News of Saturday, 18th January 2025
રેસકોર્ષ રીંગ રોડ પર હુશેન ઉર્ફ આર્યનને આડેધડ છરીના ઘા ઝીંકી હત્યાનો પ્રયાસ
બે વર્ષ પહેલા વાહન અથડાવા મામલે થયેલી માથાકુટના કેસમાં સમાધાન કરવા બાબતે ફરી લોહીયાળ ડખ્ખો : મોરબી રોડ સીટી સ્ટેશન પાસે રહેતાં હુશેન ઉર્ફ આર્યન અને મિત્ર ઇરફાનના બાઇકને આંતરી આફતાબ ઉર્ફ બોદુ, માહિદ, શબ્બીર ઉર્ફ શબલો, શાહુ અને અજાણ્યો કાચની બોટલ, છરીથી તૂટી પડયાઃ હુમલો થતાં ઇરફાન ગભરાઇને ભાગી ગયોઃ સામા પક્ષે આફતાબ અને તેના મામાના દિકરા માહિદને ઇજાઃ સામ-સામી ફરિયાદ : જેની હત્યાનો પ્રયાસ થયો તે હુશેન ઉર્ફ આર્યન (પ્રથમ) અને આરોપીઓ પૈકીના આફતાબ ઉર્ફ બોદુ અને માહિદ પણ સારવાર માટે દાખલ થયા હતાં તે જોઇ શકાય છે

રાજકોટ તા. ૧૮: બે વર્ષ જુના મનદુઃખનો ખાર રાખી મોરબી રોડ સીટી સ્ટેશન સામે રહેતાં હુશેન ઉર્ફ આર્યન નામના યુવાન અને તેના મિત્રને મહિલા પોલીસ સ્ટેશનથી આગળ રેસકોર્ષ રીંગ રોડ પર રાત્રે સાડા બારેક વાગ્યે કુવાડવા રોડ ડી-માર્ટ પાછળ ક્વાર્ટરમાં રહેતાં આફતાબ ઉર્ફ બોદુ અને તેની સાથેના ચાર શખ્સોએ આંતરી ઝઘડો ચાલુ કરતાં હુશેનનો મિત્ર ગભરાઇને ભાગી જતાં આ પાંચેયએ કાચની બોટલો, છરીથી હુમલો કરી હુશેનને આડેધડ બેઠક, છાતી, પડખામાં છરીના ઘા ઝીંકી ગાળો દઇ ‘હવે તું જીવતો નહિ રહી શકે, જીવી જઇશ તો પણ મારી નાખશું' કહી ધમકી આપી ભાગી જતાં પાછળથી ઘટના સ્થળે આવેલા મિત્ર આદિલે હુશેનને ગંભીર હાલતમાં હોસ્પિટલે ખસેડયો હતો. સામે પક્ષે હુમલાખોર પૈકીના આફતાબ ઉર્ફ બોદુ અને તેના મામાનો દિકરો માહિદ જુણેજા પણ પોતાના પર હુમલો થયાની રાવ સાથે દાખલ થતાં પોલીસે સામ-સામે ફરિયાદ દાખલ કરી હતી.
હુમલામાં ઘાયલ મોરબી રોડ સીટી સ્ટેશનની સામે હુશેની ચોકમાં રહેતાં અને મજુરી કરી ગુજરાન ચલાવતાં આર્યન ઉર્ફ હુશેન રફીકભાઇ બાવનકા (ઉ.વ.૨૧)ને સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, ભાવેશભાઇ, તોૈફિકભાઇ, અશ્વિનભાઇ, ધર્મેન્દ્રભાઇએ પ્ર.નગર પોલીસને જાણ કરતાં પીઆઇ વી.આર. વસાવાની રાહબરીમાં પીએસઆઇ પી.કે. પઢીયારે તેની ફરિયાદ પરથી આફતાબ ઉર્ફ બોદુ દિલાવરભાઇ ઠેબા, શબ્બીર ઉર્ફ શબલો, માહિર, શાહુ અને અજાણ્યા વિરૂધ્ધ હત્યાની કોશિષનો ગુનો નોંધી ત્રણ શખ્સોને સકંજામાં લીધા છે.
હુશેન ઉર્ફ આર્યને જણાવ્યું છે કે હું અને મારો મિત્ર ઇરફાન ઉર્ફ રેહાન મોચી બજારથી બાઇકમાંબેસી કાલાવડ રોડ ખાતે ચા પાણી પીવા જતાં હતાં ત્યારે મહિલા પોલીસ સ્ટેશનથી કિસાનપરા તરફ જતાં રેસકોર્ષ રીંગ રોડ બીગ બાઇટ નજીક સાહીલ કાદરી પરફયુમની સામે પહોંચતા આફતાબ ઉર્ફ બોદુ અને તેની સાથે શાહુ, બીજા એક્સેસમાં માહીદ, શબ્બીર અને અજાણ્યો હતો તેણે અમારા બાઇકની આગળ તેના વાહનો નાખી ઝઘડો કર્યો હતો. આફતાબ ઉર્ફ બોદુએ તે અગાઉ મને માર્યો હતો, હવે હું તને જાનથી મારી નાખીશ કહી ગાળો દેતાં મારો મિત્ર ઇરફાન ડરી જતાં તે ભાગી ગયો હતો.
