહોંચ્‍યા હતાં. જ્‍યાં બેઠેલા વ્‍યક્‍તિએ પોતાનું નામ આકાશ બલાના કહ્યું હતું. બીજા સ્‍ટાફના માણસો પણ હાજર હતાં.

અમે બંને બસની વાત કરતાં તેણે બે બસની કિમત ૨૧,૮૦,૦૦૦ થાય છે તેમ કહ્યું હતું. આથી અમે આકાશને સુથી પેટે ૧ લાખ રોકડા આપી દીધા હતા. બાકીની રકમ પછી આપવાની હતી. રાજ્‍ય ફરી જતું હોઇ જેથી આ બસને રાજકોટ લઇ આવવા એનઓસીની જરૂર હોઇ અમે આ બાબતે પુછતાં આકાશે શાહ ટ્રાન્‍સપોર્ટ કંપનીના નામે બસ છે તે પોતાના નામ પર કરવી પડે અને બાદમાં એનઓસી નીકળશે, આ કાર્યવાહીમાં પંદર વીસ દિવસ લાગશે તેમ તેણે કહ્યું હતું. આથી અમે કહેલુ કે એનઓસી આવતાં જ બાકીનું પેમેન્‍ટ તમારા ખાતામાં નાખી દઇશું. આ સામે આકાશે કહેલુ કે ખાતામાં નહિ આંગડીયાથી પેમેન્‍ટ મોકલજો.

ત્‍યારબાદ હું તા. ૧૬/૧૧/૨૪ના રોજ ગ્રીનલેન્‍ડ ચોકડીએ હતો ત્‍યારે જીતુનો ફોન આવ્‍યો હતો કે બાકી રહેતા પેમેન્‍ટમાંથી ૫૦ ટકા રકમ મોકલી દો, એનઓસી બે દિવસમાં આવી જવાનું છે, એ પછી તમે ગાડી લઇ જજો. ત્‍યારબાદ ૧૯મીએ ફરી જીતુએ ફોન કરી કહેલુ કે પેમેન્‍ટ કરી આપો. મેં આંગડીયામાં કાલે મોકલીશ તેમ  કહ્યા બાદ મેં ૨૦મીએ રામભાઇને રોકડા ૧૦ લાખ આપી એચએમ આંગડિયા કુવાડવા ખાતેથી આંગડિયુ કરવા કહ્યું હતું. જેથી રામભાઇએ આ રકમ આંગડીયાથી મોકલી આપી હતી. આ રકમ પણ આકાશને મળી ગઇ હતી. બાદમાં ૨૨/૧૧ના રોજ મેં એનઓસી બાબતે પુછતાં તેણે ૨૬/૧૧ની તારીખ આપી હતી, તમે ત્‍યારે જ બંને બસની ડિલીવરી લેવા આવજો તેમ કહ્યું હતું.

એ પછી મેં ૨૬મીએ રામભાઇએ જીતુને ફોન કરી કહેલુ કે હું અને ગજાનંદભાઇ રાજકોટથી નીકળીએ છીએ. ત્‍યારે જીતુએ હું પુછીને કહું તેમ કહી બાદમાં ફોન કરી કહેલુ કે તમે પસંદ કરી હતી તે બંને બસ વેંચાઇ ગઇ છે. આથી મેં તેને કહેલુ કે અમે રૂપિયા આપી દીધા હતાં છતાં તમે બસ બારોબાર કેમ વેંચી નાંખી? ત્‍યારે જીતુએ કહેલુ કે અમને આંગડીયા પેઢીમાંથી કોઇ રકમ મળી નથી. આથી અમે આંગડીયા પેઢીમાં જતાં ત્‍યાં હાજર દુષ્‍યંતસિંહે કહેલુ કે મેં દસ લાખ રાજસ્‍થાન મોકલી દીધા છે અને તમે આપેલા નંબરવાળા ભાઇ આ રકમ પણ લઇ ગયા છે. એ નંબર પર અમે ફોન કરતાં કોઇ છોકરીએ ઉપાડયો હતો અને પપ્‍પા હાજર નથી તેમ કહી દીધુ હતું!

આ પછી હું, રામભાઇ અને ડ્રાઇવર મોહિતભાઇ રાજસ્‍થાન ગયા હતાં અને આકાશને મળ્‍યા હતાં. અમે તેને કહ્યું હતું કે-જીતુ ફોન ઉપાડતો નથી, અમે તમારા નામથી ૧૦ લાખનું આંગડીયુ કર્યુ છે. આથી આકાશે કહેલુ કે-તમારુ આંગડીયુ મળ્‍યું નથી, તમારો કોઇ જવાબ ન આવતાં અમે બંને બસ વેંચી નાખી છે. હું તમને તમે આપેલી રકમ ચાર દિવસમાં પાછી આપી દઇશ. બાદમાં અમે નજીકની હોટેલમાં રોકાયા હતાં અનેજીતુ વિશે તપાસ કરી હતી. પણ તેનો સંપર્ક થઇ શક્‍યો નહોતો. ફોન પણ સ્‍વીચઓફ આવતો હતો. જયપુરના એચએમ આંગડીયામાં જઇ તપાસ કરતાં સીસીટીવી ફૂટેજ ચેક કરતાં  અને દસ લાખ લઇ જનાર વ્‍યક્‍તિનું રેકોર્ડિંગ મોબાઇલ ફોનમાં લઇ આકાશને બતાવતાં તેણે આ જીતુ રાઠોડ હોવાનું કહ્યું હતું. આ પછી અમે રાજકોટ પરત આવ્‍યા હતાં. જીતુને સતત ફોન કરતાં હતાં પણ તે ઉપાડતો નથી. આકાશ બલાનાને પણ સુથીના આપેલા ૧ લાખ અને આંગડીયાથી મોકલેલા ૧૦ લાખ પાછા આપવા કહેતાં તે હજુ સુધી માત્ર વાયદા જ આપતો રહે છે પણ પૈસા પાછા આપતો નથી. આ બનેએ મળી જુનીબસના સોદામાં વીસ લાખની ઠગાઇ કરી હોઇ અંતે અમારે ફરિયાદ કરવી પડી છે. તેમ વધુમાં ગજાનંદભાઇએ જણાવતાં પીઆઇ બી. પી. રજીયાની રાહબરીમાં હેડકોન્‍સ. કે. એચ. પલાળીયાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(3:57 PM IST)