<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 21st January 2025

સવા મહિના પહેલા લૂંટારાઓના હુમલામાં ઘાયલ ભગવતીપરાના હાર્દિક ઉર્ફ હિતેષ ચોહાણનું મોતઃ બનાવ ખૂનમાં પરિણમ્‍યો

૧ ડીસેમ્‍બરની રાતે માતા પાસેથી ૨૦ રૂપિયા લઇ ઘર પાસે ફાકી ખાવા ગયો હતોઃ યાર્ડ વિસ્‍તારમાં લૂંટ કરીને આવેલા શખ્‍સોએ ફાકી માંગતા હાર્દિકે ન આપતાં છરી ભોંકી આંતરડા કાઢી નાંખ્‍યા હતાં: પોલીસે રાતોરાત સગીર સહિત ૪ને દબોચી લીધા હતાં

જે તે વખતે ઝડપાયેલા સગીર સહિત ચારેય એ રાતે જે સામે મળે તેને લૂંટી લેવાના ઇરાદા સાથે નીકળ્‍યા હતાં અને પ્રતિકાર કરે તો હુમલો કરવાનું નક્કી કર્યુ હતું  : હત્‍યાનો ભોગ બનનાર હિતેષ ઉર્ફ હાર્દિક નટુભાઇ ચોૈહાણનો ફાઇલ ફોટો, નિષ્‍પ્રાણ દેહ અને વિગતો જણાવતાં તેના માતા જોઇ શકાય છે

રાજકોટ તા. ૨૧: શહેરના ભગવતીપરા રેલ્‍વે ફાટક પાસે શેરી નં. ૧માં રહેતાં હાર્દિક ઉર્ફ હિતેષ નટુભાઇ ચોૈહાણ (ઉ.વ.૨૪) નામના યુવાન પાસે તા. ૧-૧૨-૨૪ના રાતે તે ઘર નજીક ફાકી ખાવા ગયો ત્‍યારે ત્રણ અજાણ્‍યા શખ્‍સોએ આવી ફાકી માંગતા તેણે ફાકી નથી તેમ કહેતાં તેના પેટમાં છરી ભોંકી આંતરડા બહાર કાઢી નાંખી હત્‍યાનો પ્રયાસનો ગુનો નોંધ્‍યો હતો. આ યુવાનનું સારવાર દરમિયાન આજે સવારે મોત થતાં બનાવ હત્‍યામાં પલ્‍ટાઇ જતાં પરિવારમાં અરેરાટી વ્‍યાપી ગઇ છે. આ યુવાનને છરી ઝીંકનાર સગીર સહિત ૪ જણાએ ટોળકી રચી એ રાતે જ ત્રણ સ્‍થળે લૂંટ કરી છરીથી હુમલા કર્યા હતાં. એ ચારેયને જે તે વખતે પોલીસે દબોચી લીધા હતાં.

આ યુવાનની હત્‍યાનો પ્રયાસ કર્યો એ પહેલા ચાર શખ્‍સોએ જુના માર્કેટ યાર્ડ નજીક કરણાભાઇના ગાર્ડન પાછળ પાણીપુરીની લારીવાળાના ગળે છરી રાખી રોકડ, ફોન તથા અન્‍ય એક યુવાનને છરી મારી રોકડ-ફોન પડાવ્‍યાનું તેમજ આ ચારેયને પકડવા દોડેલા લોકો પૈકીના એક યુવાનને છરી ભોંકી દેવાઇ હતી. ભગવતીપરા અને માલધારી સોસાયટી બંને સ્‍થળે આચરાયેલા ગુનાઓમાં એક જ ટોળકી સામેલ હોવાની શકયતાએ તપાસ શરૂ થઇ હતી. જે શંકા સાચી ઠરી હતી અને પોલીસે લૂંટ, હત્‍યાની કોશિષના ગુનાઓ આચરનારા સની ઉર્ફ ચડીયો કલુભાઇ ઉધરેજીયા (ઉ.વ.૧૮-રહે. ભગવતીપરા), સાગર શામજીભાઇ ઉધરેજીયા (ઉ.વ.૧૮),  શિવરાજ વિનુભાઇ ઉધરેજીયા (ઉ.વ.૨૧-રહે. લાલપરી તળાવ પાસે) તથા એક સગીરને દબોચી લઇ ચારેય પાસેથી તમામ મુદ્દામાલ કબ્‍જે કર્યો હતો. જે તે વખતે ચારેયએ રટણ કર્યુ હતું કે પોતે લૂંટ કરવાના ઇરાદા સાથે જ નીકળ્‍યા હતાં અને જે મળે તેને લૂંટી લેવાનો પ્‍લાન હતો. જેમાં ના પાડનારાઓને છરીઓ ઝીંકી દીધી હતી. એસીપી આર. એસ. બારીયા, પીઆઇ એસ. એસ. રાણે અને ડી. સ્‍ટાફની ટીમે આરોપીઓને પકડી કોર્ટમાં રજૂ કર્યા હતાં.

બીજી તરફ સારવારમાં રહેલા હાર્દિક ઉર્ફ હિતેષ નટુભાઇ ચોૈહાણને અગિયાર દિવસ સારવાર બાદ ૧૧/૧૨ના રોજ રજા અપાઇ હતી. પણ ૩૧મીએ ફરી તબિયત બગડતાં ફરી સિવિલના આઇસીયુમાં દાખલ કરાયો હતો. અહિ આજે સવારે તેણે દમ તોડી દેતાં બનાવ હત્‍યામાં પરિણમતાં પરિવારમાં કલ્‍પાંત સર્જાયો હતો. હાર્દિક ત્રણ ભાઇ જીજ્ઞેશ, હરેશથી નાનો હતો અને ચાની હોટલમાં મજૂરી કરતો હતો અને માતાનો આધારસ્‍તંભ હતો. તેના માતાનું નામ જ્‍યોતિબેન છે. તે કચરો-ભંગાર વીણી ગુજરાન ચલાવે છે.

આ બનાવમાં બી-ડિવીઝન પોલીસે જેની હત્‍યાની કોશિષ થઇ હતી તે હાર્દિક ઉર્ફ હિતેષના માસીયાઇ બહેન ટ્રાફિક વોર્ડન તરીકે ફરજ બજાવતાં બહેન ખુશ્‍બુબેન ભાણજીભાઇ ચુડાસમા (ઉ.વ.૨૬-રહે. ભગવતીપરા-૧, રેલ્‍વે ફાટક પાસે)ની ફરિયાદ પરથી ત્રણ અજાણ્‍યા શખ્‍સો વિરૂધ્‍ધ બીએનએસની કલમ ૫૪, ૧૦૯, ૧૩૫ મુજબ હત્‍યાની કોશિષનો ગુનો નોંધ્‍યો હતો. તા.૧/૧૨ના રાતે હિતેષ કામેથી ઘરે આવી જમીને માતા પાસેથી રૂા. ૨૦લઇ ફાકી લેવા ગયો હતો. ત્‍યારે ત્રણ લૂંટારાએ તેની પાસે ફાકી માંગતાં ના પાડતાં છરી ભોંકી આંતરડા બહાર કાઢી નાંખ્‍યા હતાં.   આ હુમલો જીવલેણ સાબિત થતાં ચોૈહાણ પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી. પોલીસે અગાઉના બનાવમાં હત્‍યાની કલમનો ઉમેરો કરવા તજવીજ કરી હતી.

(11:12 AM IST)