ત્યારબાદ એક્સેસની ડેકીમાંથી શાહુ અને અજાણ્યાએ કાચની બોટલો કાઢી હતી અને મને ગાળો દીધી હતી. આફતાબે છરી કાઢી મને છાતીની નીચે પડખામાં ઘા મારી દીધો હતો. શબલો પણ છરીનો ઘા મારવા જતાં મને વાંસામાં લાગી ગયો હતો. અજાણયાએ મને કાચની બોટલ માથામાં મારતાં ખસી જતાં જમણી આંખ પાસે ઇજા થઇ હતી. તેમજ કાચની છુટ બોટલનો ઘા શાહુએ કર્યો હતો. હું નીચે પડી જતાં માહીદ અને આફતાબે મને બેઠકના ભાગે છરીના ઘા મારી દીધા હતાં. હું ફરીનેઉભો થતાં મને છાતીમાં ઘા મારવા જતાં હાથ આડો રાખતાં હાથમાં ઇજા થઇ હતી. આ બધાએ મને મારી નાખવા માટે જીવલેણ હુમલો કર્યો હતો અને લોહીલુહાણ કરી નાંખ્યો હતો. લોકો ભેગા થઇ જતાં આ બધાએ જતાં જતાં ધમકી આપી હતી કે તું હવે જીવતો નહિ રહી શકે, જો જીવી ગયો તો ફરી તને મારી નાખશું. એ પછી બધા ભાગી ગયા હતાં. ત્યાં મારો મિત્ર આદિલ અને તેના મિત્રો આવતાં મને હોસ્પિટલમાં લઇ ગયા હતાં.
બે ર્ષ્વા પહેલા આફતાબ ઉર્ફ બોદુ સાથે મારે વાહન અથડાવા મામલે માથાકુટ થઇ હોઇ અદાવત રાખી મારા પર છરી, કાચની બોટલથી હુમલો કરી હત્યાનો પ્રયાસ કરી ધકમી આપી હતી.
સામા પક્ષે કુવાડવા રોડ ડી-માર્ટ પાછળ શહીદ ઉધમસિંહ ટાઉનશીપ એફ-વીંગ ક્વાર્ટર નં. ૬૦૨માં રહેતાં આફતાબ ઉર્ફ બોદુ દિલાવરભાઇ ઠેબા (ઉ.વ.૨૧)ની ફરિયાદ પરથી હુશેન ઉર્ફ અયાન બાવનકા અને અજાણ્યા વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે.
આફતાબે જણાવ્યું છે કે હું પરિવાર સાથે રહુ છું અને ઘરે બેઠા દિવાની વાટ બનાવવાનું કામ કરી ગુજરાન ચલાવુ છું. શુક્રવારે રાતે સાડા બારેક વાગ્યે હું અને મારા મામાનો દિકરો માહિદ અનવરભાઇ જુણેજા (ઉ.વ.૨૦-રહે. ભગવતીપરા) કેસરી પુલ પાસે ભેગા થયા હતાં. ત્યારે માહિદે કાલાવડ રોડ તરફ ચા-પાણી પીવા જવાની વાત કરતાં અમે બંને એક્સેસ પર રવાના થયા હતાં. રાતે પોણા એકાદ વાગ્યે રેસકોર્ષ રીંગ રોડ મહિલા પોલીસ સ્ટેશનથી થોડે આગળ પહોંચ્યા ત્યાં બાઇક પર બે જણા આવ્યા હતાં. જેમાં પાછળ બેઠેલો શખ્સ આર્યન ઉર્ફ હુશેન બાવનકા હતો. જેણે મને કહેલુ કે આપણે કેસ ચાલે છે તેમાં સમાધાન કરી લઇએ. ચાલુ ગાડીએ જ મેં તેને સમાધાન નથી કરવું તેમ કહેતાં તેણે બાઇક આગળ કરી એક્સેસ અટકાવી દીધુ હતું અને અયાને છરી કાઢી હુમલો કરી પેટમાં મારવા જતાં મેં છરી પકડી લેતાં હાથમાં ઇજા થઇ હતી.
બીજા શખ્સે મને પકડી રાખ્યો હતો અને તેણે પણ નેફામાંથી છરી કાઢી મારતાં હું બચવા જતાં છરીનો ઘા જમણા હાથની કોણીમાં લાગી ગયો હતો. મામાનો દિકરો માહિદ વચ્ચે પડતાં તેને પણ આર્યને ઘુંટણમાં છરી મારી દીધી હતી. એ પછી આ બંનેએ ઢીકાપાટુ માર્યા હતાં અને ગાળો દીધી હતી. અમે બચવા માટે આર્યનના હાથમાીં છરી ઝુ઼ટવી લીધી હતી અને વળતો ઘા કરી આર્યનને ઇજા પહોંચાડી હતી. એ દરમિયાન લોકો ભેગા થઇ ગયા હતાં. ત્યારે આર્યને આજે તો તું બચી ગયો છો, હવે પછી તને મારી જ નાખવો છે તેમ કહી ધમકી આપી હતી.
બે વર્ષ પહેલા આર્યન ઉર્ફ હુશેન અને તેના પરિવારના લોકો સાથે મારે વાહન અથડાવા પ્રશ્ને ઝઘડો થયો હોઇ તેની મેં ફરિયાદ કરી હતી.ત ેનો કેસ ચાલુ હોઇ તેમાં સમાધાન કરી લેવા કહી મને અને મામાના દિકરાને છરીથી ઇજા પહોંચાડાઇ હતી.
(2:24 PM IST)










